જિંદગીના મોટાભાગના વર્ષો અર્થોપાર્જન અર્થે વીતાવ્યા બાદ નિવૃત્તિનું જીવન જીવી રહેલા બહુમતી વડીલોને મૂંઝવણ રહેતી હોય છે સમય કેવી રીતે પસાર કરવો. સંતાનો તેમની લાઈફમાં સેટ હોય, નોકરી-ધંધાની કોઇ ચિંતા ના હોય, જીવનમાં કોઈ જવાબદારી રહી ના હોય ત્યારે જીવનને વ્યસ્ત કેવી રીતે રાખવું એ લાખ રૂપિયાનો પ્રશ્ન બની જાય છે. આ પ્રશ્નનો એક જ ઉકેલ છે કે જીવનના નિવૃત્ત સમયમાં કોઈને કોઈ પ્રવૃત્તિ અપનાવો, અને તેમાં વ્યસ્ત રહો. તમે તમારા મનપસંદ શોખ અને ઈચ્છાઓ પૂરી કરીને જીવનને વ્યસ્ત રાખી શકો છો અને તેનો આનંદ માણી શકો છો.
• નવા શોખ વિકસાવો. જીવનના દરેક પડાવ પર કોઈને કોઈ શોખ હોવો જરૂરી છે, નહીં તો જીવન નીરસ બની જાય છે એ હંમેશા યાદ રાખો. જીવનમાં જે કંઇ મોજશોખ કરવાની ઈચ્છા થાય તે બધું કરો. એવું ક્યારેય ન વિચારો કે હવે આ ઉંમરે આવા શોખ ક્યાં પૂરા કરવા! સાચી વાત તો એ છે કે આ જ ખરી ઉંમર છે તમારા શોખને પૂરા કરવાની, કારણ કે જીવનના પાછલા દિવસોમાં તમારી પાસે તમારા શોખ પૂરા કરવા માટે ભરપૂર સમય છે.
શોખ પૂરા કરવાની કોઈ ઉંમર હોતી નથી. આ ઉંમરે તમારા રહી ગયેલા શોખને પણ તમે પૂરા કરી શકો છો. નિવૃત્તિ પહેલાં જીવન અનેક જવાબદારી અને ફરજોથી ઘેરાયેલું હોય છે, જેમાં જાત માટે તો સમય જ મળતો નથી. જીવનના વ્યસ્ત શિડ્યૂલમાં જરા અમથો સમય મળે તો પણ પરિવારનો જ વિચાર આવી જાય છે, પણ હવે નિવૃત્તિના સમયમાં તમે તમારા માટે જીવો. મનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તેને પૂરી કરો. ફરવા જાવ, એક્સ્ટ્રા એક્ટિવિટીના ક્લાસિસમાં જોડાઓ અને જીવનનો આનંદ માણો.
• હંમેશા કંઇક નવું શીખો... કંઇક નવું શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. ઘણી વખત તમે આ વાક્ય સાંભળ્યું હશે કે ઉંમર તો આંકડોમાત્ર છે. જોકે ઘણા લોકો આ વાક્યને માત્ર એક વાક્ય પૂરતું જ સીમિત રાખે છે અને ઉંમરના હિસાબે કંઈક નવું કરતા ડરે છે, પરંતુ તમારા એ ડરને બાજુ પર મૂકી દો જે પણ ઈચ્છાઓ અધૂરી રહી ગઇ હોય તેને સાકાર કરવાનો પ્રયત્ન કરો. પછી એ સંગીતવાદ્ય શીખવાની વાત હોય, ગાયિકીની વાત હોય કે પછી ચિત્રકળા શીખવાની કે પછી બીજી કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાની વાત હોય. ખુલ્લા મને તે શીખવાનું શરૂ કરો, જરૂર પડ્યે તેના વર્ગોમાં જોડાઓ અને તેનો ભરપૂર આનંદ માણો. તેનાથી તમારી મનની ઈચ્છા પણ પૂરી થશે અને સમયનો સદુપયોગ થશે.
• સ્વાસ્થ્ય માટે સારી છે સક્રિયતા... તન-મનના સ્વાસ્થ્ય માટે શારીરિક સક્રિયતા અનિવાર્ય છે એમ કહો તો પણ ખોટું નથી. જીવનમાં વ્યસ્ત રહેવાથી શરીર અને મગજ કાર્યરત રહે છે અને તેના કાર્યરત રહેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે. તમે જેટલા વ્યસ્ત રહેશો એટલા જ એક્ટિવ રહેશો આ માટે કોઈ પણ પ્રવૃત્તિ કરતા રહો. જેમ કે, સંગીત શીખવું,ગાયકી શીખવી, સ્વિમિંગ શીખવું વગેરે જેવી પ્રવૃત્તિમાં શરીર અને મગજ પર શ્રમ પડે છે અને મગજ પર શ્રમ પડતા તે કાર્યરત રહે છે. આ ઉપરાંત જીવનને વ્યસ્ત રાખવા માટે તમે પરિવાર અને મિત્રો સાથે મળીને અલગ અલગ ઈનડોર અને આઉટડોર રમતો પણ રમી શકો છો જે મગજને અને શરીરને એક્ટિવ રાખે છે.
ટૂંકમાં સો વાતની એક વાત એ છે કે નિવૃત્તિકાળમાં પણ જીવન રહેશે વ્યસ્ત તો તન-મન રહેશે સ્વસ્થ.