બ્રિટનમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં પણ ત્વચાનું કેન્સર સૌથી સામાન્ય પ્રકાર છે. જેના લીધે યુકેમાં દર વર્ષે 2100 માણસના મોત થાય છે. યુકેમાં 2017-2019ના ગાળામાં સ્કીન કેન્સરના કેસની સંખ્યા વર્ષે 17,545 નોંધાઇ હતી.આમ છતાં, હકીકત અને આશ્ચર્યની બાબત એ છે કે સંખ્યાબંધ લોકો સ્કીન કેન્સરના જોખમ, સૂર્યતાપ સાથે તેનો સંબંધ અને આ જીવલેણ રોગના લક્ષણો કેવી રીતે જાણવા તેના વિશે તદ્દન અજાણ જોવા મળે છે. બહુમતી બ્રિટિશરો સ્કીન કેન્સર બાબતે ચિંતિત હોવા છતાં, 77 ટકા લોકો સ્કીન કેન્સરની ભારે ચેપી ગાંઠ (મેલેનોમા - Melanoma)ના લક્ષ્ણો ઓળખી શકતા નથી તેમ બ્રિટિશ એસોસિયેશન ઓફ ડર્મેટોલોજિસ્ટ્સ (BAD)નો નવો અભ્યાસ જણાવે છે. બીજી તરફ, કેન્સર રિસર્ચ યુકેએ તો ચેતવણી આપી છે કે 2040 સુધીમાં સ્કીન કેન્સરના કેસમાં 50 ટકાનો તોતિંગ વધારો નોંધાશે એટલે કે તેના દર્દીની સંખ્યા વર્ષે 26,531સુધી પહોંચી જશે.
સ્કીન કેન્સરના બે પ્રકાર છે. એક સૌથી જીવલેણ મેલેનોમા છે, જેના દર વર્ષે 13,000 નવા કેસ યુકેમાં નોંધાય છે અને બીજો પ્રકાર નોન-મેલેનોમા છે જેના દર વર્ષે નવા 100,000થી વધુ કેસનું નિદાન થાય છે. સ્કીન કેર ફાઉન્ડેશનના કહેવા મુજબ કોઈ વ્યક્તિને કોઈ પણ વયે પાંચ કે તેથી વધુ સનબર્ન્સ (સૂર્યતાપથી ચામડી દાઝી જાય) થાય તો મેલેનોમાનું જોખમ બમણું થાય છે. બીજી તરફ, બાળપણ કે પુખ્તાવસ્થામાં ફોલ્લા ઉઠ્યાં હોય તેવા સનબર્ન્સ માત્ર એક વખત પણ થયા હોય તો તેવી સ્થિતિમાં પાછલી જિંદગીમાં મેલેનોમા થવાની શક્યતા બમણાથી પણ વધી જાય છે.
નોન-મેલેનોમા સ્કીન કેન્સરના બે સામાન્ય સ્વરૂપ છે. સ્કીન કેન્સરના 75 ટકા બેસલ સેલ કાર્સિનોમા થકી હોય છે, જ્યારે 20 ટકા સ્ક્વેમસ સેલ કાર્સિનોમાના હોય છે. નોન-મેલેનોમા સ્કીન કેન્સર મુખ્યત્વે અલ્ટ્રા વાયોલેટ (UV) પ્રકાશ કે કિરણો સાથે વધુ સંપર્કમાં આવવાથી થાય છે.
સનબર્ન્સના લીધે કેન્સરનું ગંભીર જોખમ હોવાં છતાં, BAD દ્વારા સર્વે કરાયેલા આશરે 75 ટકા લોકોએ ગયા વર્ષમાં જ સૂર્યતાપથી ચામડી દાઝી જતી હોવાનું સ્વીકાર્યું હતું અને 40 ટકાએ કેન્સરની નિશાનીઓ બાબતે જાતતપાસ કરી ન હતી. મેલેનોમા અને નોન-મેલેનોમા સ્કીન કેન્સરના સંભવિત લક્ષણો કેવી રીતે ઓળખવા તેની ચાવી આ મુજબ છેઃ
મેલેનોમા સ્કીન કેન્સર
• NHSના જણાવ્યા મુજબ મેલેનોમાની પ્રથમ નિશાની મોટા ભાગે નવા તલ કે મસા (મોલ) ઉપસી આવવાની અથવા હયાત તલ કે મસાના દેખાવમાં ફેરફાર થવાની છે.
• સામાન્ય રીતે મોલ્સ સમતલ ધારી સાથે ગોળ કે અંડાકાર હોય છે અને તેનો વ્યાસ 6 મિ.મિ.થી વધુ હોતો નથી. મોલની સાઈઝ, આકાર અને કલરમાં ફેરફાર, લોહી નીકળવું, ખરબચડાપણું કે બળતરા અને પીડા થતી હોય તો ડોક્ટરને બતાવવું હિતાવહ છે.
• મોલ્સ ઉપસતા કે વધતા હોય, આકાર અનિયમિત થતો રહે, બે અથવા વધુ રંગના જોવા મળે, ડાયામીટર 6 મિ.મિ.થી વધુ હોય ત્યારે મેલેનોમા હોવાની શક્યતા વધી જાય છે.
નોન-મેલેનોમા સ્કીન કેન્સર
• નોન-મેલેનોમા સામાન્યપણે ગઠ્ઠા/સોજા અથવા ચામડીના બેરંગી પેચ કે પોપડી જેવા હોય છે જે ભરાતા નથી. કોઈ વ્યક્તિને આવી પોપડી થાય અને ચાર સપ્તાહ પછી પણ તે રુઝાય નહિ તો જીપી / ડોક્ટરને બતાવી દેવું જોઈએ.
• બેસલ સેલ કાર્સિનોમાની નિશાનીમાં નાના લાલ / રાતા અથવા ગુલાબી ગઠ્ઠા / સોજાની હોય છે. જોકે, તે ઓફ વ્હાઈટ અથવા મીણના ગઠ્ઠા અથવા ચામડીની લાલ કે ખરબચડી પોપડી જેવું પણ દેખાઈ શકે છે.
• ગુલાબી કે વ્હાઈટ ગઠ્ઠો ધીરે ધીરે વધતો જાય અને ખરબચડો દેખાય કે લોહી નીકળે અથવા પીડારહિત ચાંદા જેવું દેખાય છે.
• સ્ક્વેમસ સેલ કાર્સિનોમાની નિશાનીમાં કઠણ ગુલાબી ગઠ્ઠા / સોજા જેવું દેખાય છે. આ ગઠ્ઠાની સપાટી સમતલ, ખરબચડી, પોપડીવાળી હોઈ શકે છે જેમાંથી લોહી નીકળે છે અને તેને અડવાથી નરમ લાગે છે. તે પીડારહિત ચાંદા જેવું પણ બની શકે છે.