અરમાન અત્યંત સંવેદનશીલ છે, બીજાની ખૂબ જ કાળજી રાખે છે, પોતાના કામમાં પણ અવ્વલ છે. પણ ક્યારેક અચાનક જ તેનું બિહેવિયર અત્યંત વિચિત્ર થઈ જાય છે. જે વ્યક્તિ સામે હાજર નથી, અરે, આ દુનિયામાં નથી એવી વ્યક્તિ તેને દેખાવા લાગે છે અથવા તો તેનો અવાજ સંભળાય છે. રેસ્ટોરાંમાં તેની સામેનું ટેબલ ખાલી હોવા છતાં તે ખૂબ તલ્લીન થઈને સામેવાળી વ્યક્તિ (જે ખરેખર કોઈ છે જ નહીં) સાથે વાતો કરે છે. તે ઘણી વાર સાવ જ અવાસ્તવિક લાગે એવી ડાહી ડાહી વાતો કરે છે તેને લાગે છે કે બધા તેની સાથે જુઠ્ઠું બોલે છે ને પોતે જેને જોઈ શકે છે, જેની સાથે વાતો કરી શકે એ તેમને દેખાતા નથી એવો ઢોંગ કરે છે. અચાનક જ તેને પોતાના શરીર પર જીવજંતુઓ ફરતા હોય એવો ભાસ થતાં તે બરાડી ઊઠે છે અને ચિલ્લાય છે કે આ વીંછીઓ મારા શરીર પર ફરી રહ્યા છે એને ભગાવો હકીકતમાં તેની બોડી પર ક્યાંય એક મચ્છર પણ નથી ચોંટેલું હોતું.
આ વ્યક્તિ ખૂબ જ ઈમોશનલ છે, પરિવારજનોને ખૂબ જ પ્રેમ કરે છે પણ સતત તેના વર્તન માટે તેને તિરસ્કૃત કરવામાં આવતાં તે હિંસક બની જાય છે.
ઉપર કોઈ કાલ્પનિક વ્યક્તિની વાત નથી થઈ રહી. પરંતુ એક અત્યંત કોમ્પલેક્સ મેન્ટલ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિના કલ્પનાવિશ્વની અને લક્ષણોની વાત છે. આ ડિસઓર્ડર છે સ્ક્રિઝોફેનિયા. હજી જો આ લક્ષણો પરથી રોગોની મનોવસ્થા ન સમજી શકતા હોય તો ૨૦૦૮માં આવેલી ‘હમ તુમ ઓર ઘોસ્ટ’ નામની ફિલ્મના અરશદ વારસીને યાદ કરી લેજો. અરશદના પાત્રને આંશિકપણે સ્ક્રિઝોફેનિક દેખાડવામાં આવ્યું હતું.
સ્ક્રિઝોફેનિયા છે શું?
ભલભલા સાઈકિયાટ્રિસ્ટો પણ આ ડિસઓર્ડરના દર્દીઓને સમજવા માથું ખંજવાળતા હોય છે. સાઈકિયાટ્રીની ભાષામાં એને સ્પિલટ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે. એમાં વ્યક્તિને અચાનક જ પોતે કોઈક બીજી જ વ્યક્તિ હોવાનો આભાસ થવા લાગે છે. શરૂઆતમાં લક્ષણો અસ્પષ્ટ અને ન સમજાય એવાં હોય છે, પણ લાંબા ગાળા સુધી યોગ્ય સારવાર ન થાય તો સ્પીચ, સ્પર્શ, શરીરનું હલનચલન, સ્વભાવ બધી જ રીતે વ્યક્તિ બીજા કોઈની જાણે નકલ ઉતારતો હોય તેવું લાગવા લાગે છે.
સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આ ડિસઓર્ડર થવાનું રિસ્ક દોઢ ગણું નોંધાયું છે ને અત્યારે વિશ્વના એક ટકા લોકોને એની અસર થતી હોવાનું કહેવાય છે.
સ્ક્રિઝોફેનિયા થવાનાં કારણો કયાં?
કમનસીબે ભારતમાં હજીય સ્ક્રિઝોફેનિયાના દર્દીને માતાજી આવ્યાં કે ભૂત-પ્રેતનો વળગાડ છે એમ સમજીને ટ્રીટ કરવામાં આવે છે કેમ કે આ રોગ વિશે લોકો જે કંઈ પણ જાણે છે એમાંનું અડધું અસત્ય હોય છે. સ્ક્રિઝોફેનિયા એ વારસાગત છે એવું કહીને આ દર્દીઓને સામાજિક હૂંફ મળતી નથી, એ તેમની સારવાર માટે ખૂબ નુકસાનકારક હોય છે. ખરેખર એ વારસાગત આગળ વધતો રોગ નથી, કેમ કે કોઈ એક કે બે જ કારણો આ રોગ થવા પાછળ કારણભૂત નથી હોતાં. જિનેટિક ગ્રૂપમાં કોમ્પલેક્સ ગરબડ ઉપરાંત સાઈકોલોજિકલ અને એન્વાર્યન્મેન્ટ પરિબળો પણ એટલું જ મહત્વ ધરાવે છે.
જિનેટિક્સની અસર એક સામાન્ય માનવીના તાબામાં નથી હોતી, પરંતુ સાઈકોલોજિકલ અને એન્વાર્યન્મેન્ટ પરિબળોને આપણે જરૂર કાબુમાં રાખી શકીએ એમ છીએ. એવું માનવામાં આવે છે કે બાળકનો જન્મ થાય એ પહેલાંથી જ એને સ્ક્રિઝોફેનિયા થવાનું રિસ્ક રહેલું છે. જેમ કે, પ્રેગનન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન મમ્મીને કોઈ પણ પ્રકારનો ચેપી રોગ થયો હોય તો બાળકના મગજ પર એની સીધી અસર થઈ શકે છે. એ ઉપરાંત બાળપણમાં જ પેરન્ટ્સને ગુમાવ્યાનો આઘાત કે અત્યંત કારમી ગરીબીમાં જીવવું, વારંવાર હડધૂત થવું, માતા-પિતાને એકબીજા પર હાથ ઉગામતાં જોવાં, ઈમોશનલ - સેક્સ્યુઅલ કે ફિઝિકલ અત્યાચાર બીજા પર થતો જોવો કે પોતાના પર થવો, પોતાની લાગણીની સતત અવગણના થતી રહેવી જેવી બાબતોને કારણે ખૂબ જ ધીમે ધીમે સ્ક્રિઝોફેનિયાનાં લક્ષણો ડેવલપ થાય છે.
કેવાં લક્ષણોથી સચેત રહેવું?
અત્યંત પોઝિટિવ અથવા તો અત્યંત નેગેટિવ વલણ હોવું. અત્યંત પોઝિટિવ વલણ એટલે કે વાસ્તવિક્તાનો પાયો ન હોય એવી હકારાત્મક વાતો કરવી અને પોતાની માન્યતાઓને ખૂબ જ જડપણે વળગી રહેવું.
અત્યંત નેગેટિવ વલણમાં વ્યક્તિના ચહેરા પર કોઈ જ હાવભાવ આવતા નથી. તેને બોલવામાં તકલીફ પડે છે, હલનચલનમાં રૂકાવટ આવે છે, કોઈ જ મોટિવેશન વિના વ્યક્તિ બેસી રહે છે.
ભ્રાંતિ એટલે કે જે નથી એ દેખાવા લાગે, જે સામે નથી એના અવાજો સંભળાય, સ્પર્શ અનુભાવય કે પછી અચાનક જ વ્યક્તિ બીજા કોઈની જેમ બિહેવ કરવા લાગે.