લંડનઃ જો કોઈ વાત યાદ ના આવતી હોય તો આંખો બંધ કરીને તેને યાદ કરવા પ્રયાસ કરો. આમ કરવાથી ભુલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે. બ્રિટિશ નિષ્ણાતે આ મુદ્દે ઊંડું સંશોધન કર્યું છે. સંશોધનના પરિણામો એ આવ્યા છે કે આંખો ખુલ્લી રાખીને યાદ કરવાને બદલે આંખો બંધ કરીને વિચારવાથી સ્મૃતિ ક્ષમતા ૨૩ ટકા વધે છે. લીગલ એન્ડ ક્રિમિનોલોજી સાઇકોલોજી જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત થયો છે. એસ્ટન યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગના પ્રાધ્યાપક અને સંશોધનકર્તા રોબર્ટ નેશ કહે છે કે તમારી આસપાસની ખલેલ પહોંચાડતી વસ્તુઓ પરથી નજર હટાવી લો તો મસ્તિષ્કમાં સામંજસ્ય બેસાડવાની ક્ષમતામાં વધારો થાય છે. તેના કારણે એકાગ્રતા વધે છે અને જે બાબત યાદ કરવા માંગતા હોવ તે જલદી યાદ આવે છે. રોબર્ટ કહે છે કે આંખો બંધ કરવાથી જૂની વાતો અને જાણકારીઓની મસ્તિષ્કમાં એક તસવીર બનવા લાગે છે. સંશોધનનું તારણ કહે છે કે વધુ પડતી બેચેની અને માનસિક તંગદિલી વચ્ચે કેટલીક બાબતો યાદ કરવી મુશ્કેલ બની રહે છે. જ્યારે કાંઈક યાદ કરવું હોય ત્યારે મસ્તિષ્ક પર દબાણ ના વધારો. ઓસ્ટ્રેલિયાના સંશોધકે ૨૯,૫૦૦ લોકો પર સર્વે કરીને સ્મૃતિશક્તિ વધારવાના કેટલાક ઉપાય સૂચવ્યા છે.
યાદદાસ્ત વધારવાના કેટલાક ઉપાય
જેમ કે, દરરોજ મહત્તમ ૧ કલાકથી વધુ ટીવી ના જુવો. શરાબસેવન ઓછામાં ઓછું કરીને નશીલા દ્રવ્યથી બચો. નોવેલ અને પુસ્તકો વાંચો. ક્રોસવર્ડ - પઝલ ઉકેલો. જો માંસાહારી હો તો આહારમાં માછલીનો સમાવેશ કરો. ચા કે કોફીનું બહુ સીમિત માત્રામાં સેવન કરો.