જો તમે 40ની વયે વધતી વય અંગે નકારાત્મક છો તો યાદશક્તિ ઘટવાનો ખતરો

Wednesday 20th November 2024 06:10 EST
 
 

જો તમે યુવાનીમાં વધતી ઉમર અંગે નકારાત્મક વિચારો ધરાવો છો તો ઉંમર વધતાં જ તેનાં અનેક દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર, જે લોકો 20, 30 અને 40 વર્ષની વયે જ એજિંગ અંગે નકારાત્મક માનસિકતા ધરાવે છે તેમની યાદશક્તિમાં 60ની વય સુધી 30 ટકા જેટલો ઘટાડો થઈ જાય છે. એ સાચું કે, સમયની સાથે માનવીની શારીરિક અને માનસિક કુશળતાઓ ઘટે છે, પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે કોઈ સ્કિલ પર જો સતત કામ કરવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકી રહે છે. શરીરની ક્ષમતાઓને આપણે આ ઉદાહરણથી સમજીએ.
‘VO2 Max’ શરીરની એરોબિક ક્ષમતા માપવાનો સંકેત છે. જે બતાવે છે કે વ્યક્તિ કેટલી કસરત કરી શકે છે. જેમ કે, તમે સીડી ચઢી રહ્યા છો તો VO2 Maxનું પ્રમાણ એ નક્કી કરે છે કે, તમે કેટલી સીડી ચઢી શકો છો. સામાન્ય રીતે 20ની ઉંમર પછી આ ક્ષમતામાં ઘટાડો થાય છે અને 50ની વય પછી તો તેમાં ઉલ્લેખનીય ઘટાડો આવે છે, પરંતુ એક 80 વર્ષના એથ્લીટનું VO2 Max સ્તર 35 વર્ષના તંદુરસ્ત વ્યક્તિ જેટલું હોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ કે, ઉચિત ટ્રેનિંગ વડે તેમાં આવતા ઘટાડાને 50 વર્ષ સુધી અટકાવી શકાય છે.
શરીરની આ ત્રણ કુશળતાઓને વર્ષો સુધી ટકાવી શકાય
શારીરિક ક્ષમતાઃ સામાન્ય સંજોગોમાં વ્યક્તિમાં 50ની વય પછી મસલ્સના ફાઈબર ઘટવાનું શરૂ થાય છે. જો પ્રોપર ટ્રેનિંગ કરવામાં આવે તો બાકીના ફાઈબરના જ ઓવર ડેવલપમેન્ટ દ્વારા તેની ઊણપ પૂરી થઈ શકે છે. મિશિગન યુનિવર્સિટીના સાઈકોલોજિસ્ટ જોન ફોકનરના કહેવા અનુસાર શારીરિક ક્ષમતા અને મસલ્સમાં ભારે ઘટાડા છતાં એથ્લીટ અને માસ્ટર એથ્લીટ્સ ઉલ્લેખનીય દેખાવ કરે છે.
મગજની કુશળતાઃ સામાન્ય રીતે વર્કિંગ મેમરી, મલ્ટીટાસ્કિંગ કે ડિસ્ટ્રેક્શનથી બચવાની ક્ષમતાને જ મગજની કુશળતા કહેવાય છે. વધતી ઉંમર સાથે તેમાં ઘટાડો થાય છે, પરંતુ ન્યૂરોસાયન્ટિસ્ટ થિયોડોર જેન્ટોના કહેવા અનુસાર આ ઘટાડો વૈકલ્પિક છે. મગજ આજીવન સ્થિતિસ્થાપક રહે છે. તેમાં ઉંમર પછી આવતા ઘટાડાને શારીરિક અને માનસિક ટ્રેનિંગ દ્વારા રિવર્સ કરી શકાય છે.
સકારાત્મક વિચારોઃ એજિંગ અંગે સકારાત્મક વિચારોની જીવન પર ઘણી અસર થાય છે. જો વયોવૃદ્ધ વ્યક્તિઓને વૃદ્ધ, ધીમા અને નબળા સમજીને વ્યવહાર કરો છો તો તેની તેમની માનસિક અને શારીરિક તંદુરસ્તી પર સીધી અસર થતી હોય છે. રિસર્ચ કહે છે કે, એજિંગ અંગે જો સકારાત્મક છો તો વ્યક્તિ પર તે બાબતની અસર ધુમ્રપાન છોડવા કે સ્થૂળતા ઘટાડવાથી થતા ફાયદા કરતાં પણ ઘણી વધુ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter