જો બીપી - હૃદયરોગ કે વધુ વજનની સમસ્યા હશે તો તમને ફ્લૂની ગંભીર અસર થઇ શકે છે

Wednesday 08th January 2025 07:27 EST
 
 

તાપમાનનો પારો જેમ-જેમ નીચે ઉતરતો જાય છે તેમ તેમ ફ્લૂના કેસ વધવા લાગે છે. ગળામાં ખરાશ, નાક બંધ થવી, તાવ, શરીરનો દુ:ખાવો અને થાક જેવા લક્ષણ દેખાવા લાગે છે. મોટાભાગના લોકો એક સપ્તાહમાં સાજા થઈ જાય છે, પરંતુ કેટલાક માટે ફ્લૂ ગંભીર બીમારી બની શકે છે. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ આવી જાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ 2010થી 2023 સુધી ફ્લુને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોનો અભ્યાસ કર્યો હતો. તેણે જોયું કે, હાઈ બ્લડપ્રેશર, હૃદય સંબંધિત સમસ્યાઓ કે ન્યૂરોલોજિકલ જેમ કે - શારીરિક કે માનસિક તકલીફ આ બીમારીને ગંભીર બનાવે છે.
આ શારીરિક સમસ્યાઓ ફ્લૂને આ રીતે ગંભીર બનાવે છે
• ન્યૂરોલોજિકલ સમસ્યાઃ ન્યૂરોલોજિકલ સમસ્યાઓ જેમ કે આંચકી, સેરેબ્રલ પાલ્સી વગેરેને કારણે માંસપેશીઓ અને ફેફસાંની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. તેનાથી ફલૂના લક્ષણ વધી જાય છે કે ન્યૂમોનિયા થઈ શકે છે.
• ઓબેસિટી અને પાચન સંબંધિત સમસ્યાઃ સ્થૂળતા અને પાચન સંબંધિત સમસ્યા ઈમ્યુનિટીને પ્રભાવિત કરે છે, જેનાથી શરીરની ચેપ સામે લડવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. આ ઉપરાંત શરીરમાં સોજો પણ વધે છે, જે ફલૂની ગંભીરતા વધારે છે.
• ફેફસાં સંબંધિત બીમારીઃ ફ્લુ બાળકોમાં અસ્થમાને ટ્રિગર કરી શકે છે. વયસ્કોમાં ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝથી પીડિત લોકોના ફેફસાંની ક્ષમતા નબળી થવાની સાથે તે મ્યુકસને સારી રીતે દૂર કરી શકતા નથી.
• હૃદય સંબંધિત રોગઃ અમેરિકાના સીડીસીના અનુસાર હૃદયરોગવાળા લોકોમાં ફ્લૂનો તણાવ સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે. રિસર્ચ કહે છે કે, ફ્લૂથી હોસ્પિટલમાં દાખલ થનારા લગભગ અડધા વયસ્ક હૃદયરોગી હોય છે.
• હાઈબ્લડ પ્રેશરઃ હાઈબીપી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે તેમની ઇલાસ્ટીસિટી ઘટે છે અને તેનાથી તેમાં સોજો વધે છે. આ ઉપરાંત હાઈબીપીવાળા લોકોમાં ફ્લૂનો ચેપ તેમના હૃદય પર વધુ દબાણ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter