કોલોનઃ વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી જાન્યુઆરીએ જન્મનારાં જોડિયાંની સંખ્યા ઘણી છે. જર્મનીના કોલોનમાં નોંધાયેલી આ ઘટનામાં નોંધપાત્ર એ છે કે જોડિયાં છોકરીઓનાં જન્મ વચ્ચે એક-બે કલાક કે દિવસનો નહિ પરંતુ, પૂરાં ૯૭ દિવસનો ફરક છે. આથી જ તે તબીબીવિશ્વમાં પણ પ્રથમ ઘટના ગણાઈ છે.
કોલોનના એલેકઝાન્ડરની પત્ની ઓક્સાનાએ અલગ અલગ વર્ષમાં બે બાળકીને જન્મ આપવાનો વિક્રમ નોંધાવ્યો છે. તેમણે ૨૦૧૮ની ૧૭ નવેમ્બરે લિઆનાને જન્મ આપ્યો હતો અને તેની જોડકી બહેન લીઓનીનું આગમન ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે થયું હતું. ઓક્સાનાની સગર્ભાવસ્થા માત્ર ૨૬ સપ્તાહની હતી ત્યારે ટચુકડી લિઆનાનો અકાળે પ્રસવ થયો હતો અને તેનું વજન માત્ર ૯૦૦ ગ્રામ હતું. લિઆનાનાં જન્મ પછી ગર્ભમુખ બંધ થઈ કોન્ટ્રાક્શન્સ બંધ થઈ ગયાં હતા અને બીજી બાળકી ગર્ભાશયમાં જ રહી હતી. મેટરનિટી ચીફ ડો. યુવી શેલેનબર્ગર સહિતના ડોક્ટરોએ બીજી બાળકી પૂરા મહિને જન્મ લે તેવો નિર્ણય લીધો હતો.
ઓક્સાનાને હોલ્વેઈડ હોસ્પિટલનાં કેર યુનિટમાં જ રખાઈ હતી. લિઆનાના જન્મ પછીના ૯૭મા દિવસે બીજી બાળકીનો જન્મ થયો હતો, જેનું વજન ૩.૭ કિલોગ્રામ હતું. હવે જોડિયા બાળકીઓ સારાં વિકાસ સાથે આશરે ૫.૭ કિલોગ્રામ વજન ધરાવે છે અને પોતાનાં ઘેર આનંદ કરે છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં આવા અંતરના બે કિસ્સા નોંધાયાં છે. પેન્સિલ્વેનિયાના હંન્ટિગડોનની મિસિસ પેગી લીને ૧૧ નવેમ્બર ૧૯૯૫ના દિવસે દીકરી હાન્નાને જન્મ આપ્યાંના ૮૪ દિવસ પછી બીજી ફેબ્રુઆરી ૧૯૯૬ના દિવસે પુત્ર એરિકને જન્મ આપ્યો હતો. આ વિશ્વવિક્રમને આઈરિશ માતા મારિયા જોન્સ-ઈલિયટની જોડિયા બાળકીઓએ તોડ્યો હતો, જેમનો જન્મ ૮૭ દિવસના અંતરે થયાં હતાં. જોકે, તેમનો જન્મ એક જ વર્ષમાં થયો હતો. એમીનો જન્મ ૨૦૧૨ની પહેલી જૂને થયો જ્યારે, કેટીનો જન્મ ૨૦૧૨ની ૨૭ ઓગસ્ટે થયો હતો.