લંડનના ડોક્ટરોએ ગર્ભાશયમાં જ ભ્રૂણની સર્જરી કરીને જોડકી બાળકીઓનું જીવન બચાવ્યું છે. બાળકીઓ ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમથી પીડાતી હતી, જેના કારણે એક છોકરીમાં વધુ લોહી હતું જ્યારે બીજીમાં ઓછું હતું. બન્ને જીવિત રહે તેવી શક્યતા ફક્ત પાંચ ટકા હતી. જોકે બન્નેનો જન્મ થઈ ગયો છે અને તેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત છે. ૩૦ વર્ષીય કેજિયા હાર્વે લંડનના સ્ટેફોર્ડશાયરમાં રહે છે. લંડનમાં બર્મિંગહામ વિમેન્સ હોસ્પિટલમાં તેની સારવાર કરાઈ. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થાના ૧૬મા અઠવાડિયે પરીક્ષણ દરમિયાન ગર્ભસ્થ બાળકીઓમાં ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ મળી આવ્યો હતો. પ્લેસેન્ટામાં રક્તવાહિનીઓ અસામાન્ય રીતે જોડાયેલી હોવાના કારણે બન્ને બાળકીઓને યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચતું નહોતું. તેના કારણે એક બાળકીનું બ્લડ પ્રેશર ઘટી રહ્યું હતું. ડોક્ટરોની સલાહ પછી કેજિયા અને તેના પતિએ લેસર ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. ડોક્ટરોએ ૧૮મા અઠવાડિયે કેજિયાની લેસર સર્જરી કરી, જેમાં શસ્ત્રક્રિયાની મદદથી અસામાન્ય રક્તવાહિનીની સમસ્યા દૂર કરાઈ, જેથી બન્નેમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય.
ગર્ભાવસ્થાના ૨૪મા અઠવાડિયે ખબર પડી કે એક બાળકીને સ્ટ્રોક લાગ્યો છે. સ્થિતિ ગંભીર હોવાના કારણે ડોક્ટરોએ ગર્ભપાત કરાવવા કહ્યું પરંતુ દંપતી ન માન્યું. સર્જરી દરમિયાન બાળકીઓના મગજના કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ મગજ સતત ડેવલપ થઈ રહ્યું હતું. કેજિયાના જણાવ્યા પ્રમાણે, અમને નહોતી ખબર કે ડિલીવરી પછી બાળકીઓએ કેટલો સંઘર્ષ કરવો પડશે, પરંતુ અમે કોઈ પણ સ્થિતિમાં અમે એબોર્શન કરાવવા માગતા નહોતા.