જોનું જીવન છે પેઇનલેસઃ ન પીડા, ન ડર, ન તણાવ

Tuesday 02nd April 2019 10:43 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના વાઇટબ્રિજમાં વસતાં આ બહેનનું શરીર ખરેખર કુદરતની અજબગજબની રચના છે. શરીરના કોઇ પણ ભાગમાં હાડકું તૂટી જાય, આગથી દાઝી જવાય કે ઘામાંથી લોહી વહેવા લાગે તો પણ ૭૧ વર્ષનાં આ બહેનને પીડા થતી જ નથી. જો કેમેરોન નામના આ મહિલાની જિંદગી સાવ જ પેઇનલેસ છે. તેમને કોઈ વાતે શારીરિક પીડા અનુભવાતી જ નથી. પછી વાત ઇજાની હોય, દાઝવાની હોય કે અન્ય કોઇ કારણ હોય.
જોને જણાવાયું હતું કે સંતાનને જન્મ આપશો ત્યારે ખૂબ જ દર્દ થશે. જોકે કલાકો વીતી ગયા, સંતાનનો જન્મ થઇ ગયો, પરંતુ તેમને દર્દ કે પીડાનો અહેસાસ જ ન થયો. આશ્ચર્ય તો એ છે કે એ દરમિયાન તેમને બેહોશ કરવાની પણ કોઇ દવા અપાઇ નહોતી. કેમરોન એ ઘટનાને યાદ કરતાં કહે છે કે, મને એ તો મહેસુસ થતું હતું કે મારા શરીરમાં કંઇ ફેરફાર થઇ રહ્યો છે, સળવળાટ થઇ રહ્યો છે, પરંતુ તેનાથી મને કોઇ પણ પ્રકારના દર્દનો અહેસાસ થતો નહોતો. બસ એવું લાગ્યું કે જાણે ગલીપચી થતી હોય.
જોનું જીવન પેઇનલેસ છે એટલું જ નહીં, તેણે ક્યારેય જીવનમાં ડર કે માનસિક તણાવ પણ અનુભવ્યા નથી. જોનું કહેવું છે કે તેને ક્યારેય ડિપ્રેશનનો પણ સામનો કરવો પડ્યો નથી.
જો કેમરોનની આ અજાયબ શરીરરચનાનું રહસ્ય વિજ્ઞાનીઓને હવે સમજાયું છે! ‘ધ બ્રિટિશ જર્નલ ઓફ એનેસ્થેસિયા’માં પ્રકાશિત અહેવાલમાં વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે કેમરોનની આ સ્થિતિનું કારણ એક ડીએનએમાં થયેલું પરિવર્તન છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ શોધથી કેમરોનની સમસ્યાનો ઇલાજ કરવામાં મદદ મળશે.

આખરે કારણ મળ્યું...

કેમરોનની આ શારીરિક સ્થિતિનું કારણ જાણવા નિષ્ણાતો પાંચેક વર્ષથી પ્રયત્નશીલ હતા. જો તેના પતિ સાથે સ્કોટલેન્ડમાં આનંદભર્યું જીવન જીવી રહી હતી. એક વખત રેગ્યુલર ચેક-અપ દરમિયાન તેમને આર્થ્રાઇટિસ થયો હોવાની ખબર પડી અને હિપ-જોઇન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યું. આ સમયે ડોક્ટરોને તેની ‘પેઇનલેસ’ સમસ્યા અંગે જાણવા મળ્યું હતું. થાપાનું હાડકું સાવ જ ડીજનરેટ થઈ ગયું હોવા છતાં ૬૫ વર્ષના જો કેમરોનને સાંધા કે હાડકાંમાં કોઈ પીડા નહોતી થતી.
આ પછી જો કેમરોનને કેટલાક સવાલ પૂછાયા, જેમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી. તેમને દાઝવા કે ઇજા થવાના સમયે પણ જરાય દર્દ થતું ન હતું! જોને કંઇક બળવાની ગંધ આવે અને જ્યારે તેની નજર પડે ત્યારે દાઝી ગયાની જાણ થતી. તો લોહી વહેતું દેખાય ત્યારે જ ઇજાની જાણ થતી અને પછી તેને ક્યાં વાગ્યું છે તે શોધવું પડતું! આ બધું જાણીને આશ્ચર્યચકિત નિષ્ણાતોએ વિવિધ અભ્યાસ કર્યા. આ પછી તેમણે ડીએનએ ટેસ્ટનો નિર્ણય કર્યો હતો.

FAAH-OUT કારણભૂત?

અભ્યાસમાં નિષ્ણાતોને જોની સમસ્યાનું કારણ જાણવા મળ્યું છે. અભ્યાસમાં તેમણે FAAH-OUT નામનું ડીએનએ શોધ્યું છે. આપણા બધામાં એ ડીએનએ હોય છે, પરંતુ જો કેમેરોનનું ડીએનએ ખામીયુક્ત છે. નિષ્ણાતો કહે છે કે પીડાની સંવેદના મગજ સુધી પહોંચાડવાનું કામ કરતું ડીએનએ ખામીયુક્ત હોવાથી જોનું જીવન પેઇનલેસ છે. આ ડીએનએની ખામી તેની સંવેદના બુઠ્ઠી કરી નાખે છે એટલે આ બહેન ગમેતેવી કટોકટીમાં પણ જરાય બહાવરા થયા વિના શાંતિથી રહી શકે છે.
વિજ્ઞાનીઓ કેમરોનના અસાધારણ ગણાય એવા ઓછા ચિંતાના સ્તરથી પણ ચિંતીત છે. એંગ્જાઇટી ડિસઓર્ડર ક્વેસ્ચનરમાં કેમરોને ૦ સ્કોર કર્યો છે. એટલું જ નહીં, કેમરોનને તો એ પણ યાદ નથી કે તેને ક્યારેય ડિપ્રેશન આવ્યું હોય કે ડરનો અહેસાસ થયો હોય. શોધકર્તાઓએ કહ્યું કે, હવે તેઓ FAAH-OUT પર ફોક્સ કરશે અને જોશે કે આ જનીન કઇ રીતે કામ કરે છે, જેથી એક ડીએનએ થેરપી કે પેઇનકિલિંગ ટેકનોલોજી વિકસાવી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter