વોશિંગ્ટન: અમેરિકાની આરોગ્ય નિયંત્રક સંસ્થાએ ઓનલાઇન ખરીદેલી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાઉડરની બોટલમાં એસ્બેસ્ટોસની હાજરી મળી આવતાં કંપનીએ અમેરિકામાં બેબી પાઉડરની ૩૩,૦૦૦ બોટલ પરત મંગાવતો આદેશ કર્યો છે. આ નિર્ણયથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનના શેરમાં છ ટકાનો તીવ્ર કડાકો બોલી ગયો હતો.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ ૧૮ ઓક્ટોબરે પહેલી વાર તેની આઇકોનિક પ્રોડક્ટ બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસની હાજરીના કારણે બજારમાં મોકલી દેવાયેલી પ્રોડક્ટને પાછી ખેંચી છે. એટલું જ નહીં, અમેરિકી હેલ્થ ઓથોરિટી દ્વારા પહેલી વખત જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસની હાજરી હોવાની જાહેરાત કરાઈ છે.
જ્હોન્સન એન્ડ જ્હોન્સનમાં મેડિકલ વિભાગના વડા ડો. સુસાન નિકોલસને જણાવ્યું હતું કે, અમારા બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસની હાજરી અત્યંત અસામાન્ય બાબત છે. તેમ છતાં કંપનીએ સામે ચાલીને ૨૦૧૮માં અમેરિકામાં નિકાસ કરાયેલ બેબી પાઉડરના ૩૩,૦૦૦ બોટલના એક લોટને પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે.
અફીણ કેસમાં વળતર ચૂકવી સમાધાન
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જ્હોન્સન એન્ડ જ્હોન્સન જાહેરાત કરી હતી કે લોકોને અફીણનાં બંધાણી બનાવવાના આરોપસર ઓહાયોમાં ચાલનારા કેસમાં ૨.૦૪ કરોડ ડોલર ચૂકવીને કેસની પતાવટ કરી છે. ચાલુ મહિનાના અંતે આ કેસની શરૂઆત થાય તે પહેલાં જ અનેક દવા ઉત્પાદકોએ પતાવટ કરવાની તૈયારી દર્શાવી હતી.
અનેક કંપનીઓ દ્વારા બજારમાં મૂકેલી અફીણયુક્ત પેઈનકિલરના કારણે ઘણા અમેરિકાનો તેના બંધાણી બની ગયા હતા. છેલ્લા બે દાયકાથી ડોક્ટરો પણ આ દવા લેવાની સલાહ આપતા હોવાથી કંપનીઓ બજારમાં આ દવાઓ ખડકતી હતી. આ પતાવટ કોઈ પણ જાતની જવાબદારીનો સ્વીકાર વગર કરવામાં આવી હતી.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન દ્વારા બીજી ઓક્ટોબરે એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે હવે ફેડરલ કેસમાંથી કંપનીને મુક્તિ મળી છે. કંપનીએ ઉમેર્યું હતું કે તેઓ બિનજરૂરી કેસની કાર્યવાહીને ટાળવા ઈચ્છે છે. હવે તેઓ દેશની અફીણ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પ્રયાસ કરશે અને અર્થસભર પ્રગતિ કરશે.