ન્યૂ જર્સી: વિખ્યાત જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ અમેરિકા અને કેનેડામાં તેનું બહુ જાણીતું ઉત્પાદન બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની આ પ્રોડ્ક્ટ અંગે ૧૬,૦૦૦થી ૧૯,૦૦૦ જેટલા કેસ કરાતા વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કંપનીનાં બેબી ટેલ્કમ પાઉડરમાં એસ્બેસ્ટોસનું પ્રમાણ વધુ હોવાથી બાળકોને કેન્સર થવાનું જોખમ રહેલું છે તેવી ફરિયાદ અરજીમાં કરાઇ છે. લોકોમાં આ અંગે ડર ફેલાયા પછી કંપનીનાં બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ ધરખમ ઘટયું છે.
૧૯૭૧થી ૨૦૦૦ સુધીનાં પરીક્ષણોમાં ટેલ્કમ પાઉડરમાં એસ્બેસ્ટોસનું ઊંચું પ્રમાણ
એક સમાચાર એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે બેબી ટેલ્કમ પાઉડરમાં મોટા પાયે એસ્બેસ્ટોસનું પ્રમાણ છે જે કેન્સરની બીમારીને નોતરી શકે છે. આમ છતાં કંપની દ્વારા આંખમિચામણાં કરાઇ રહ્યા છે. ૧૯૭૧થી ૨૦૦૦ સુધી કંપનીની પ્રોડ્ક્ટનાં જે પરીક્ષણો કરવામાં આવ્યા તેમાં પણ પાઉડરમાં એસ્બેસ્ટોસનું પ્રમાણ હોવાનું જણાયું હતું.
૨૦૧૮ પછી કંપની સામે હજારો લોકોએ કેસ કર્યા હતા. કંપની સામે કરાયેલા કેસમાં દાવો કરાયો છે કે બેબી પાઉડરમાં રહેલું એસ્બેસ્ટોસ અને તેમાં રહેલું કાર્સિનોજેન નામનું તત્ત્વ કેન્સર જેવી બીમારી સર્જી શકે છે. જોકે કંપનીએ દાવો કર્યો હતો કે વર્ષો સુધીના વૈજ્ઞાનિક અભ્યાસ અને પરીક્ષણો પછી તેણે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.