નવી દિલ્હી: ગુજરાત સ્થિત દેશની ટોચના ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું છે કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે અને તેમાં સારા પરિણામો મળ્યા છે. કંપનીએ હવે છઠ્ઠી ઓગસ્ટથી બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે. પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં ZyCOV-D સલામત તથા સારી હોવાનું જણાયું છે. કેડિલા હેલ્થકેરે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે પહેલા તબક્કાની ટ્રાયલમાં તંદુરસ્ત વોલિન્ટિયર્સને ZyCOV-Dનો હળવો ડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમનામાં રોગપ્રતિકાર શક્તિ વિકસી હતી.
મહત્ત્વનો માઈલસ્ટોન: પંકજ પટેલ
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ZyCOV-Dની સલામતી નક્કી કરવા માટે ફેઝ-૧નો ડોઝ એક મહત્વનો માઈલસ્ટોન છે. પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં રસી અપાયા બાદ તમામ લોકોને ક્લિનિકલ ફાર્માસ્યુટીકલ યુનિટની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતા અને સાત દિવસની દેખરેખ બાદ રસી સલામત હોવાનું માલૂમ પડયું હતું. અમે હવે બીજા તબક્કાની ટ્રાયલ કરી રહ્યાં છીએ અને મોટી વસતી પર રસીની સલામતી અને રોગપ્રતિકારશક્તિનું મૂલ્યાંકન કરવા આશાવાદી છીએ. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઝાયડસને કોવિડ-૧૯ની રસી ZyCOV-D ની ટ્રાયલની મંજૂરી મળી હતી. બીજા તબક્કાની ટ્રાયલમાં લગભગ ૧,૦૦૦ તંદુરસ્ત અને સ્વસ્થ વોલેન્ટિયર્સને ZyCOV-Dનો હળવો ડોઝ અપાશે. ક્લિનિકલ ટ્રાયલની સલામતી પર દેખરેખ રાખનાર ડેટા સેફ્ટી મોનીટરિંગ બોર્ડે ફેઝ-૧ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ તમામ લોકોમાં રસીની સાત દિવસની સલામતીને મંજૂરી આપી દીધી છે.