ન્યૂ યોર્કઃ દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ વધી રહ્યો છે જેની સીધી અસર હસ્તાક્ષરો પર પડી છે. હવે નવા અભ્યાસમાં એ વાત જાણવા મળી છે કે જો તમે કંઈક નવું શીખવા માગતા હો તો ટાઇપિંગ કરતાં હાથે લખીને શીખશો તો વધુ ઝડપથી યાદ રહી જશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે, વીડિયો જોઈને કે ટાઇપિંગથી કંઈક શીખવાની સરખામણીએ હાથથી લખીને શીખવું વધુ સારો વિકલ્પ છે.
આ અંગેના સંશોધનમાં સામેલ કરાયેલા લોકોને ૩ ગ્રૂપમાં વહેંચીને અરેબિક આલ્ફાબેટ શીખવવામાં આવ્યા હતા. આ લોકોને આલ્ફાબેટ લખીને, ટાઇપ કરીને અને વીડિયો જોઈને સમજાવવામાં આવ્યા હતા. અહીં વીડિયો જોનારાઓને આલ્ફાબેટ સાથે જોડાયેલું કાર્ડ સ્ક્રીન પર દેખાડવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું કે શું આ એ જ શબ્દ છે જેને તમે જોયો હતો? હાથે લખીને શીખનારાઓને પેનથી પેપર પર આલ્ફાબેટ કોપી કરવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે ટાઇપ કરીને શીખનારાઓને કીબોર્ડ પર અક્ષર શોધવા માટે કહેવામાં આવ્યું હતું.
કુલ ૬ વખત આવા અલગ અલગ સેશન કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણે ગ્રૂપના લોકોએ ભૂલો કરી હતી. જોકે એક વાત ઊડીને સામે એ આવી કે, હાથેથી લખનારા લોકોએ બીજા ગ્રૂપોની સરખામણીમાં ઝડપભેર શીખ્યા હતા. આમાંથી કેટલાક તો એવા હતા કે જેઓએ માત્ર બે સેશનમાં જ અરેબિક આલ્ફબેટ શીખી લીધા હતા.