અમદાવાદ: શહેરની એલજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે અઢી કલાકની જટિલ સર્જરી કરીને 13 વર્ષની ટીનેજરની હોજરીથી નાના આંતરડા સુધી ફેલાયેલો ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો કાઢી તેને દર્દમુક્ત કરી છે. ટીનેજરને સાત-આઠ વર્ષથી માથાના વાળ ખાવાની માનસક બીમારી હતી, જેના પરિણામે આ સમસ્યા સર્જાઇ હતી. સમગ્ર વિશ્વમાં આવી બીમાર ધરાવતા દર્દીઓની સંખ્યા માત્ર એક ટકો હોવાથી આ કેસ દુર્લભ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. તપન શાહે કહ્યું હતું કે, હોસ્પિટલમાં લવાયેલ 13 વર્ષની છોકરીની મેડિકલ હિસ્ટ્રી તપાસતાં તેના પેટના ઉપરના ભાગમાં ગઠ્ઠો થયેલો જણાયો હતો. તેને બે મહિનાથી પેટમાં દુઃખાવો, પેશાબની તકલીફ, ભૂખ લાગતી ન હતી લાગતી, ઊલટીની ફરિયાદ હતી. વધુ તબીબી તપાસ કરતાં જણાયું કે, તેને સાત-આઠ વર્ષથી વાળ ખાવાની આદત હતી, જે અંગે તે ખુદ અજાણ હતી.
ડો. શાહ કહે છે કે મેડિકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને કિશોરીની સોનોગ્રાફી કરતાં પેશાબની નળી સાંકડી હોવાનું જણાયું હતું જેથી અમે સિટી સ્કેન કરાવતાં કિશોરીની હોજરીમાં વાળનો ગુચ્છો હોવાનું જણાયું હતું.
આ વાળનો ગુચ્છો હોજરીથી નાના આંતરડાના બીજા ભાગ સુધી લાંબો હતો. આથી સર્જરી વિભાગના વડા ડો. અસિત પટેલના માર્ગદર્શનમાં ડો. મુકેશ સુવેરા અને ડો. જૈમિન શાહ તેમજ એનેસ્થેસિયા ટીમે હોજરી પર ચીરો મૂકીને અઢી કલાકની સફળ સર્જરી કરીને ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો કાઢ્યો છે.
વિશ્વમાં માત્ર 1 ટકા લોકોમાં બીમારી
આ વાળના ગુચ્છાને મેડિકલ ભાષામાં ટ્રાયકોબિઝર અથવા રિપુન્ઝલ્સ સિન્ડ્રોમ (રાજકુમારીના નામ પર) કહેવામાં આવે છે. ખાસ કરીને મહિલા અને છોકરીઓમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. વાળ ખાવાની એક પ્રકારની કુટેવ તેમજ માનસિક બીમારીમાં આમ થઈ શકે છે, દર્દીને આ કુટેવમાંથી છોડાવવા માટે સર્જરી પછી દર્દીના માથાના વાળ કાઢી નાખવાની જરૂર પડે છે. આ પ્રકારના દર્દી સમગ્ર વિશ્વમાં માંડ ૧ ટકા જ જોવા મળે છે. તેમાં પણ ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો નીકળવાની ઘટના તો દુર્લભ છે.