વય વધવાની એક સૌથી મોટી નિશાની છે વાળ સફેદ થવાની. આજની યુવા પેઢી તો માથામાં એક પણ સફેદ વાળ દેખાય કે ચિંતાથી ઉછળી પડે છે. જોકે આજકાલ કસમયે વાળ ધોળા થઈ જવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પહેલાં એટલે કે આજથી વીસેક વરસ પહેલાં તો વ્યક્તિ પિસ્તાળીસ-પચાસ વર્ષને આંબે એટલે વાળ પાકા થવા લાગતા, પણ હવે તો ૧૭-૧૮ વર્ષના છોકરડાના માથામાં પણ સફેદ વાળ મળી આવે તો નવાઇ નથી લાગતી. કસમયે સફેદ થઈ જવા માટે મુખ્યત્વે જીન્સને કારણભૂત માનવામાં આવે છે, પણ કેટલાંક ફેકટર્સ એવાં પણ છે જેનાથી સફેદ વાળની સમસ્યાને તમે કન્ટ્રોલમાં લાવી શકો એમ પણ છો. આ ફેક્ટર્સ ક્યા છે? વાંચો આગળ...
સ્ટ્રેસને કારણે ડેમેજ
યુએસના રિસર્ચરોનું કહેવું છે કે ભાગદોડભરી જીવનશૈલીના કારણે સર્જાતી સતત સ્ટ્રેસફુલ કંડીશન નાની ઉંમરે આવતા સફેદ વાળ માટે જવાબદાર છે. સતત કોઈક પ્રેશર ફીલ થતું હોય, ચિંતા રહ્યા કરતી હોય, અપૂરતી ઊંઘ અને કામના કલાકો વધુ રહેતા હોય ત્યારે શરીરનું હોર્મોનલ બેલેન્સ ખોરવાય છે. જ્યારે સ્ટ્રેસ ખૂબ વધી જાય છે ત્યારે બોડીમાંથી એડ્રિનાલિન હોર્મોનનો સ્રાવ થવા લાગે છે. હોર્મોનનો આ સ્રાવ ભલે અમુક અંશે શરીર માટે સારો ગણાતો હોય, પરંતુ જ્યારે સ્ટ્રેસ એમ ને એમ જ રહે, ઘટે જ નહીં અને વ્યક્તિ લાંબો સમય સુધી રિલેક્સ ન થાય તો એડ્રિનાલિન આપણા મૂળભૂત કોષો ગણાતા ડીએનએ (ડીઓક્સિરીબો ન્યુક્લિક એસિડ)ને ડેમેજ કરે છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના પ્રોફેસરોનો દાવો છે કે સ્ટ્રેસને કારણે ડીએનએ ડેમેજ થાય છે અને તેના કારણે વાળને રંગ આપતા પિગ્મેન્ટ કોષોને આડકતરું નુકસાન થાય છે. રિસર્ચરોને એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત સ્ટ્રેસને કારણે પાર્કિન્સન્સ અને ઓલ્ઝાઇમર્સ જેવી મગજની બીમારીઓ થવાનું જોખમ તો રહે જ છે, સાથોસાથ વાળ સફેદ થવાનું રિસ્ક પણ ખૂબ જ વધી જાય છે.
લાઇફસ્ટાઇલ જવાબદાર
એક અન્ય થિયરી મુજબ બ્રેડફર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે દારૂ પીવાથી, સ્મોકિંગ કરવાથી, જન્ક-ફૂડ ખાવાથી કે અપૂરતી ઊંઘને કારણે પેદા થતા સ્ટ્રેસથી શરીરના મૂળભૂત કોષોમાં બદલાવ આવે છે. પરિણામે હાઈડ્રોજન પેરોકસાઇડ કેમિકલનું પ્રમાણ વધે છે. આ કેમિકલ રંગ આપતા પિગ્મેન્ટને અવરોધે છે. આ વૈજ્ઞાનિકોએ એ વાત પણ નોંધી હતી કે છેલ્લાં એક દસકા દરમિયાન ૨૫ વર્ષની આસપાસની વયે વાળ સફેદ થઈ જવાનું પ્રમાણ વધી ગયું છે.
વાળનો રંગ કેવી રીતે નક્કી થાય?
માથાનાં મૂળિયામાં જેટલાં વાળ દેખાય છે એ શાફ્ટ કહેવાય છે. જ્યારે માથાની ત્વચાની અંદર તરફ જે ભાગ છે એ મૂળિયાં છે. મૂળિયાંની અંદરના છેક અંતિમ લેયરમાં મેલેનિન કણો હોય છે. આ મેલેનિન કણો એ જ છે જે આપણી ત્વચાને પણ રંગ આપે છે.
સ્ટ્રેસ સૌથી મોટો દુશ્મન
તબીબી નિષ્ણાતો કહે છે કે જિનેટિકલ કારણો હોય કે લાઇફસ્ટાઇલ, વાળ એક વાર સફેદ થવાનું શરૂ થઈ જાય એ પછી ફરીથી એને કાળા કરવાની દવા હજી સુધી શોધાઈ નથી. હા, તમારા માથામાં બાકી બચેલા કાળા વાળને કાળા જ કેવી રીતે રાખવા એનું અવશ્ય ધ્યાન રાખી શકાય. નિષ્ણાતો કહે છે કે અમારી પાસે આવનારા લોકોને અમે સલાહ આપીએ છીએ કે તમે સફેદ વાળની જેટલી વધુ ચિંતા કરશો કે અરીસામાં જોઈને નીરખ્યા કરશો તો એનાથી સફેદી વધવાની જ છે, ઘટવાની નથી. આથી વાળ જો તમારે વાળને સફેદ થતા અટકાવવા જ હોય તો ચિંતા છોડ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
સફેદ વાળની સમસ્યામાં આયુર્વેદ
આયુર્વેદીય ઔષધિઓ વધુ વાળને સફેદ થતાં અટકાવવામાં મદદ કરી શકે છે એ વિશે અનુભવી વૈદ્યરાજો કહે છે કે શરીરમાં - માથામાં રહેલું પિત્ત ઓછું કરવા માટે ગોળાસત્ત્વ, ગોદંતી, પ્રવાલપિષ્ટી, જેઠીમધ અને માર્કવ આ પાંચેય દ્રવ્યો બજારમાંથી લાવી, સાફ કરી, બરાબર ખાંડીને એનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ રોજ સવારે અને સાંજે અડધો કપ આમળાંના રસ સાથે લેવું. જ્યારે આમળાં અવેલેબલ ન હોય ત્યારે આમળાંને બદલે દૂધીના રસ સાથે લેવું. ષડબિંદુ તેલનાં ત્રણ-ત્રણ ટીપાં બંને નાકમાં રોજ રાત્રે સૂતા પહેલાં નસ્યરૂપે નાખવાં. જો બની શકે તો તાજા ભાંગરાનો રસ કાઢીને આ તાજો રસ નાકમાં નસ્ય તરીકે નાખવો. સપ્તામૃત લોહ નામનું ચૂર્ણ રાત્રે એકાંતરે પા ચમચી લઈ જૂના મધ અને અડધી ચમચી ગાયના ઘી સાથે બરાબર પેસ્ટ જેવું બનાવવું અને ગરમ પાણી અથવા ગાયના ગરમ દૂધ સાથે લેવું. સફેદ વાળની સમસ્યામાં રાહત થશે.