અમદાવાદ: ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં રહેતા હોવાથી થોડા થોડા વાઇરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાઇરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ વધી જતી હોવાનું જોવા મળે છે. પરિણામે ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની ગતિ ઓછી હોવાનું અને ભારતીયોમાં કોરોના વાઇરસ ઓછો જીવલેણ બનતો હોવાનું જોવા મળી રહ્યું છે. દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં મરણાંક ઓછો હોવાનું કારણ પણ તેની હર્ડ ઇમ્યુનિટી જ હોવાનું તબીબોનું માનવું છે.
બીજું, બહુ જ નાની ઉંમરમાં બાળકોને બીસીજીની રસી આપી દેવામાં આવતી હોવાથી તેમના શરીરમાં ટી લિમ્ફોસાઈટ એક્ટિવ થઈ જતાં હોય છે. ટી લિમ્ફોસાઈટને આપણે શરીરના રક્ષક દળના સેનાપતિ તરીકે ઓળખાવી શકીએ છીએ. આ ટી લિમ્ફોસાઈટ્સ શરીરમાં કોઈપણ નવા વાઇરસ કે બેક્ટેરિયા પ્રવેશે કે તરત જ તેને મારી નાખવાની કામગીરી કરે છે. કોરોના વાઇરસનો હાઉ ઊભો થયો છે. તેના પરિણામે ટોળામાં ફરતાં ભારતીયોના શરીરમાં થોડા થોડા વાઇરસ પ્રવેશી ગયા હોય તો પણ તેમની આંતરિક રોગ પ્રતિકારક શક્તિએ તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવવાની ચાલુ કરી દીધી હશે. તેમજ ભારતીયોના શરીરમાં બીસીજીની રસીને કારણે ટી લિમ્ફોસાઈટ વધુ સક્રિય રહેતો હોવાથી કોરોના વાઇરસનો ચેપ ઝડપથી ફેલાતો નથી અને ફેલાય છે ત્યારે તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા પણ અન્ય દેશના નાગરિકો કરતાં વધુ ઝડપથી આવી જાય છે, એમ કોરોના વાઇરસના ચેપ અંગે માહિતી આપતા ફેફસાના રોગોના નિષ્ણાત અને ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું.
ડો. પટેલે કહ્યું હતું કે બર્ડ ફ્લુ અને સ્વાઈન ફ્લુની તકલીફમાંથી ભારતીયો વિશ્વના અન્ય દેશોની તુલનાએ વહેલા બહાર આવી શક્યા છે તેનું કારણ પણ ભારતીયોની વધુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ જ હતું. બર્ડ ફ્લુ અને સ્વાઈન ફ્લુ વખતે તો લોકડાઉન પણ કરવામાં આવ્યું નહોતું. આમ, કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં લઈન લોકડાઉન જાહેર કરાયું છે તે વધારાનો એડવાન્ટેજ છે.