લંડનઃ યુકેમાં બાળસ્થૂળતાનો ટાઈમબોમ્બ ધણધણી રહ્યો છે ત્યારે તેના સામનાની યોજનાના ભાગરુપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યૂબ સ્ટેશનો અને બસ સર્ટોપ્સ પર જન્ક ફૂડ્સની જાહેરાતો પર પ્રતિબંધ લાગી જશે. મેયર સાદિક ખાને વધુ પ્રમાણમાં મીઠું, સુગર અને ચરબી ધરાવતા આહારનાં વિજ્ઞાપનો પર ત્રાટકવાની જાહેરાત કરી છે. આ સાથે, આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા રેસ્ટોરાં અને ટેકઅવેઝને પરવાનગી પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે યુરોપમાં સૌથી વધુ સ્થૂળતા અને વધુપડતા વજન ધરાવતા બાળકોના પ્રમાણ સાથેના શહેરોમાં લંડન પણ એક છે, જેમાં ૧૦-૧૧ વયજૂથના બાળકોના ૪૦ ટકા બિનતંદુરસ્ત વજન ધરાવે છે. મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે બાળકોની સ્થૂળતા યુવા લંડનવાસીઓની જિંદગીને જોખમમાં મૂકી રહી છે. આપણે આ ટાઈમબોમ્બ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જ પડશે. જન્ક ફૂડની જાહેરાતો ઘટશે તો બાળકો જ નહિ, તેમના પેરન્ટ્સ, પરિવારો અને ખાદ્યપદાર્થો ખરીદી ભોજન બનાવતા કેરર્સને પણ લાભ થશે.
મીઠાં વિનાના નટ્સ, રેઈઝિન્સ અને સુગર-ફ્રી પીણાંની જાહેરાતોને છૂટ અપાશે પરંતુ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ઓછાં તંદુરસ્ત ગણાવાયેલાં ઉત્પાદનોની જાહેરાતો પ્રતિબંધિત કરાશે. આ ઉત્પાદનોમાં ચોકલેટ બાર્સ, બર્ગર્સ, અને પીણાંનો સમાવેશ થાય છે. ૨૫ ફેબ્રુઆરીથી આ પ્રતિબંધ TfLના અંકુશ હેઠળના અંડરગ્રાઉન્ડ, ઓવરગ્રાઉન્ડ, લંડનની બસીસ, ટ્રામ્સ અને રિવર સર્વિસીસના તમામ પરિવહન પ્રકાર પર એડવર્ટાઈઝમેન્ટ્સને લાગુ કરાશે.
કેન્સર રિસર્ચના એક રિપોર્ટ અનુસાર આવી જાહેરાતોનો મારો ચાલે છે તેને નિહાળનારા યુવાનો મેદસ્વી બનવાનું જોખમ બમણું રહે છે અને ૮૭ ટકા યુવાનોને હાઈ ફેટ, સોલ્ટ અને સુગર પ્રોડક્ટ્સની જાહેરાતો લોભાવે છે તેમજ ૭૫ ટકા આવીન જાહેરાતો નિહાળી તેને ખાવા લલચાય છે.