શિયાળામાં ઠંડી લાગવી સ્વાભાવિક છે, પરંતુ હળવી ઠંડીમાં પણ જો તમને આખો દિવસ ધ્રુજારી અનુભવાતી હોય કે પછી હાથ-પગ ઠંડા થઈ જતા હોય તો આ બાબત કોઈ બીમારી કે શારીરિક ખામીનો સંકેત પણ હોઈ શકે છે. જેમ કે, શરીરમાં આર્યનની ઉણપ કે એનીમિયા પણ વધુ ઠંડી લાગવાનું એક મોટું કારણ છે. એ જ રીતે જો તમારા હાથ-પગ ઠંડા પડી રહ્યા છે, પરંતુ શરીરનો બીજો ભાગ સામાન્ય છે તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા પણ હોઈ શકે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનથી શરીરમાં યોગ્ય પ્રમાણમાં લોહી વિવિધ ભાગ સુધી પહોંચી શકતું નથી, જેના લીધે શરીર પૂરતા પ્રમાણમાં ગરમી પેદા કરી શકતું નથી. પરિણામ, વધુ ઠંડી કે ધ્રુજારીના સ્વરૂપમાં સામે આવે છે. હકીકતમાં ધ્રુજારી માંસપેશીઓમાં તણાવ પેદા કરીને તેમને રિલેક્સ મોડમાં લાવે છે, જેનાથી શરીરમાં ગરમી પેદા કરી શકાય. અમેરિકન ડાયાબિટિસ એસોસિએશનના અનુસાર ડાયાબિટિસના કારણે પણ હાથ અને પગની નસોને નુકસાન પહોંચે છે. વધુ પડતી ઠંડી લાગવા માટે જવાબદાર મનાતા સાત કારણો પર એક નજર...
1) થાઈરોઈડની ઊણપઃ
થાઈરોઈડની ઊણપને હાઈપોથાઈરોઈડિઝમ કહે છે. થાઈરોઈડ ગ્રંથિ જ્યારે પૂરતા પ્રમાણમાં થાઈરોઈડ હોર્મોન રીલિઝ કરી શકતી નથી તો મેટાબોલિઝમ ધીમું પડે છે. શરીર પુરતી ગરમી પેદા કરી શકતું નથી. વાળ ખરવા, અનિયમિત માસિક કે અચાનક વજન વધવું આ બીમારીના મુખ્ય લક્ષણ છે.
• ઉકેલઃ ભોજનમાં ખાટા ફળ, સફરજન, બટાટા, નટ્સ વગેરેનું સેવન આ બીમારીમાં લાભકારક છે. તમે ભોજનમાં આ ચીજવસ્તુઓને સામેલ કરીને થાઈરોઈડની બીમારીને નિયંત્રણમાં રાખી શકો છો.
2) એનિમિયાઃ
આયર્ન લાલ રક્તકણોને શરીરમાં ઓક્સિજન લઈ જવામાં મદદ કરે છે, જેનાથી શરીર ગરમી પેદા કરે છે. આયર્નની ઉણપથી થાઈરોઈડની કાર્યપદ્ધતિ પ્રભાવિત થાય છે. ત્વચાનો રંગ પીળો પડવો, કન્સન્ટ્રેશન અને શ્વાસ લેવામાં મુશ્કેલી તેનાં મુખ્ય લક્ષણ છે.
• ઉકેલઃ તમે ભોજનમાં પાંદડાવાળા શાકભાજી, નટ્સ અને ફોર્ટિફાઈડનું સેવન કરીને આ કમી પૂરી કરી શકો છો.
3) ડાયાબિટીસઃ
વધેલું ડાયાબિટીસ હાથ અને પગની નર્વને નુકસાન પહોંચાડે છે. નર્વ જ મગજ સુધી વિવિધ સંદેશા મોકલતી હોય છે. આથી તેને નુકસાન થવાથી તાપમાન અંગેનો સંદેશો પ્રભાવિત થાય છે. વારંવાર યુરિન, થાક, મોઢું સુકાઈ જવું ડાયાબિટીસના મુખ્ય લક્ષણ છે.
• ઉકેલઃ તમે દરરોજ 30 મિનિટ બ્રિસ્ક વોક કરીને આ બીમારીને નિયંત્રણમાં રાખી શકો છો.
4) ડિહાઈડ્રેશનઃ
પાણી શરીરની ગરમીને રોકી લે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત રાખવા માટે તેને ધીમે-ધીમે રિલીઝ કરે છે. શરીરમાં જેવી તેની ઉણપ પેદા થાય છે કે તે ઓછા કે વધુ તાપમાન પ્રત્યે સેન્સેટિવ થઈ જાય છે.
માથાનો દુ:ખાવો, વારંવાર મોઢું સુકાવું, યુરિન જાડું થવું આ તકલીફના મુખ્ય લક્ષણ છે.
• ઉકેલઃ આ તકલીફને દૂર કરવા માટે રોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીઓ. જો તમે શારીરિક શ્રમનું કામ વધુ કરતા હો તો પાણીનું પ્રમાણ વધારો.
5) વિટામિન બી-12માં ઘટાડોઃ
જો શરીરમાં વિટામિન બી-12ની ઉણપ હોય તો પણ એનીમિયાની તકલીફ થઈ શકે છે, જે શરીરમાં ધ્રુજારી ફેલાવી દેતી ઠંડીનું મુખ્ય કારણ છે. હાથ, પગમાં સતત ઝણઝણાટી, ચાલવામાં સમસ્યા, થાક, ડાયેરિયા કે હેડકીની ફરિયાદ તેની ઉણપના મુખ્ય લક્ષણ છે.
• ઉકેલઃ તમે ભોજનમાં ડેરી પ્રોડક્ટ, પોલ્ટ્રી વગેરેનો સમાવેશ કરીને વિટામિન બી-12ની ઉણપ પૂરી કરી શકો છો.
6) ઓછું વજનઃ
વ્યક્તિના શરીરનું નિયત કરતાં ઓછું વજન હોવાનો અર્થ છે બોડી ફેટ ઓછી હોવી. ફેટી ટિશ્યુ શરીરને ઊર્જાનો મુખ્ય સ્રોત છે. જો તેનું પ્રમાણ ઓછું હોય તો શરીર પૂરતી ગરમી પેદા કરી
શકતું નથી, અને તેના પરિણામે ઠંડી વધુ લાગે છે. આ ઉપરાંત શરીરમાં મસલ માસના ઓછા હોવાને કારણે પણ આ સ્થિતિ સર્જાતી હોય છે.
• ઉકેલઃ સપ્તાહમાં ત્રણ દિવસ વેઈટ ટ્રેનિંગ કે રેઝિસ્ટન્સ એક્સરસાઈઝ કરીને તમે વજન મેઈન્ટેન કરી શકો છો.
7) નબળું બ્લડ સર્ક્યુલેશનઃ
નબળા બ્લડ સર્ક્યુલેશનને કારણે લોહી હાથ-પગ સુધી પહોંચી શકતું નથી. હૃદયરોગ પણ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. હકીકતમાં હૃદયરોગને કારણે હૃદયને પમ્પ કરવામાં મુશ્કેલી થવા લાગે છે. બ્લડ સર્ક્યુલેશન નબળું થવાથી વ્યક્તિની ત્વચાનો રંગ પીળો કે વાદળી પડવા લાગે છે.
• ઉકેલઃ તમે સપ્તાહમાં 150 મિનિટ મધ્યમ ગતિની કસરત કરીને આ સમસ્યાથી બચી શકો છો.