વિન્ટરના આ ઠંડાગાર દિવસોમાં એક તરફ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ ઊર્જા વપરાય છે, અને બીજી તરફ શારીરિક ગતિવિધિઓ ઘટી જાય છે. પરિણામે મેટાબોલિઝમ ધીમું પડે છે, અને રોગપ્રતિકાર શક્તિ પણ ઘટે છે. આ સ્થિતિમાં તંદુરસ્ત રહેવા માટે ખાણી-પીણીમાં પરિવર્તન અત્યંત જરૂરી છે. ડાયટમાં નાના-નાના ફેરફાર તમને બીમારીઓથી બચાવી શકે છે. આ દિવસોમાં તલ, મગફળી, ગોળ, શક્કરિયા, ગાજર, લસણ અને ડ્રાયફ્રુટ આ ઋતુના જરૂરી ફૂડ છે, જે તંદુરસ્તી ટકાવી રાખવામાં મદદ કરે છે.
ડાયટમાં કરો આ રીતે ફેરફાર
સવારની ચાઃ આદું, હળદર અને તુલસીનાં પાંદડાં નાખો
અજમો, કાળા મરી, આદુ, લવિંગ અને હળદર ગરમ તાસીર ધરાવે છે. તેમને ચામાં નાખવાથી શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત તુલસીના થોડા પાંદડા નાખી દેવાય તો વધુ ફાયદો થાય છે. તે ઈમ્યુનિટી વધારે છે. તમે લેમન ટી પણ પી શકો છો. તેમાં રહેલું વિટામિન-સી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
• ટિપ્સ: ચામાં મધ નાખી શકો છો. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ચેપથી બચાવે છે. શરદી અને લૂના લક્ષણ ઘટે છે.
સવારનો નાસ્તોઃ ગોળ સાથે એક ગ્લાસ દૂધ મેટાબોલિઝમ વધારશે
સવારના નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરનું મિશ્રણ જરૂરી છે. એ તમને આખા દિવસની ઊર્જા પૂરી પાડવામાં મદદ કરશે. તેના માટે નાસ્તામાં પનીર, શાકભાજીનું પાણી, ઓટ્સ, ઈંડા, જાડા અનાજનો ઉપમા કે પૌઆ જમી શકો છો.
• ટિપ્સઃ ગોળ અને દૂધ પીવાથી ઠંડીથી બચવામાં મદદ મળે છે. ગોળમાં આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જ્યારે દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-એ હોય છે. આ કોમ્બિનેશન મેટાબોલિઝમ વધારે છે.
સાંજની ચાઃ સ્નેક્સમાં મિક્સ ડ્રાયફૂટ કે સીડ્સ ખાઓ
શિયાળામાં સાંજના સમયે હળદર કે આદુની ચા પીવાથી અનેક ફાયદા થશે. ગળાનો ચેપ, શરદી અને શ્વસન સંબંધિત સમસ્યાઓમાં ઘણી રાહત મળશે. હળદરમાં કરક્યુમિન હોય છે, જે સાંધાના દુઃખાવાને ઘટાડે છે.
• ટિપ્સ: આ ચાની સાથે સ્નેક્સ તરીકે મિક્સ ડ્રાયફ્રૂટ, અળસી, તરબૂચ, પમ્પકીન કે સનફ્લાવર સીડ્સ ખાઓ. તેમાં ઝિન્ક જેવા અનેક મિનરલ્સ હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે. બીપીને પણ નિયંત્રણમાં રાખે છે.
બપોરનું ભોજનઃ દાળમાં મેથી નાખીને રાંધો, લોટમાં જાડું અનાજ નાખો
મેથીમાં એન્ટી-બેક્ટિરિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. તેનાથી ઈમ્યુનિટી વધે છે. દાળમાં પાલક નાખી શકો છો. આ ઉપરાંત ઋતુ આધારિત શાકભાજી ખાઓ. શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. રોટલી માટે ઘઉંના લોટમાં જુવાર, બાજરી કે રાગીનો લોટ નાખો. તેનાથી પ્રોટીન અને શરીર માટે જરૂરી ગરમી પ્રાપ્ત થશે.
• ટિપ્સ: એક કટોરી દહીં જરૂર ખાઓ. તેનું પ્રોબાયોટિક્સ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શિયાળામાં પણ ફાયદાકારક છે. ભોજનમાં લસણનો ઉપયોગ જરૂર કરો.
રાતનું ભોજન: આ નિયમ હંમેશા ધ્યાનમાં રાખો
રાતના ભોજનમાં 50 ટકા હિસ્સો ઋતુ આધારિત શાકભાજી અને 30 ટકા હિસ્સો કાર્બોહાઈડ્રેટ ફૂડ જેમ કે, રોટલી, ચોખા વગેરેનો જોઈએ. પ્રોટીનયુક્ત ફૂડ જેમ કે પનીર, દાળો અને માંસાહાર 20 ટકા જ રાખો. તેનાથી પાચન સારું રહેશે. શરીરને પોષણ મળશે. રાત્રે એક ગ્લાસ હળદરવાળું દૂધ પી શકો છો.
• ટિપ્સ: ભોજનમાં એક કલાક પહેલા શેકેલું જીરું, કાળા મરીનો પાઉડર અને બ્લેક સોલ્ટ નાંખેલો વેજિટેબલ સૂપ એક કપ અવશ્ય પીઓ. તે ભૂખ વધારવાની સાથે ઈમ્યુનિટી પણ સુધારે છે.