શિયાળાની ઋતુ આવતા જ સંક્રમણ કેમ વધવા લાગે છે? હકીકતમાં તાપમાનમાં થોડો ઘટાડો પણ આપણી ઈમ્યુનિટી (રોગપ્રતિકારક ક્ષમતા)ને 50 ટકા સુધી ઘટાડી દે છે. આની નાક પર સૌથી વધુ અસર થાય છે. આ જ કારણે શિયાળામાં શરદી, ખાંસી જેવા કેસ વધે છે. તેનાથી બચવા માટે ઈમ્યુનિટી વધારવી અને તેને ટકાવી રાખવી જરૂરી છે. જોકે, તેના માટે અલગથી પ્રયાસ કરવાની જરૂર નથી. પૂરતી ઊંઘની સાથે જ હેલ્ધી ડાયટ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતું પાણી અને ફિઝિકલ એક્ટિવિટીને જાળવી રાખવામાં આવે તો ઈમ્યુનિટીને મજબૂત રાખી શકાય છે.
રિસર્ચ જણાવે છે કે જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી, તેમના અંદર ‘નેચરલ કિલર’ તરીકે ઓળખાતી મહત્ત્વની ઈમ્યુન કોશિકાઓ 70 ટકા સુધી ઘટે છે. આ સિવાય જે લોકો સામાજિક રીતે સક્રિય હોય છે તેમના અંદર પણ એન્ટીબોડી ઝડપથી વિકસે છે.
પાંચ પ્રકારે તમે ઇમ્યુનિટી વધારી શકો છો
• ડાયટ: શરીરના પોષણ માટે અલગ-અલગ રંગ અને સ્વાદની વસ્તુઓ જરૂરી છે. વિટામિન અને મિનરલ્સની ઉણપ ઈમ્યુનિટીને પ્રભાવિત કરે છે. પોષક તત્વો – મિનરલ્સને ભોજનમાં સામેલ કરવાની રીત જોઇએ તો, રેઇનબો ડાયટ અને અલગ સ્વાદવાળા ફળ અને શાકભાજીને ભોજનમાં સામેલ કરો. પ્રયાસ કરો કે પ્લાન્ટ આધારિત ભોજનમાં જુદા-જુદા રંગનાં શાકભાજી અને ફળ હોય. જેમાં મીઠા, ખાટા, નમકીન - કડવા સ્વાદવાળી વસ્તુઓ હોવી જોઈએ.
• પાણી: શરીર હાઈડ્રેટ થતાં જ એન્ટિબોડી યોગ્ય રીતે સક્રિય થાય છે. આમ, શરીરની લગભગ તમામ પ્રક્રિયાઓને સારી રીતે સંચાલિત કરવા માટે પાણી સૌથી જરૂરી છે. કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે ઈમ્યુનોગ્લોબિન-એ (આઈજીએ) નામના એન્ટીબોડી સૌપ્રથમ ડિફેન્સ લાઈન તરીકે સામે આવે છે. આ એન્ટીબોડી ત્યારે જ યોગ્ય રીતે કામ કરે છે જ્યારે આપણે સારી રીતે હાઈડ્રેટ હોઈએ છીએ.
• પાચન: શું તમે જાણો છો કે 80 ટકા ઈમ્યુન સેલ્સ આંતરડામાંથી જ પ્રાપ્ત થાય છે? વર્ષ 2021માં ન્યુટ્રીઅન્ટ્સમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, આપણા આંતરડામાં શરીરના લગભગ 70થી 80 ટકા ઈમ્યુન સેલ્સ હોય છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે તેને પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ જેવા સારા માઈક્રોબાયોમની જરૂર હોય છે. આંતરડાને સ્વસ્થ રાખવાની બીજી રીત એ છે કે ભોજનમાં પૂરતા પ્રમાણમાં હાઈ ફાઈબર લેવું છે.
• મૂવમેન્ટ: માત્ર 20 મિનિટની બ્રિસ્ક વોક ઈમ્યુનિટી બુસ્ટ કરે છે. વિવિધ રિસર્ચમાં સ્પષ્ટ થઈ ગયું છે કે 20 મિનિટની કસરત ઈમ્યુન સિસ્ટમને પમ્પ ક૨વાની સાથે જ શરીરમાં એન્ટીઈન્ગ્લામેટ્રી ફેક્ટ વધારે છે. 20 મિનિટની બ્રિસ્ક વોક મૂડને પણ સુધારે છે, અને તેનાથી માનસિક આરોગ્ય પણ તંદુરસ્ત થાય છે. આ બંને બાબત ઈમ્યુન ફંક્શનને સુધારવામાં મદદ કરે છે. જો લાંબો સમય બેસી રહેવાનું થતું હોય તો પણ લગભગ દરેક કલાકે બ્રેક લઈને મૂવમેન્ટ કરતા રહો.
• સ્ટ્રેસ: સહુ કોઇના જીવનમાં આ દૂષણ ઘૂસી ગયું છે. સ્ટ્રેસને દૂર કરવા માટે યોગ કરો, તે સ્ટ્રેસ રિસ્પોન્સને નિયંત્રિત કરે છે. હળવો તણાવ ઈમ્યુન સિસ્ટમને ફાયદો પહોંચાડે છે. જે ઈમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે છે, પરંતુ આ તણાવ જો લાંબા સમય સુધી રહે છે તો ઈમ્યુનિટી નબળી પડે છે. તણાવ મેનેજ કરવા માટે યોગ અને બ્રીધિંગ તકનીક વધુ અસરકારક છે. જે વેગલ નર્વને એક્ટિવ કરે છે. વેગલ નર્વ સ્ટ્રેસ રિસ્પોન્સની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.