તમને ક્યારેય ઈર્ષ્યા આવે છે? ડર લાગે છે? ગુનાહિત લાગણી અનુભવો છો? ગુસ્સો આવે છે? માણસમાત્રને આ પ્રકારની લાગણીઓ જીવનમાં કયારેકને ક્યારેક થતી જ હોય છે. આ બધી નકારાત્મક લાગણીઓ છે અને એ માત્ર આપણા મનને જ નહીં, શરીરને પણ માઠી અસર કરે છે. મનની અવસ્થા અને શારીરિક સ્વાસ્થ્યને ગાઢ નાતો છે. તમે જે લાગણીઓ અનુભવો છો એના વાઇબ્રેશન્સ શરીરની વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે. ખીલથી લઈને ખુજલી, હેડેકથી લઈને હાર્ટ એટેક, કફની તકલીફથી માંડીને કેન્સર સુધીના રોગો નકારાત્મક લાગણીઓને કારણે શરીર પર એટેક કરી શકે છે.
અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે નેગેટિવ વિચારો કરવા અને નેગેટિવ ફીલિંગ ઉદ્ભવવી એ બંનેમાં ફરક છે. મારાથી ‘આ નહીં થાય...’, હું ‘આ નહીં કરી શકું...’, કોઈ ‘મારી સાથે ગદ્દારી કરશે તો?...’ એ નકારાત્મક વિચારો થયા, જ્યારે ભય - ગુસ્સો - ઈર્ષ્યા - ડર - દ્વેષ એ બધી નકારાત્મક લાગણીઓ છે.
નકારાત્મક વિચારો ન કરો
અધ્યાત્મ કહે છે કે જો તમે આ નકારાત્મક લાગણીઓ પર કાબૂ મેળવી લીધો તો પછી મોક્ષ અને સંયમના માર્ગે તમારી ગાડી નીકળી પડી સમજો, પરંતુ આમ કરવું અત્યંત કઠિન છે. સાધુ-મહાત્માઓ પણ એનાથી બાકાત નથી. તો પછી આમ આદમીનું તો શું ગજું? નકારાત્મક લાગણીઓ પેદા જ ન થાય એ આદર્શ અત્યંત ઊંચો છે.
સ્વીડનના સાઇકિયાટ્રિસ્ટોનું કહેવું છે કે નેગેટિવ અને પોઝિટીવ બંને પ્રકારની લાગણીઓ કુદરતી રીતે જ જન્મે છે અને તેને કન્ટ્રોલમાં લેવી શક્ય નથી, પરંતુ આ નકારાત્મક લાગણીઓને કારણે ઊઠતી પ્રતિક્રિયા અને વિચારોને અવશ્ય કંટ્રોલમાં લઈ શકાય છે. મતલબ કે ઈર્ષ્યા આવવી સહજ છે, પરંતુ ઈર્ષ્યાને કારણે તમે જો બદલો લેવાના વિચારો કરીને આંતરિક સ્વસ્થતા ખોરવી નાખો તો એનાથી શરીરને વધુ હાનિ પહોંચે છે.
નકારાત્મકતાના પ્રતિભાવ
સામાન્ય રીતે વ્યક્તિ નકારાત્મક લાગણી પેદા થાય એને બે પ્રકારની પ્રતિક્રિયા આપે છે. કાં તો એકદમ ઉત્તેજિત અને હાઇપર થઇને બેકાબૂ બની જાય છે અને કાં તો પછી એકદમ ડરી-સહેમીને કોચલામાં અંદર ઘૂસી જાય છે. જો હાઈપર થઈ જવાય તો એને કારણે હાર્ટડિસીઝ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક, એન્ગ્ઝાયટી જેવી સમસ્યાઓ જન્મે છે ને જો વ્યક્તિ પર ભય હાવી થઈ જાય તો એનાથી ડિપ્રેશન આવે, પાચનતંત્ર બગડે, સ્કિન ડિસીઝ થઈ શકે. આ બંને પ્રકારના રીએકશન્સ લાંબા ગાળે શરીરને અંતરથી ખોખલું કરી નાખે છે.
શું અસર થાય?
પ્રત્યેક લાગણી અને એને કારણે ઊઠેલી પ્રતિક્રિયા શરીરના પ્રત્યેક કોષ પર અસર પડે છે. વિચારો, લાગણીઓ અને પ્રતિક્રિયાઓથી શરીરમાં ચોક્કસ પ્રકારનું કેમિકલ રિએકશન ઊભું થાય છે એટલે જ કહેવાય છે ને કે ઇમોશનલ પીડા હોય તો શારીરિક પીડાઓ ન હોય તો પણ ઊભી થાય છે અને હોય તો વધુ વર્તાય છે. નકારાત્મક લાગણીઓને કારણે વિચારો પણ નકારાત્મક થવા લાગે તો એનાથી આપણા શરીરમાં એનર્જીનું વહન કરતી મેરિડિયન્સમાં અસંતુલન ઊભું થાય છે. આપણા શરીરમાં બે પ્રકારની મેરિડિયન્સ હોય છે યીન અને યેન. એક પોઝિટિવ અને બીજી નેગેટિવ - આ બંને મેરિડિયન્સનું સંતુલન હોવું જરૂરી છે. નકારાત્મક લાગણીઓથી આ સંતુલન ખોરવાય છે ને એને કારણે કોષો ડેમેજ થવાનું શરૂ થાય છે ને એમાંથી રોગોની ઉત્પત્તિ થાય છે.
અટકાવવા માટે શું થઇ શકે?
સંજોગો કે પરિસ્થિતિને કારણે નકારાત્મક લાગણીઓ ઊઠે તો એને અત્યંત તીવ્ર પ્રતિક્રિયા ન આપવી. નેગેટિવ લાગણીઓ ઊઠવી વ્યક્તિના હાથમાં નથી, પણ એને કેવો પ્રતિભાવ આપવો એ માનવીના હાથમાં છે. બને એટલી સમતાપૂર્વક નેગેટિવ લાગણીને સમજો.
નકારાત્મક લાગણીઓની અસર
• ઇમ્યુનિટી ઘટેઃ રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. સિઝનલ ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ વધે છે.
• પાચનતંત્ર બગડેઃ લાગણીઓની અસર હોર્મોન્સ પર થાય છે. તમે અનુભવ કર્યો જ હશે કે ગુસ્સો, ડર, દ્વેષ જેવી લાગણીઓનો ઊભરો આવ્યો હોય ત્યારે વ્યક્તિને કાં તો ખૂબ જ ખાવાનું મન થાય છે કાં તે કંઈ જ ખાતી નથી. આ બંનેને કારણે પાચનતંત્ર ખોરવાય છે.
• બ્લડપ્રેશર - હાર્ટડિસીઝનું રિસ્ક વધેઃ જ્યારે પણ કોઈ અત્યંત તીવ્ર નકારાત્મક લાગણી અનુભવાય ત્યારે શરીરમાં રક્તભ્રમણ ધીમું પડી જાય છે. હૃદયને આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે વધારે જોરથી પમ્પ કરવું પડે છે.
• સ્લીપ પ્રોબ્લેમ્સઃ નકારાત્મક લાગણીઓને કારણે કાં તો વ્યક્તિ ઊંઘ્યા જ કરે છે કાં તો પછી ઊંઘી જ નથી શકતી. નકારાત્મક વિચારોને કારણે વચ્ચે વચ્ચે જાગી જાય છે. અનિદ્રા અને એના જેવા સ્લીપ ડિસ્ઓર્ડર્સનો જન્મ થાય છે.
• ડિપ્રેશન અને એન્ઝાયટીઃ આપણા શરીરમાં જ્યારે એનર્જીનું અસંતુલન થાય છે ત્યારે સૌથી પહેલું મન ચંચળ બને છે. ખોટી લાગણીઓને કારણે સતત ઉચાટ રહ્યા કરે છે.
• સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સઃ નકારાત્મક લાગણીઓને કારણે સેક્સ હોર્મોન્સ પર અસર પડે છે. રક્તવહનમાં સમસ્યાઓ સર્જાતા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફન્કશનનનાં લક્ષણો દેખાવા લાગે છે.