ડાયાબિટીસને કારણે લોકો સ્કિન-પ્રોબ્લેમ્સનો ભોગ બની રહ્યા છે એ આપણે વીતેલા સપ્તાહે જાણ્યું. આપણે જોયું કે ડાયાબિટીસથી શરીરમાં લોહીની નસો પર થતી અસર, જેમાં નસોનું સેન્સેશન ઓછું થઈ જાય છે એ પ્રોબ્લેમ જ સ્કિન-પ્રોબ્લેમ્સ પાછળનું મુખ્ય કારણ છે. આ સિવાય ડાયાબિટીસને કારણે દર્દીમાં જોવા મળતું ખરાબ બ્લડ-સરક્યુલેશન, ઓબેસિટી અને ઈન્ફેક્શનનું વધુ જોખમ સમસ્યાને વધારે છે. આ સિવાય આપણે ડાયાબિટીક ડર્મોપથી, નેક્રોબાયોસિસ એન્ડ લિપોઈડિકા ડાયા-બેટિકોરમ (NLD) અને વિટિલિગો જેવા ડાયાબિટીસના દર્દીઓને થતા રોગો વિશે માહિતી મેળવી હતી. આ સપ્તાહે આપણે એવા જ બીજા રોગો વિશે જાણીએ.
• ફોલ્લાંઃ જ્યારે વ્યક્તિ દાઝી જાય છે ત્યારે કોઈ-કોઈ વાર એ ચામડીમાં પાણી ભરાઈ જાય અને એક ફોલ્લો ઊપસી આવે છે. એ જ પ્રકારના ફોલ્લાઓ ડાયાબિટીસના દર્દીઓને થવાની શક્ચતાઓ ખૂબ વધારે હોય છે. કારણ કે ડાયાબિટીસના દર્દીઓની નસોની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ હોય છે. આથી જો કોઈ ગરમ વસ્તુથી દાઝી જવાય કે પગમાં ડંખ પડી જાય તો પણ આ દર્દીઓને ખબર પડતી નથી અને એને કારણે સ્કિન પર વધુ અસર થાય છે અને તરત જ ફોલ્લો થઈ જાય છે. આ ફોલ્લાઓમાં પાણી જેવું પ્રવાહી પણ ભરાયેલું હોય છે અને એમાં થોડી મીઠી ખંજવાળ પણ આવે છે. આ ફોલ્લાઓ પગમાં, પગના તળિયે કે પગના અંગૂઠામાં થતા જોવા મળે છે.
ક્યારેક-ક્યારેક એ હાથ, હથેળી કે હાથની આંગળીઓમાં પણ જોવા મળે છે. મોટા ભાગે એ સાઇઝમાં નાના હોય છે; પરંતુ ક્યારેક એ બહુ મોટા પણ હોઈ શકે છે. ફોલ્લા વિશે જણાવતાં ત્વચા નિષ્ણાતો કહે છે કે, ડાયાબિટીસને કારણે આવતા ફોલ્લાઓ સામાન્ય રીતે બેથી પાંચ અઠવાડિયાંમાં ઠીક થઈ જાય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ફોલ્લાઓને જાતે ફોડવા નહીં, નહીંતર ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. જો ફોલ્લો મોટો હોય તો ડોક્ટરને મળવું, જે અંદરનું પ્રવાહી ખેંચી લઈને સ્કિનને ઢાંકી દઈ જખમને ઇન્ફેક્શનથી દૂર રાખે છે. ક્યારેક જો ફોલ્લો જાતે જ ફૂટી જાય તો પણ તરત ડોક્ટર પાસે જઈને ડ્રેસિંગ કરાવવું જરૂરી છે.
• અકેન્થોસિસ નિગ્રિકેન્સઃ કોઈ મેદસ્વી માણસનું ગળું જોયું છે? એકદમ જાડી ચરબી જામી ગઈ હોય અને ચહેરાના રંગ કરતાં એકદમ ઘેરા કાળા રંગની ગરદન હોય છે તેમની. આ અકેન્થોસિસ નિગ્રિકેન્સ છે. આ વિશે સમજાવતાં નિષ્ણાતો કહે છે કે જે લોકોને ડાયાબિટીસ છે અથવા તો જે લોકો ઓબીસ છે અને ઓબેસિટીને કારણે તેમના પર ડાયાબિટીસનું રિસ્ક વધારે છે તેમને આ પ્રકારનો રોગ થાય છે, જેમાં ચામડી જાડી થઈ જાય છે અને ખૂબ ઘેરા રંગની બની જાય છે. ક્યારેક એ બદલાયેલી ચામડીમાં ખંજવાળ આવે કે ત્યાંથી અમુક પ્રકારની વાસ પણ આવી શકે છે. ખાસ કરીને જે જગ્યાએ સ્કિન ફોલ્ડ થાય છે એ ફોલ્ડ પાસે સ્કિન એકદમ ડાર્ક થઈ જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રોગનો કોઈ વ્યવસ્થિત ઇલાજ ઉપલબ્ધ નથી. પરંતુ વજનને કાબૂમાં રાખવાથી અને ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવાથી આ રોગમાં ઘણો ફરક પડે છે.
• બેક્ટેરિયલ ઇન્ફેક્શનઃ સામાન્ય લોકો કરતાં ઇન્ફેક્શનનું જોખમ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને વધુ હોય છે. આ વિશે વધુમાં જણાવતાં નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસમાં વ્યક્તિના લોહીમાં સુગર હોય છે. એ શુગર બેક્ટેરિયા અને ફૂગનો મુખ્ય ખોરાક છે આથી તેમના શરીરમાં એ ખૂબ ફૂલેફાલે છે. ખૂબ અલગ-અલગ પ્રકારનાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવી વ્યક્તિને થઈ શકે છે. જે કોષો પર ઇન્ફ્લેમેશન આવી જાય છે એ થોડા ગરમ, સૂજેલા, લાલ થઈ જાય છે અને એમાં દુખાવો પણ થાય છે. જો સારી સ્કિન-કેર કરવામાં આવે તો ડાયાબિટીસવાળા લોકો પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચી શકે છે.
• ફંગલ ઇન્ફેક્શનઃ સ્કિન પર ખંજવાળ આવે, સ્કિન લાલ થઈ જાય, નાની ફોલ્લીઓ થાય તો સમજવું કે એ ફંગલ ઇન્ફેક્શન છે. મોટા ભાગે સ્કિનનો જે ભાગ ભીનો રહેતો હોય, જેમને ખૂબ પરસેવો થતો હોય, જે જગ્યામાં સ્કિન ફોલ્ડ થતી હોય જેમ કે હાથની નીચે બગલમાં કે બે પગની વચ્ચે, હાથ અડધેથી વળે એ જગ્યાએ, ગરદનમાં, સ્તનની નીચે, અંગૂઠા અને આંગળી વચ્ચે કે બે આંગળીઓની વચ્ચે, નખની આજુબાજુ વગેરે જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન થાય છે. ફંગલ ઇન્ફેક્શનમાં મોટા ભાગે જે જગ્યાએ ઇન્ફેક્શન થાય એ જગ્યા પર ખૂબ જ ખંજવાળ આવે છે.
• ખંજવાળઃ ડાયાબિટીસના દર્દીઓને શરીરના અમુક ભાગોમાં એક ટિપિકલ પ્રકારની ખંજવાળ આવે છે, જે મોટા ભાગે યીસ્ટનું ઇન્ફેક્શન, સૂકી ચામડી, ખરાબ બ્લડ-સક્યુર્લેશનને કારણે હોય છે. જ્યારે ખરાબ બ્લડ-સક્યુર્લેશનને કારણે ખંજવાળ આવતી હોય તો એ મોટા ભાગે લોઅર બોડી એટલે કે કમરથી નીચેના ભાગમાં ખાસ કરીને પગના તળિયે આવતી હોય છે. જેમને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તેમણે દિવસમાં બે વાર નહાવું જોઈએ. એકદમ માઇલ્ડ સાબુ વાપરવો જોઈએ.
સ્પેશ્યલ સ્કિન-કેર
(૧) ડાયાબિટીસના દરદીઓને કોઈ પણ પ્રકારનું સ્કિન-ઇન્ફેક્શન થયું હોય તો મહત્વની વાત એ છે કે તેમણે પોતાની સુગર કાબૂમાં કરવી જરૂરી છે. આ લોકોના સ્કિન-પ્રોબ્લેમ્સ સુગર કાબૂમાં રહેવાને કારણે જ સોલ્વ થતા હોય છે.
(૨) આ સિવાય તેમણે ખાસ ધ્યાન રાખવું કે તેમનું વજન હંમેશાં નિયંત્રણમાં રહે. ઓબેસિટી બીજી પણ ઘણી શારીરિક સમસ્યા સર્જતી હોય છે.
(૩) ડાયાબિટીસ હોય તેમણે રેગ્યુલર મેનિક્યોર-પેડિક્યોર કરાવતા રહેવું જોઈએ, જેથી તેમની ડેડ સ્કિન નીકળી જાય. આમ પણ તેમના હાથ-પગમાં સેન્સેશન ઓછું હોય છે. જો ડેડ સ્કિન વધી જાય તો સેન્સેશન થાય જ નહીં, જેને લીધે કોઈ વસ્તુ અનુભવવાનું મુશ્કેલ બની જાય.
(૪) નવાં શૂઝ લો ત્યારે તમારા પગને સતત ચેક કરતા રહો. ઘરમાં પણ સ્લિપર પહેરીને જ ફરો. (૫) મોઇસ્ચરાઇઝરનો ઉપયોગ દરરોજ કરો. સ્કિનને ડ્રાય ન થવા દો.
(૬) પરસેવો ખૂબ વળતો હોય એવા લોકોએ પોતાની સ્કિનને વારંવાર સૂકી કરતા રહેવી. ભીની સ્કિનમાં ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે.
(૭) જો તમને વિટામિન બી૧૨ અને વિટામિન ડીની ઊણપ હોય તો (તમારા તબીબને પૂછીને) એનાં સપ્લિમેન્ટ લેવાં જરૂરી છે.
(૮) ડાયાબિટીસના દર્દીને કોઈ પણ પ્રકારના સ્કિન-પ્રોબ્લેમ થાય તો નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. એક્ને જેવા કોમન પ્રોબ્લેમ મેડિકલ હેલ્પ વગર સોલ્વ થવાનું ડાયાબિટીસના દર્દીઓમાં શક્ય હોતું નથી. એટલે કોઈ પણ સ્કિન-પ્રોબ્લેમને અવગણવા નહીં.