• ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકો માટે એક સમયનું ભોજન યોગ્ય
શિકાગોની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના સંશોધકોનું કહેવું છે કે દિવસમાં એક જ વખત આહાર લેવાથી ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકોને લાભ થાય છે. અભ્યાસ મુજબ એક જ વખત ભોજન લેવાથી મળતી કેલરીમાં 25 ટકાનો ઘટાડો થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો ભોજનમાં કેલરી ઘટાડવાનો પ્રયાસ કરે છે તેમની સરખામણીએ નિયંત્રત સમયના આહારથી ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો સારી રીતે વજન અને બ્લડ સુગરને ઘટાડી શકે છે. બ્લડ સુગર ઘટાડવાની આ પદ્ધતિથી આરોગ્ય પર કોઈ વિપરીત અસર જણાતી નથી. JAMA Network Openમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ જે લોકોને 25 ટકા કેલરી ઓછી લેવા સૂચના અપાઈ હતી તેમની સરખામણીએ કેલરીને ગણતરીમાં લીધાં વિના દરરોજ બપોર અને રાતના 8 વાગ્યા સુધીમાં એક જ વખત ભોજન કરનારા લોકોનું વજન માત્ર 6 મહિનામાં વધુ ઘટ્યું હતું. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારા 75 વ્યક્તિને ત્રણ જૂથમાં- એક વખતનું ભોજન, કેલરી ઘટાડવાની સૂચના તેમજ કન્ટ્રોલ ગ્રૂપમામં વહેંચી હતી. છ મહિના સુધી તેમના વજન, કમરનો ઘેરાવો, બ્લડ સુગરનું પ્રમાણ તથા આરોગ્યના અન્ય ઈન્ડિકેટર્સને માપ્યાં હતાં. કેલરી ઘટાડવાની સૂચના સાથેના ગ્રૂપની સરખામણીએ એક સમયે ભોજનના જૂથને નિયમોના પાલનમાં મુશ્કેલી જણાઈ ન હતી. જો, એક બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે એક સમયની ભોજનપદ્ધતિ અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
• પેરાસિટામોલ અને ઈબુપ્રોફેન એક સાથે લઈ શકાય?
આપણે દુઃખાવા કે પીડામાં રાહત મેળવવા માટે પેરાસિટામોલ અથવા ઈબુપ્રોફેન દવાઓ હાથવગી રાખીએ છીએ અને પસંદ અનુસાર ટેબ્લેટ્સ લેતા હોઈએ છીએ. જો પસંદગીની દવાથી રાહત ન મળે તો બીજી દવા પણ લઈ શકાય કે કેમ તેમ વિચારીએ છીએ. જો તમે આ બંને દવા એક સાથે લેવાનું વિચારો તે પહેલા તેમના પ્રકાર, અસર અને સલામતી વિશે પણ વિચારી લેવું જોઈએ. NHS ની સલાહ એવી છે કે જો તમારી વય 16 વર્ષ કરતાં વધુ હોય તો પેરાસિટામોલ અને ઈબુપ્રોફેન દવા એક સાથે લેવાનું સલામત છે. બાળકોને આ બંને દવા સાથે આપવી ન જોઈએ. તમારે ચાર કલાકના અંતરે ડોઝ લેવાનો હોય તો બે-બે કલાકના અંતરે વારાફરતી પણ તેને લઈ શકાય છે પરંતુ, આપણે જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે ખરેખર બંને દવા લેવી જરૂરી છે. બંને દવા આલ્કોહોલ સાથે લઈ શકાય પણ તમને શરીરે ઠીક લાગતું ન હોય તો ડ્રિન્ક સાથે દવા લેવી ટાળવી જોઈએ. પેરાસિટામોલ અને ઈબુપ્રોફેન બંને પીડા અને તાવને અંકુશમાં લે છે અને દર ચાર કલાકે લેવાની રહે છે. ઈબુપ્રોફેન એન્ટિ-ઈન્ફલેમેટરી (સોજા કે બળતરાવિરોધી) અસર ધરાવે છે જ્યારે પેરાસિટામોલની અસર આવી નથી. બીજો મુખ્ય તફાવત એ છે કે ઈબુપ્રોફેન ભૂખ્યા પેટે લઈ શકાતી નથી કારણકે તે જઠરની અંતઃ ત્વચા પર બળતરા લાવે છે અને ચાંદા કે રક્તસ્રાવ થઈ શકે છે. ભોજન સાથે કે તે પછી તરત લેવાય તો ઈબુપ્રોફેન સારી અસર કરે છે. પેરાસિટામોલ ખાલી પેટે લઈ શકાય છે. જઠરમાં ચાંદા, કાણું કે રક્તસ્રાવ થતો હોય તેમણે અને સગર્ભા મહિલાએ ઈબુપ્રોફેન લેવી ન જોઈએ.