વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અને નિદાન ન થયું હોય તેવા લોકોની સંખ્યા પણ લાખોમાં થવા જાય છે. આમ જોઈએ તો ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, જીવનશૈલીનું વિષમ પરિણામ છે જે સ્થૂળતા, હૃદયરોગ, સ્ટ્રોક સહિત અન્ય જીવલેણ રોગોને લાવે છે. ડાયાબિટીસને કસરત, ખાનપાન અને જીવનશૈલીમાં પરિવર્તન થકી નિયંત્રણમાં લાવી શકાય છે. ડાયાબિટીસ સંદર્ભે લોકો હકીકત જાણતા ન હોવાથી ખોટી માન્યતાઓનો શિકાર બને છે અને રોગોનો શિકાર બને છે. આપણે કેટલીક મુખ્ય ખોટી માન્યતાઓ તરફ નજર કરીશું અને હકીકત શું છે તે પણ જાણીશું.
ગેરમાન્યતા # 1
એક વખત નિદાન થઈ ગયું એટલે આજીવન સજા
ઘણા લોકો એમ માને છે કે ટાઈપ 2 ડાયાબિટીસનું એક વખત નિદાન થઈ જાય એટલે આજીવન સજા થઈ કહેવાય. તેઓ એમ વિચારે છે કે ‘હવે તો મારી જીંદગી આ રીતે જ ચાલશે.’ પરંતુ, આ સત્ય નથી. ટાઈપ 1 ડાયાબિટીસ રીવર્સ નથી થઈ શકતો તેનાથી વિપરીત ટાઈપ 2 ડાયાબિટીસની વાત અલગ છે. યોગ્ય ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફારો થકી ટાઈપ 2 ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવી તેની સાથે મિત્રતાપૂર્ણ જીવન જીવી શકાય છે અને તેને રીવર્સ કરી શકાય એટલે કે મુક્તિ પણ મેળવી શકાય છે. એટલું યાદ રાખજો કે પરિવર્તન નિહાળવા માટે પરિવર્તન કરવું પડે છે. તમારી તંદુરસ્તી વિશે આશા છોડી દેશો નહિ. અત્યારે હાઈ બ્લડ સુગર હશે તો ભવિષ્યમાં વધુ સમસ્યાઓ સર્જાઈ શકે છે. માટે ભવિષ્યને નજરમાં રાખી અત્યારથી જ એક્શન શરૂ કરી દેશો તો સારું રહેશે.
ગેરમાન્યતા # 2
‘ઓવરવેઈટ નથી એટલે કોઈ જોખમ નથી’
ટાઈપ 2 ડાયાબિટીસ હોવા માટે તમારે મેદસ્વી કે ઓવરવેઈટ હોવું જરૂરી નથી. ઘણા લોકો તંદુરસ્ત BMI ધરાવતા હોવા છતાં ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ધરાવે છે. વાસ્તવમાં, સાઉથ એશિયન્સ સહિત ચોક્કસ વંશીયતાઓના લોકોમાં BMI ઓછો હોય તેમ છતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું ઊંચુ રહે છે. તમારે યાદ રાખવું જોઈએ કે તમારું વજન જ તમારા આરોગ્યનું એકમાત્ર ઈન્ડકેટર નથી.
ગેરમાન્યતા # 3
‘હું સુગર ખાતો જ નથી એટલે હું સલામત છું’
ટાઈપ 2 ડાયાબિટીસ થવા માટે ખાંડ ચોક્કસપણે એક પરિબળ કે કારણ છે પરંતુ, એકમાત્ર પરિબળ નથી. હકીકત એ છે કે વ્હાઈટ બ્રેડ અને પાસ્તા જેવી રિફાઈન્ડ કાર્બ્સ પણ ટાઈપ 2 ડાયાબિટીસ થવાના જોખમમાં ફાળો આપી શકે છે. હવે વારો આવે છે તળેલાં ખોરાકનો, તમે આવો ખોરાક કેટલાં પ્રમાણમાં ખાઈ જાવ છો? આવો ખોરાક પણ બ્લડ સુગરનું પ્રમાણ ઊંચે લઈ જવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઘણા લોકો બ્લડ સુગરનું સ્તર સહેજ વધુ હોય તો આમાં શું થઈ જવાનું છે તેમ વિચારી તેને ગણકારતા નથી. શું તમે ડાયાબિટીસના લાંબા ગાળાનાં પરિણામો વિશે જાણો છો? ડાયાબિટીસ આગળ જતાં નર્વ્ઝને નુકસાન, કિડનીની સમસ્યાઓ, હાર્ટ ડિસીઝ અને દૃષ્ટિ ગુમાવવા સહિતીની ઘણી ગંભીર સમસ્યાઓ તરફ લઈ જાય છે. આથી, ડાયાબિટીસ બાબતે શરૂઆતથી જ ગંભીર બની જવાની જરૂર છે. આજ સમય શરૂઆત કરવાનો છે.નિદાન થવા સુધી રાહ જોશો નહિ. ઘણા લોકો આરોગ્યની ગંભીર સમસ્યા સર્જાય ત્યાં સુધી રાહ જોવાની મોટી ભૂલ કરે છે. અને તે પછી જીવનશૈલીમાં ફેરફારો કરવા લાગે છે.
સાચા આરોગ્યની ચાવી તો દરરોજ તમારી જાતની કાળજી લેવામાં જ છે!