ટોરન્ટો, લંડનઃ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા (UBC)ના સંશોધકોએ ઈન્સ્યુલિન પિલ વિકસાવી છે જેને મોઢાં વાટે લઈ શકાય છે. આ પિલના કારણે ડાયાબિટીસથી પીડાતા લોકોએ દરેક ભોજન કે નાસ્તા પહેલાં ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવા પડે છે તે બંધ થઈ જશે. આ પિલ હોર્મોન્સના ઈન્જેક્શન્સ જેટલી જ અસરકારક છે અને લિવરને સીધો જ ઈન્સ્યુલિનનો ડોઝ પૂરો પાડશે. ઊંદરો પર કરાયેલી ટ્રાયલમાં ઈન્સ્યુલિનને લિવર સુધી પહોંચવામાં સંપૂર્ણ સફળતા સાંપડી છે.
યુએસમાં 10 ટકાથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને દર વર્ષે આશરે 100,000 લોકો ડાયાબિટીસના કારણે મોતનો શિકાર બને છે. યુકેમાં આશરે 4.9 મિલિયનથી વધુ લોકો ડાયબિટીસથી પીડાય છે અને આશરે એક મિલિયન લોકો ડાયાબિટીસ ટાઈપ-2ના નિદાનના અભાવે તેના વિશે બેખબર રહે છે. લગભગ 40,000 બાળકોને ડાયાબિટીસ છે અને દર વર્ષે 3000થી વધુ બાળકોને ડાયાબિટીસનું નિદાન થાય છે.
કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન પેન્ક્રિઆસમાં થાય છે અને લિવરમાં પહોંચી બ્લડ સુગર પર પ્રક્રિયામાં મદદરૂપ બને છે. ઈન્જેક્શનથી લેવાતું ઈન્સ્યુલિન ઝડપથી શરીરના અંગોને પહોંચે છે જેની સામે મોંઢેથી લેવાતી પિલ્સને ડોઝ પહોંચાડતા બેથી ચાર કલાક થતાં હોય છે. જોકે, UBC દ્વારા વિકસાવાયેલી ઈન્સ્યુલિન પિલને ડોઝના સંપૂર્ણ વપરાશમાં 30 મિનિટથી બે કલાક જેટલો સમય લાગે છે.
કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સંશોધકોએ ઓરલ ટેબ્લેટ વિકસાવી છે જે નીડલ્સના ઉપયોગ વિના જ શરીરને ઈન્સ્યુલિન પહોંચાડી શકશે. અગાઉ મુખ વાટે લેવાની ઈન્સ્યુલિનની દવાઓનો મોટો હિસ્સો જઠરમાં શોષાઈ નકામો બની જતો હતો પરંતુ, આ નવી પિલ ઈન્સ્યુલિનનો સંપૂર્ણ ડોઝ લિવરને પહોંચાડશે. ડાયાબિટીસના દર્દીઓએ ઈન્સ્યુલિનના અનેક ડોઝ લેવા પડે છે અને અત્યારે ઈન્જેક્શન મારફત તે ડોઝ લિવર સુધી પહોંચાડાય છે જે દર્દીઓ માટે ત્રાસદાયક બની રહે છે.
ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી અને તેમણે શરીરના ઈંધણરૂપ બ્લડ સુગર માટે ઈન્સ્યુલિનનો ડોઝ લેવો પડે છે. ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીના શરીરમાં પણ કુદરતી ઈન્સ્યુલિન ઓછું ઉત્પાદન થતું હોવાથી બ્લડ સુગરનું પ્રમાણ નીચે લાવવા ઉપરથી તેનો ડોઝ લેવો પડે છે.