અમદાવાદઃ ઉનાળામાં કેરીની આ મોસમમાં અબાલ-વૃદ્ધ સૌને કેરી પ્રિય હોય છે. જોકે કેરીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાથી ડાયાબિટીસ - મધુપ્રમેહના દર્દીઓ લોહીમાં શર્કરા વધી જવાના ભયે ‘ફળોના રાજા’નું સેવન ટાળે છે. જોકે હવે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. હવે જૂનાગઢમાં ‘ટોમી એટકિન્સ’ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે. આ કેરીની વિશેષતા એ છે કે તે ખાવાથી શુગર વધતી નથી, આથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેની ભરપેટ મજા માણી શકશે.
અમેરિકાના ફ્લોરિડામાં પાકતી અને વિશ્વના અન્ય દેશોમાં પ્રખ્યાત ‘ટોમી એટકિન્સ’ નામની નવી કેરીની વેરાઈટી લગભગ પાંચ વર્ષની જહેમત પછી વિકસાવવામાં સફ્ળતા મળી છે. સામાન્ય કેરીની તુલનાએ ‘ટોમી એટકિન્સ’ કેરીમાં ૭૫ ટકા ઓછી સુગર હોય છે. જૂનાગઢ તેમજ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ કેરીની આ નવી વેરાઈટી વિકસાવવા માટે છેક ૨૦૧૦થી પ્રયાસો હાથ ધરાયા હતા.
જૂનાગઢના માળિયા તાલુકાના એક ખેડૂતે જણાવ્યું કે, મારા મિત્રની સાથે ૨૦૧૫માં કેરીની નવી વેરાઈટી વિકસાવવાનો પ્રારંભ કર્યો હતો અને ‘ટોમી એટકિન્સ’ની કલમ ઊછેરી હતી અને હવે પાંચ વર્ષે નવા આંબા પર કેરી આવી છે. આ નવા આંબાનું વૃક્ષ સાત વર્ષનું થયા પછી દર વર્ષે આંબાદીઠ ૧૫ કિલો કેરીનો પાક ઊતરે છે. ગયા વર્ષથી આ કેરીનો પાક ઊતરવાનું શરૂ થયું છે અને તેમાં શુગરનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને લીધે ડાયાબિટીસના દર્દીઓમાં વધુ ડિમાન્ડ જોવા મળે છે. ચોક્કસ અને મર્યાદિત સંખ્યામાં જ ગ્રાહકોના ઓર્ડર લેવામાં આવે છે.
તેણે કહ્યું કે, અમેરિકાથી તેના મિત્ર પાસેથી કલમ મેળવવામાં આવી હતી અને તેનો ૧૦ વર્ષથી ઊછેર કરતો હતો. જૂનાગઢના વેપારીઓ-ખેડૂતો હવે ‘ટોમી એટકિન્સ’ કેરીનો પાક વધુ લઈ રહ્યા છે અને વિદેશોમાં નિકાસ પણ કરે છે. તાલાળાના એક ખેડૂતે કહ્યું કે, અમને પાંચ વર્ષના પ્રયાસો પછી ‘ટોમી એટકિન્સ’નો પાક લેવામાં સફ્ળતા મળી છે.
જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડી. કે. વરુએ કહ્યું કે, હાલ ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ૩૦ જેટલા આંબા પર નવી વેરાઇટીની કેરીનો પાક લેવાય છે. ભવિષ્યમાં વધુ પાક લેવાની અને નિકાસની ઊજળી શક્યતા છે.
આ કેરીની વિશેષતા
આ કેરીનો રંગ પર્પલ એટલે કે જાંબલી હોય છે અને તેનો પલ્પ આછા પીળા રંગનો હોય છે. જ્યારે સામાન્ય કેરીનો રંગ પીળો કે કેસરી હોય છે અને તેના રસનો રંગ કેસરી હોય છે. અલબત્ત, સામાન્ય કેરીની સરખામણીએ અનોખી કેરી ત્રણ ગણા ભાવે વેચાય છે, પરંતુ અન્ય કેરીની તુલનાએ તેમાં ૭૫ ટકા ઓછી શુગર હોય છે.