રોજિંદા મેનુમાંથી ગળપણવાળી આઇટમોની બાદબાકી થઈ જવાના કારણે ડાયાબિટીસના દરદીઓ ઘણી વાર પોતાના રુટિન ફૂડથી બોર થઈ જતા હોય છે. આ સાથે જ તેમને ગળ્યો સ્વાદ ધરાવતી કોઈ પણ વસ્તુ વધુ ભાવવા લાગે છે અને ચાન્સ મળે તો ચોરીછૂપીથી પણ તે મીઠાઈ કે ચોકલેટ ખાઈ લેતા હોય છે. જોકે સ્વીટનેસ મેળવવાનો શ્રેષ્ઠ ઓપ્શન છે ફ્રૂટ્સ, જેનાથી સ્વીટ ટેસ્ટ પણ મળે છે અને એમાં રહેલાં બીજાં કેટલાંક તત્વો શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ પૂરા પાડે છે.
જોકે આમાં પણ કેટલાંક ફળો એવાં છે જે દરદીની પરિસ્થિતિ બગાડી શકે છે. આથી એ જાણવું જરૂરી છે કે ડાયાબિટીસમાં કયા ફળો ખાવાં અને કયા નહીં? જે જાણીએ કેટલાંક એવાં ફળો વિશે જે ખાવાથી તમને સ્વાદ પણ મળશે અને એ તમારા બ્લડશુગરના લેવલને પણ કન્ટ્રોલમાં રાખશે.
• જામફળઃ આ એક જ એવું ફળ છે જેને મધુપ્રમેહના દરદીઓ નિયમિતપણે ખાઈ શકે છે. ડાયેટિશ્યન્સ જણાવે છે ડાયાબિટીસના દરદીઓ માટે શ્રેષ્ઠ ગણાતા આ ફળમાં સોલ્યુબલ ફાઇબર મબલખ પ્રમાણમાં હોવાના કારણે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય એટલે એ ધીમે - ધીમે પચે છે અને એટલે લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને બ્લડશુગરનું પ્રમાણ પણ જળવાઈ રહે. આ સિવાય એમાં વિટામિન-એ અને વિટામિન-સીનો પણ સારોએવો જથ્થો છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. એમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરનું નિયમન કરે છે. રોજ એક પેરુ ખાઓ તો ખૂબ સારું. જોકે ડાયાબિટીઝ હોય તેણે પેરુની છાલ કાઢીને એનું સેવન કરવું.
• મોસંબી - સંતરાંઃ સહેજ ખટમીઠું અને રસથી ભરપૂર આ ફળ વજન ઉતારવાની ઇચ્છા ધરાવનારા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે. એમાં રહેલું નેરિન્જેનિન નામનું એન્ટિઓક્સિડન્ટ્સ ટાઇપ-ટુ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. એ સાથે જ એ ઇન્સ્યુલિનનું નિયમન કરવાનું કામ પણ કરે છે. ઘણી ડાયાબિટીસની દવાઓમાં પણ આ તત્વ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત મોસંબીમાં ક્રોમિયમ નામનું ખનીજક્ષાર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું લેવલ સુધારવા માટે મદદરૂપ નીવડે છે. જોકે મોસંબી ક્યારે ખાવી એ જોવાનું જરૂરી છે, કારણ કે કેટલીક દવાઓ સાથે મોસંબીનો જૂસ પીવાથી દવાનું રીએક્શન થવાની શક્યતા રહે છે. એના કરતાં વિટામિન-સી અને પોટેશિયમથી ભરપૂર સંતરાં ખાવાં બહેતર વિકલ્પ છે. ડાયાબિટીસના દરદીઓએ આ ફળોના જૂસ નહીં, પણ આખાં ફળ ખાવા જોઈએ.
• કલિંગર - સક્કરટેટીઃ ખૂબ ઓછી કેલરી ધરાવતા કલિંગર અને સક્કરટેટીમાં વિટામિન-બી અને વિટામિન-સીનો ભરપૂર સ્રોત આવેલો છે. આ ઉપરાંત એમાં બિટા કેરોટિન અને લાઇકોપેન પણ છે. આ ફળ ખાવાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે.
• ચેરીઃ ચેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે તેમજ એમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. આથી જ એ ગ્લુકોઝનું નિયમન કરે છે, જે ડાયાબિટીસના દરદીઓ માટે લાભકારી છે.
• પીચઃ મખમલી છાલ ધરાવતા આ ફળમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન-એ અને વિટામિન-સીનો ભરપૂર પુરવઠો છે તેમ જ એમાં ઝડપથી પચી જાય એવા સિમ્પલ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું છે.
• સફરજનઃ સફરજનમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી અને ફાઇબર હોય છે. સફરજનની છાલને કાઢ્યા વિના ખાવું જોઈએ, કારણ કે સફરજનની છાલમાં પણ એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે.
• કિવી-પેરઃ આ બન્ને ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, ફાઇબર અને વિટામિન-સી હોય છે. લો-કાર્બ ફળ છે જે ડાયાબિટીસના દરદીઓ માટે ખાસ જરૂરી છે.
કયાં ફળો ન ખાવાં જોઇએ?
જે ફળોમાં વધુ માત્રામાં શુગર હોય એવાં ફળો ડાયાબિટીસના દરદીઓએ ન ખાવાં જોઈએ, કારણ કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે અને એ ઝડપથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે છે. આ વિશે આહાર નિષ્ણાતો કહે છે કે કેળાં, ચીકુ, સીતાફળ, દ્રાક્ષ અને ખજૂર જેવાં ફળો ડાયાબિટીસના પેશન્ટે ન ખાવાં જોઈએ. જોકે એમાં એક વાત એ પણ મહત્વની છે કે તમે કયા સમયે અને કેટલી માત્રામાં આ ફળો ખાઓ છો. જેમ કે, જમવાની સાથે એક કેળું પણ ખાઈ લો તો એ બ્લડશુગર વધારશે જ.