ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે. ડાયાબિટીસના મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસના કારણે બીજા રોગો જેમ કે બ્લડ પ્રેશર, ઓબેસિટી કે હાર્ટ -ડિસીઝ ન થાય, કિડનીમાં ડેમેજ ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. અમુક લોકો આજકાલ ડાયાબિટીસને લીધે થતા આંખના રોગો અને ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસને કારણે પગના તળિયે થતી સમસ્યાઓ વિશે જાણતા થયા છે. જોકે ડાયાબિટીસના દર્દીઓને થતી એક બીજી એક વ્યાપક સમસ્યા સ્કિન-પ્રોબ્લેમ્સ.
ડાયાબિટીસ જેને હોય તેના લોહીમાં લાંબો સમય સુધી સુગર રહે તો એ સ્કિનને પણ અસર કરે છે. ૩૩ ટકા ડાયાબિટીસના દર્દીઓને સ્કિન-પ્રોબ્લેમ થાય છે. સૌથી સારી વાત એ છે કે મોટા ભાગના સ્કિન-પ્રોબ્લેમ રોકી શકાય એમ હોય છે, પણ જો એનું નિદાન જલ્દી થઈ શકે તો. જો આ પ્રોબ્લેમ્સને અવગણવામાં આવે તો સામાન્ય સ્કિન-પ્રોબ્લેમ એક મોટી સમસ્યા બની શકે છે, જેના ઘણા ગંભીર પરિણામો પણ આવી શકે છે. ઘણા સ્કિન-ડિસીઝ ફક્ત ડાયાબિટીસના દર્દીઓને જ થાય છે તો ઘણા ડિસીઝ એવા હોય છે જે ડાયાબિટીસને કારણે વધુ ગંભીર બનતા હોય છે.
• ડાયાબિટીક ડર્મોપથીઃ આ રોગમાં મોટા ભાગે પગના ઘૂંટણથી નીચેનો પગ, જેમાં આગળના ભાગ પર જ્યાં હાડકું ઉપસેલું હોય એ જગ્યાએ આછા ભૂરા રંગના કે લાલાશ પડતા ગોળ કે લંબગોળ આકારના થોડા સંકોચાયેલા હોય એવા ખરબચડા પેચિસ દેખાવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓમાંથી લગભગ ૩૦ ટકા દર્દીઓને આ રોગ થાય છે. આ રોગ પાછળના કારણો લોકો ખાસ જાણતાં નથી. આ રોગ વિશે વિસ્તારમાં જણાવતાં નિષ્ણાતો કહે છે કે આ રોગ મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે એટલું જ નહીં, જે વ્યક્તિઓને ૧૦-૨૦ વર્ષથી ડાયાબિટીસ છે તેમને જ આ પ્રોબ્લેમ થાય છે. આ રોગ મોટા ભાગે શરીરના જે ભાગમાં હાડકાં દેખાતાં હોય એવા ભાગની સ્કિન પર દેખાય છે. વળી, એ બંને પગ પર એકસાથે જ ઉદભવે છે. મહત્ત્વની વાત એ છે કે ડાયાબિટીક ડર્મોપથી કે પગ પર આવેલા આ સ્પોટ્સ નુકસાનકારક હોતા નથી એટલે તેમને ખાસ ટ્રીટમેન્ટની જરૂર પણ પડતી નથી. બસ, એને દૂર કરવા માટે સુગર પર કંટ્રોલ જરૂરી છે. સુગર પર કંટ્રોલ જેટલો વધુ એટલું જલ્દી એ એની મેળે થોડાં વર્ષોમાં જતું રહે છે.
• એનએલડીઃ નેક્રોબાયોસિસ લિપોડિકા ડાયાબેટિકોરમ (NLD) પણ ડાયાબિટીક ડર્મોપથીનો જ એક ભાગ છે, જેમાં ઘૂંટણથી નીચેના પગના આગળના ભાગમાં રેશિસ થાય છે. આ રોગ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ રેશિસ આછા લાલ ભૂરા થોડા ઉપસેલા પેચ હોય છે. આ પેચના મધ્ય ભાગમાં પીળો રંગ હોય છે અને એ ખુલ્લો ભાગ હોય, જે રુઝાતાં વાર લાગે છે. આ રોગ વિશે સમજાવતાં નિષ્ણાત કહે છે કે મોટા ભાગે આ પ્રકારના રોગમાં બાયોપ્સી દ્વારા દર્દીનું નિદાન થાય છે અને બાયોપ્સીના રિપોર્ટથી ખબર પડે છે કે દર્દીને એનએલડી થયો છે. આ રોગ મોટા ભાગે ડાયાબિટીસના દર્દીઓને જ થાય છે અને એવા લોકો જેમના ઘરમાં પેઢી દર પેઢી વારસામાં લોકોને ડાયાબિટીસ મળતો હોય તેમને પણ થવાની પૂરી શક્યતા રહે છે.
• વિટિલિગોઃ વિટિલિગો એ શરીર પર આવતા સફેદ ડાઘ છે, જે જુદાં-જુદાં કારણોસર થાય છે. એવું જોવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓમાં પણ એ જોવા મળે છે. જોકે બીજા સ્કિન ડિસીઝની સરખામણીએ ડાયાબિટીસના દર્દીઓમાં આ રોગનું પ્રમાણ થોડું ઓછું છે. આપણા શરીરમાં પિગમેન્ટ્સ હોય છે જે સ્કિનનો કલર નક્કી કરે છે. આ પિગમેન્ટ્સમાં વધ-ઘટ થતી રહે છે, પરંતુ વધેલી સુગરને કારણે ખાસ કોષો, જે પિગમેન્ટ્સ બનાવે છે એ કોષો નાશ પામે છે. આથી પિગમેન્ટ્સ બનતા અટકી જાય છે. શરીરના જે ભાગમાં આ પિગમેન્ટ્સનું પ્રોડ્કશન બંધ થઈ જાય છે ત્યાં સફેદ ડાઘ આવી જાય છે. જે લોકોને વિટિલિગો હોય તેમના માટે ઘણી જુદી જુદી ટ્રીટમેન્ટ શક્ય છે. જેમ કે દવાઓ, લેઝર કે પછી સર્જરી. ડોક્ટર નક્કી કરે છે કે કયા પ્રકારની ટ્રીટમેન્ટ તમારા વિટિલિગો માટે અસરકારક રહેશે.
સ્કિન-પ્રોબ્લેમ્સ થવાનાં કારણો
ડાયાબિટીસના દર્દીઓને શા માટે સ્કિન-પ્રોબ્લેમ થાય છે? એનું મૂળ શું છે? ઘણા રિસર્ચ જણાવે છે કે આ રોગ પાછળનું કારણ ડાયાબિટીક ન્યુરોપથી એટલે કે ડાયાબિટીસની જે અસર લોહીની નળીઓ પર થઈ છે એ હોઈ શકે છે, કારણ કે ડાયાબિટીક ન્યુરોપથીને કારણે ડાયાબિટીસના જે દર્દીઓમાં ડાયાબિટીક રેટિનોપથી એટલે કે ડાયાબિટીસને કારણે થતો રેટિનાનો પ્રોબ્લેમ. ડાયાબિટીક ન્યુરોપથી એટલે કે નસોની સેન્સિટિવિટીને લાગતો પ્રોબ્લેમ કે ડાયાબિટીક નેફ્રોપથી એટલે કે ડાયાબિટીસને કારણે થતા કિડનીના પ્રોબ્લેમ વગેરે હોય એવી વ્યક્તિઓને ડાયાબિટીક ડર્મોપથી થાય છે.
આ અસર શું છે એ ત્વચા-રોગ નિષ્ણાતો સમજાવે છે કે ડાયાબિટીસના દરદીઓને નસોની સંવેદના જ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કંઈક ખૂંચે, વાગે કે ગરમ વસ્તુથી તે દાઝી જાય તો નસોની સંવેદનાને લીધે તેને એ વાત મહેસૂસ થાય છે કે મારી સ્કિનને તકલીફ થઈ રહી છે. ડાયાબિટીસના દરદીઓમાં આ સંવેદના સાવ ઓછી થઈ જવાને કારણે ઘણી બધી વાર તેમને ખબર જ નથી પડતી કે તેમને કોઈ પ્રોબ્લેમ થયો છે. આથી ગરમ વસ્તુ હાથમાં પકડેલી જ રહી જાય છે. શૂઝ ડંખતાં હોય તો એ ડંખ ઇન્ફેક્શનમાં ન પરિણમે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે કોઈ પ્રોબ્લેમ છે. આમ તેમની સ્કિન-કન્ડિશન ખરાબ થતી જાય છે, જે ઠીક કરવી પણ સહેલી હોતી નથી.
ડાયાબિટીસને કારણે સ્કિન-પ્રોબ્લેમ શા માટે આવે છે? ડાયાબિટીસના દરદીઓમાં બ્લડ-સર્ક્યુલેશન યોગ્ય હોતું નથી. સ્કિનના જે કોષોને લોહી બરાબર મળતું નથી ત્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ થવાની પૂરી શક્યતા રહે છે. આ સિવાય મોટા ભાગના સ્કિન-પ્રોબ્લેમ્સ પાછળ જવાબદાર એક કારણ છે અને એ છે ઓબેસિટી. જેમને ડાયાબિટીસ છે એમાંથી ઘણા લોકો નિયત કરતાં વધુ વજન ધરાવતા હોય છે. આ સિવાય જેમને ડાયાબિટીસ છે તેમને ઇન્ફેક્શન પણ ખૂબ જલદી થાય છે. સ્કિન પ્રોબ્લેમમાં મોટા ભાગના પ્રોબ્લેમ્સ ઇન્ફેક્શનને કારણે પણ હોય છે.