ડાયાબિટીસને ફેલાતો અટકાવવા પગલાં લેવા સરકાર સમક્ષ માગ

Wednesday 26th September 2018 06:45 EDT
 
 

તા.૨૭ સપ્ટેમ્બરે મળનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા બિન ચેપી રોગો (NCD) વિશે ચર્ચા થશે ત્યારે તેમાં ડાયાબિટીસનું વધતું પ્રમાણ મહત્ત્વનો મુદ્દો રહેશે. આ બેઠક અગાઉ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) દ્વારા નવા સંશોધનમાં જણાયું હતું કે માત્ર ૧૭ ટકા લોકો જ તેમની સરકાર ડાયાબિટીસનો સામનો કરવા માટે પૂરતા પ્રયાસ કરી રહી હોવાનું માને છે.

ગયા વર્ષે ડાયાબિટીસને લીધે ૪ મિલિયન કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું હતું. હૃદય રોગ, અંધત્વ, કિડની ફેલ્યોર અને અંગ કાપવાની બાબતમાં ડાયાબિટીસને વૈશ્વિક સ્તરે મુખ્ય કારણ મનાય છે. હાલની જીવનશૈલી યથાવત રહેશે તો એક દાયકાની અંદર ડાયાબિટીસ સાથે જીવતા લોકોની સંખ્યા ઝડપથી વધીને ૫૦૦ મિલિયનથી વધુ અથવા દુનિયાની કુલ વસતિના દર દસમાંથી એક વ્યક્તિ તેનાથી પીડિત હશે. ડાયાબિટીસના દર્દીઓમાં મોટાભાગના લોકોને ટાઈપ ૨ ડાયાબિટીસ હોય છે. કેટલાંક અભ્યાસ મુજબ ૮૦ ટકા સુધી કિસ્સામાં ટાઈપ ૨ ડાયાબિટીસને અટકાવી શકાય છે.

આ સમસ્યા ગંભીર હોવા છતાં તેને ઘટાડવામાં પ્રાથમિકતાનો અભાવ જણાય છે. ૨૦૧૪માં બધી સરકારો ૨૦૨૫ સુધીમાં ડાયાબિટીસ અને સ્થુળતામાં ૦ ટકાની વૃદ્ધિનું લક્ષ્ય હાંસલ કરવા સંકલ્પબદ્ધ થઈ હતી. તે પછી કેટલાંક વર્ષ બાદ માત્ર પાંચ દેશોએ જણાવ્યું હતું કે તેઓ આ લક્ષ્ય હાંસલ કરવાના માર્ગ પર છે. સરકારો આ રોગને નિયંત્રણમાં લેવા માટે હજુ વધુ પગલાં લે તેવું પરિવારો ઈચ્છે છે. સૌથી વધુ માગ વિકસતા દેશોમાં છે. બ્રાઝિલ, ભારત અને સાઉથ આફ્રિકામાં અડધાથી વધુ વસતિ (અનુક્રમે ૫૮, ૫૬ અને ૫૧ ટકા) લોકો તેમની સરકાર પૂરતાં પગલાં લેતી હોવાનું માનતી નથી. આ લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં થઈ રહેલી વૈશ્વિક અને રાષ્ટ્રીય પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે આ બેઠક આખરી તક સમાન છે.

૨૦૩૦ સુધીમાં NCD દ્વારા થતાં મૃત્યુમાં ૩૦ ટકા ઘટાડો કરવાનું સરકાર દ્વારા અપાયેલું વચન મહત્ત્વનું છે. NCDને લીધે દર વર્ષે ૪૦ મિલિયન અથવા કુલ મૃત્યુના ૭૦ ટકા મૃત્યુ થાય છે. એચઆઈવી/એઈડ્સ, મેલેરિયા અને ટીબીથી મરતા કુલ લોકો કરતાં આ સંખ્યા દસ ગણી છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter