ડાયાબિટીસમાં પાલકનો અર્ક ઘા રુઝાવે
પાલકની ભાજીનો અર્ક ડાયાબિટીસમાં વારંવાર થતા ઘા કે ઈજાને રુઝાવામાં મદદરૂપ બની શકે તેમ પ્રાણી-ઉંદરો પરના સંશોધનોમાં બહાર આવ્યું છે. રૂઝ આવવા ઉપરાંત, તેનાથી વજન ઘટે છે અને સ્થૂળતા દૂર કરવામાં પણ તે ઉપયોગી બની શકે છે. પાલકની ભાજી એવા રાસાયણિક સંયોજનોથી ભરપૂરના છે જેના કારણે આવી અસર સર્જાતી હોવાનું વિજ્ઞાનીઓ માની રહ્યા છે. પાલકમાં વિટામીન્સ ઉપરાંત, એન્ટિઓક્સિડન્ટ્સ, ગ્લુટામાઈન અને ઝિન્ક વધુ પ્રમાણમાં હોય છે. પાલક અથવા સ્પિનાસિઆ ઓલેરેશિઆ ડાયાબિટીક અલ્સરમાં રૂઝ લાવી શકે તે જોવા ઉંદરોને ચાંદા ઉપજાવાય તે પહેલા તેમને પાલકનો અર્ક અપાયો હતો અને નોંધપાત્ર પરિણામો મળ્યાં હતાં. ડાયાબિટીસમાં લાંબા ગાળાના ઘા, ચાંદા-અલ્સર ગંભીર સમસ્યા હોય છે જે મહિનાઓ અને ઘણી વખત વર્ષો સુધી ચાલતી રહે છે. વિશ્વની સમગ્ર વસ્તીના 6.3 ટકા લોકો ડાયાબિટીક અલ્સરની લાંબા ગાળાની સમસ્યાથી પીડાય છે. શરીરના નીચલા હિસ્સાના અવયવોમાં પડતા ચાંદા રુઝ ન આવવાથી ઘણી વખત વાઢકાપ કે અવયવ દૂર કરવાની પરિસ્થિતિ પણ સર્જાય છે.
•••
દિવસમાં એક ડ્રિન્ક પણ બ્લડ પ્રેશર વધારી શકે
સ્ત્રી અને પુરુષ દિવસમાં કેટલા પેગ શરાબ પી શકે તે દર્શાવતા ઘણા કોષ્ટકો અવારનવાર જાહેર કરાતા રહે છે પરંતુ, હકીકત એ છે કે તંદુરસ્ત વયસ્કોમાં દિવસમાં માત્ર એક આલ્કોહોલિક પીણું બ્લડ પ્રેશરને ઊંચે લઈ જવા માટે પૂરતું છે. શરાબપાનની બાબતે તો એવું છે કે ‘ઓછું લેવાય તો સારું અને જરા પણ ન લેવાય તો વધુ સારું’, કારણકે ઓછાં પ્રમાણમાં પણ શરાબપાનથી માનવ તંદુરસ્તીને લાભ મળતો હોય તેવા કોઈ પૂરાવા નથી. કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ (CVD) માટે સૌથી મહત્ત્વપૂર્ણ જોખમ નિર્દેશક પરિબળ સિસ્ટોલિક બ્લડ પ્રેશર (SBP) છે. હાઈપરટેન્શન જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં યુએસ, જાપાન, કોરિયામાં 65 ટકા પુરુષો સાથે 19,548 વયસ્કોના સાત મોટા અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ હાઈપરટેન્શન, કે અન્ય CVD, લિવરના રોગ કે આડેધડ શરાબપાનથી પીડાતી ન હતી.
•••