ડાયેટ કે કસરત વગર જ 10 ટકા વજન ઘટે તો કેન્સરનો ખતરો

Sunday 03rd March 2024 06:26 EST
 
 

વોશિંગ્ટનઃ કેન્સર જેવી બીમારીઓને લઈને આજે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે યોગ્ય સમય પર બીમારી અંગે માહિતી મળી શકતી નથી. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં એવો ઘટસ્ફોટ કરાયો કે એકાએક વજન ઘટવાની બાબત ખતરનાક બની શકે છે. તે કેન્સરના સંકેત હોઇ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ડાયટ, કસરત અથવા તો જીવનશૈલીમાં ફેરફાર વગર જો એકાએક 10 ટકા વજન ઘટી જાય તો કેન્સરનો ખતરો હોઇ શકે છે. એકાએક વજન ઘટી ગયું હોય તેવા એક લાખ લોકોને આ અભ્યાસમાં આવરી લેવાયા હતા, જેમાંથી 1362 લોકોમાં કેન્સરનાં લક્ષણ દેખાયાં છે જ્યારે સામાન્ય લોકોમાં આવા લક્ષણ જોવા મળ્યાં નથી. મતલબ કે જે લોકોનું વજન એકાએક ઘટી ગયું છે તેમનામાં કેન્સર થવાનો ખતરો 3.2 ટકા હતો જ્યારે જે લોકોના વજનમાં કોઈ ફેરફાર થયો નથી તે લોકોમાં ખતરો 1.3 ટકા હતો. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે. નિષ્ણાત તબીબ અને ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત બ્રાયન કહે છે કે એકાએક વજન ઘટે છે તો ચોક્કસપણે તબીબની મુલાકાત લો. તપાસ કરાવો. આવા લોકોને ગળા, પેટ અને અન્ય અંગોમાં કેન્સરનો ખતરો હોય છે.
કેન્સરથી થતાં મોતની સંખ્યામાં ઘટાડો
દુનિયાભરમાં કેન્સરથી થતા મોતની સંખ્યામાં 30 વર્ષથી સતત ઘટાડો થઇ રહ્યો છે. લોકો જાગરુક થઇ રહ્યા છે. ધુમ્રપાન પણ છોડી રહ્યા છે. બીજું કારણ એ છે કે કેન્સરની સારવાર સતત વધુ સારી બની રહી છે. નવી નવી ટેકનોલોજી આવી રહી છે. આ ઉપરાંત જે લોકોમાં ફેમિલી હિસ્ટ્રી છે અથવા તો તબીબોને જે લોકોમાં કેન્સરની શંકા લાગે છે તે લોકોના વહેલી તકે ટેસ્ટ કરવામાં આવે છે. તેમના નિયમિત સ્ક્રિનિંગ કરાય છે. જેથી યોગ્ય સમયે કેન્સરની તકલીફ અંગે માહિતી મળી જાય છે. અન્ય કારણમાં યોગ્ય સારવાર છે.
હવે કેન્સરની ઓળખ પણ વહેલી તકે થઇ રહી છે.
80 ટકા કેન્સરના દર્દી
50 વર્ષથી નાની વયના
છેલ્લા 30 વર્ષમાં કેન્સરના 80 ટકા દર્દી 50 વર્ષથી ઓછી વયના છે. આ લોકોને સૌથી વધારે પેટને લગતા કેન્સરની તકલીફ છે. આનુ કારણ ડાયટમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાનું વધુ પ્રમાણ છે. સાથે સાથે કસરતનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. લાંબા સમય સુધી નિષ્ક્રિય લાઇફસ્ટાઇલના કારણે પણ કેન્સરની બીમારીઓ થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter