ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવાં નવ વર્ષ સુધી 103,000 વયસ્કો પર નજર રાખી હતી. તેમને જણાયું હતું કે જે લોકો દરરોજ કેલરીમુક્ત સ્વીટનર્સ સાથેનો ખોરાક અથવા પીણાં લેતા હોય તેમને હાર્ટ ડિસીઝનું જોખમ 9 ટકા વધે છે. જે લોકો લો-સુગર ફીણવાળા પીણામાં વપરાતા સ્વીટનર એસ્પાર્ટેમનો ખોરાક કે પીણામાં ઉપયોગ કરતા હોય તેમને સ્ટ્રોક આવવાનું જોખમ 23 ટકા વધી જાય છે. અભ્યાસમાં ભાગ લેનારાઓ દરરોજ સરેરાશ 43 મિલિગ્રામ સ્વીટનર્સ લેતા હતા જે ટેબલટોપ સ્વીટનરના એક પેકેટ અથવા 100 એમએલ ડાયેટ સોડાની બરાબર છે. ખોરાક અને પીણાંને ગળ્યાં બનાવવા ખાંડના બદલે ઉપયોગમાં લેવાતાં કૃત્રિમ સ્વીટનર્સ કેલરીમુક્ત રાસાયણિક પદાર્થો છે. તેમાં સુક્રાલોઝ અને ખાંડ કરતા 200 ગણો ગળ્યો સફેદ ગંધરહિત પાવડર એસ્પાર્ટેમ હોય છે. અત્યાર સુધી કૃત્રિમ સ્વીટનર્સ હાનિરહિત હોવાની માન્યતા હતી પરંતુ, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત નવા સંશોધનના પુરાવાઓ અનુસાર તેનાથી આરોગ્યને ચોક્કસ નુકસાન થાય છે.