કેટલાક લોકો માટે પાતળા થવું એ માથાના દુખાવારૂપ સમસ્યા બની રહે છે તો કેટલાક લોકો માટે જાડા થવું એ. ઘણી વાર તો ગણી-ગણીને કેલરી ખાનારાઓ મહિના પછી વજન માપે તો માંડ પાંચસો ગ્રામનો ઘટાડો થયો હોય છે. જ્યારે કેટલાક લોકો ઈશ્વર પાસેથી વરદાન લઈને આવ્યા હોય એમ દિવસમાં પાંચ વાર ખાય તો પણ તેમના શરીર પર ચરબીના થપેડા જોવા મળતા નથી. આપણે કહીએ છીએ કે આનો તો બાંધો જ એકવડિયો છે એટલે ગમેએટલું ખાય, શરીર પર દેખાશે નહીં.
‘કુદરતનો આવો પક્ષપાત’ જોઇને વજન ઉતારવા માટે જબરદસ્ત પસીનો પાડનારાઓને લોકોને થાય છે કે આવો સરાસર અન્યાય અમારી સાથે જ કેમ? શા માટે કેટલાક લોકો આસાનીથી પાતળા રહી શકે છે ને કેટલાક લોકોને વજન ઉતારવા માટે ખૂબ મહેનત કરવી પડે છે?
આ બધા માટે શરીરનું મૂળભૂત બંધારણ જવાબદાર છે. ફિટનેસ નિષ્ણાતોએ શરીરના બંધારણના ત્રણ પ્રકાર પાડ્યા છે. આવો જોઈએ આ પ્રકારો શું છે, તમે એમાંથી કયા પ્રકારમાં આવો છો ને હવે એ બંધારણને ધ્યાનમાં રાખીને ફિટનેસ માટે તમારે શું કરવું જોઈએ.
એક્ટોમોર્ફ : એકવડિયો બાંધો
આ પ્રકારના લોકો એકદમ સ્કિની હોય છે. હાડકાં અને ત્વચા વચ્ચે જાણે ચરબીનું લેયર જ નથી હોતું. સાંધાઓ નાનાં, મસલ્સ પાતળા અને લાંબા, ખભા સાંકડા અને પાતળા હોય છે. ઓવરઓલ તેમની બોડી-ફ્રેમ જ નાની હોય. છાતી સપાટ, પાતળા સ્નાયુઓ અને ખાય એ બધું જ ઝટપટ હજમ થઈ જાય એવી મેટાબોલિઝમ (ચયાપચય)ની શક્તિ આ લોકોની ખાસિયત હોય છે. આ બધાને કારણે વજન વધારવું અઘરું થઈ જાય છે. મેટાબોલિઝમની ગતિ ઝડપી હોવાને કારણે તેમના શરીરમાં કેલરી બર્ન થવાની સ્પીડ પણ સારીએવી હોય. આ જ કારણોસર એક્ટોમોર્ફ ટાઇપ ધરાવતા લોકોએ જો જાડા થવું હોય તો વધુ માત્રામાં ખાવું પડે.
તમને થશે કે આ તો કેવી મજા જ મજા? પણ આવા લોકો માટે સ્નાયુઓને કેળવવાનું અને બોડીના કર્વ બનાવવાનું ખૂબ જ અઘરું હોય છે. આ લોકોએ રાતનું ભોજન કદી ગુપચાવવું નહીં, નહીંતર રાતના સમયે એનર્જી માટે સ્નાયુનો વપરાશ થવા લાગે એવું બની શકે.
મેસોમોર્ફ : ગિફ્ટેડ પર્સનાલિટી
આ પ્રકારના લોકોનું બોડી-સ્ટ્રક્ચર પહોળું હોય. મસલ્સ લાંબા અને સુદૃઢ હોય, કુદરતી રીતે જ છાતી વિકસેલી અને એક રમતવીર જેવું બોડી હોય. આવા લોકો બોડીબિલ્ડિંગ ખૂબ સરળતાથી કરી શકે. આ લોકો ચાહે ત્યારે વજન ઉતારી શકે અને ચાહે ત્યારે વજન વધારી શકે છે. વજન ઘટાડવા-વધારવા ઉપરાંત મસલ્સ બનાવવાનું કે બોડી-શેપ મેઇન્ટેઇન કરવાનું પણ આ લોકો માટે ખૂબ જ સરળ હોય. જોકે એક્ટોમોર્ફ લોકો કરતાં ચરબી બનવાનું પ્રમાણ આમાં વધારે રહે. જો તમે મસલબિલ્ડિંગ કરીને બોડીને હૃષ્ટપુષ્ટ કરવા માગતા હો અને આવી બોડી-ટાઇપ હોય તો તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થશે.
એન્ડોમોર્ફ : મેદસ્વીપણું
આ પ્રકારના લોકોનાં હાથ-પગ, કમર, છાતી, ખભા બધું જ ભરાવદાર અને ગોળાકાર હોય. ટૂંકો બાંધો હોય અને મસલ્સ પણ સ્ટ્રોન્ગ હોય. મેટાબોલિઝમની ગતિ ઘણી જ સ્લો હોવાથી ચરબીનું પ્રોડક્શન અને જમાવટ બન્ને સરળતાથી થયા કરે. મતલબ કે આ લોકોને પોતાનું વજન મેઇન્ટેન રાખવું હોય તો પણ સારીએવી મહેનત કરવી પડે. વજન ઘટાડવા માટે નવ-નેજાં પાણી ઊતરે એ અલગ. આ લોકો પાતળા થવાનો અભરખો રાખે એના કરતાં મસલ-સ્ટ્રેંગ્થ વધારીને બોડી-શેપ બનાવવાની કોશિશ કરે એ વધુ સરળ અને સ્વસ્થ વિકલ્પ કહેવાય.
કોમ્બિનેશન ટાઇપ્સ
આપણી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હવે શરીરના મૂળભૂત બંધારણમાં પણ ભેળસેળ થવા લાગી છે ને એટલે હવે કોઈ પણ એક ટાઇપને બદલે બે ટાઇપનું મિશ્રણ જોવા મળે છે. એક્ટોમોર્ફ-મેસોમોર્ફ કે મેસોમોર્ફ-એન્ડોમોર્ફ જેવાં મિશ્રણો થાય છે. જો તમારી બોડી-ટાઇપને સમજશો તો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે કેટલી કસરતની જરૂર છે અને કેવા પ્રકારના ડાયેટિંગની એ બન્ને બાબતે સાચી સમજણ મળી રહેશે.