વોશિંગ્ટનઃ અમેરિકાના નાગરિકોમાં ડિપ્રેશન ઝડપી ગતિએ વધી રહ્યું હોવાથી ત્યાંની એક હેલ્થ પેનલે પહેલી વાર અહીં 65 વર્ષથી ઓછી ઉંમરના દરેક વયસ્કોના એંગ્ઝાઇટી અને માનસિક સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવવાની ભલામણ કરી છે. આ ભલામણ એવા સમયે કરાઇ છે જ્યારે દેશમાં લોકો તણાવ વધારતી બીમારીઓ, કોવિડ, મોંઘવારીને કારણે આર્થિક તંગી તેમજ અનિશ્વિતતાઓને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
યુએસ પ્રિવેન્ટિવ સર્વિસીઝ ટાસ્ક ફોર્સ એડવાઇઝરી ગ્રૂપે કહ્યું કે આ તપાસથી લોકોનો માનસિક તણાવ ઘટાડી શકાશે. આ સમસ્યાને અનેકવાર નજરઅંદાજ કરાઇ છે. પેનલે બાળકો તેમજ કિશોરો માટે પણ આ વર્ષની શરૂઆતમાં આવી ભલામણ કરી હતી. હ્યુમન હેલ્થ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ તરફથી રચાયેલી આ પેનલ કોવિડ પૂર્વેના સમયથી રિપોર્ટ તૈયાર કરે છે. મેસેચ્યુસેટ્સની ચાન મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને આ ટાસ્ક ફોર્સનો ભાગ રહેલી લોરી પબર્ટે કહ્યું કે એંગ્ઝાઇટીના મુખ્ય કારણમાં ગુનાખોરી વધવી, લોકડાઉનનો તણાવ, કોવિડમાં પરિવારજનોનું નિધન વગેરેનો સમાવેશ થાય છે.
ટાસ્ક ફોર્સને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓગસ્ટ 2020 થી ફેબ્રુઆરી 2021 વચ્ચે વયસ્કોમાં એંગ્ઝાઇટી અથવા ડિપ્રેશનનાં લક્ષણોના મામલા 36.4 ટકાથી વધીને 41.5 ટકા થયા છે. અનેક મનોવિજ્ઞાનીઓના મતે લોકોનું એંગ્ઝાઇટી સ્ક્રીનિંગ ત્યારે જ કારગર નિવડશે જ્યારે તેઓને આ અવસ્થામાંતી બહાર આવવાનો ઉપાય પણ બતાવવામાં આવશે. બીજી મોટી સમસ્યા સ્વાસ્થ્ય સંસાધન અને મોટા પાયે સ્ટાફને લગતી હશે.
પેનલની ભલામણના આધારે અમેરિકી નાગરિકો પાસેથી જાણકારી મેળવવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્યને લઇને આવો બદલાવ જોનાર અમેરિકા એકલું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અનુસાર કોરોનાની પહેલી લહેર દરમિયાન લોકોમાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટીમાં 25 ટકાનો વધારો થયો છે. ટાસ્ક ફોર્સ અનુસાર, અમેરિકામાં લગભગ 25 ટકા પુરુષ અને લગભગ 40 ટકા મહિલાઓ એંગ્ઝાઇટીનો શિકાર જોવા મળે છે.