ડિમેન્શિયાઃ વૃદ્ધાવસ્થામાં સતાવતી સમસ્યા

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 16th September 2015 08:10 EDT
 
 

આપણે સામાન્ય શબ્દોમાં જેને સ્મૃતિભંશ તરીકે ઓળખીએ છીએ તેને મતિભ્રંશ પણ કહેવામાં આવે છે. મતિભ્રંશમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ, ભાષા તથા વર્તનમાં ઊણપ આવે છે. દર્દીનાં વાણી, વર્તન, વ્યક્તિત્વ અને વ્યવહારમાં આવતા નોંધપાત્ર ફેરફાર સાથે તેની ચેતના પણ ઓછી થયેલી જણાય છે. આમ બુદ્ધિમત્તાની ઊણપના કારણે વ્યવહારિક જીવનમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે.

ડિમેન્શિયા થવાનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં એ થવા પાછળનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ કે વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. આ ઉપરાંત નોર્મલ પ્રેશર હાઇડ્રોસિફેસલ, જેકબ ફ્રુટઝફેલ્ડટ ડિસીઝ, કોર્ટિકો બેઝલ ડિસીઝ વગેરે રોગોમાં પણ ડિમેન્શિયા જોવા મળે છે. વિટામિન બી૧૨ની ઊણપ, થાઇરોડ, પેરાથાઇરોડ અને ડાયાબિટીસ જેવા રોગો તથા કેટલાંક ઝેરી દૃવ્યોની અસર... આમ અનેક કારણોસર ડિમેન્શિયા થઈ શકે છે.

ન્યૂરોફિઝિશિયન્સ કહે છે કે અલ્ઝાઇમર્સ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આ રોગમાં દર્દીનાં વિચાર, યાદશક્તિ અને ભાષા પર નિયંત્રણ રાખતા મગજના કોષો નાશ પામે છે. આમ થવાના કારણમાં લોહીનું ઘટેલું પરિભ્રમણ, કોઈ ઇન્ફેકશન કે વધતી ઉંમર જવાબદાર હોતા નથી.

આમ જોવા જઈએ તો આ રોગની કોઈ ચોક્કસ દવા હજી સુધી શોધાઈ નથી. રોગનાં લક્ષણોની તીવ્રતા ઘટાડવાની નવતર દવાઓની શોધખોળ ચાલી રહી છે. આમ થશે ત્યારે દવાઓ દ્વારા દર્દીઓને મદદ મળી શકશે. રોજબરોજની જિંદગીમાં આવતી અડચણો નિવારવા દર્દી તથા તેનાં સગાંઓ પાસે પદ્ધતિસરની માહિતી અને તાલીમ હોવાં જરૂરી છે.

યાદશક્તિ, ગ્રહણશક્તિ અને ભાષાકીય સમતુલાને ચકાસતાં વિવિધ પરીક્ષણોથી દર્દીને ડિમેન્શિયા હોવાની વાતનું સમર્થન થઈ શકે છે. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, વર્ડ લિસ્ટ મેમરી ટેસ્ટ, વર્ક રિકોલ ટેસ્ટ, કોગ ટેસ્ટ, એડનબ્રુક્સ ટેસ્ટ જેવા વિવિધ ન્યૂરો-સાયકોલોજિકલ માપદંડ દ્વારા રોગ અને તેની તીવ્રતાનું માપ નીકળી શકે છે. આ ઉપરાંત લોહીના ટેસ્ટ, બ્લડસુગરનું પ્રમાણ, લીવર તથા કિડનીના ટેસ્ટ, વિટામિન બી૧૨ તથા ફોલિક એસિડનું પ્રમાણ વગેરે પણ નિદાનમાં ઉપયોગી બને છે. ઘણા કેસમાં સી.ટી. સ્કેન, એમ.આર.આઇ. ઉપરાંત એમ.આર. એન્જિયો સ્પેક્ટ જેવી ન્યૂરો-ઈમેજિંગ પદ્ધતિઓની પણ નિદામાં ક્યારેક જરૂર પડે છે.

અલ્ઝાઇમર્સના દર્દીઓમાં વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. જેનાથી દર્દીઓને પહેલાં જે સાઇડ ઇફેક્ટ થતી હતી તે હવે થતી નથી. બીજી નવી પદ્ધતિ કે જેમાં જિનેટિક એન્જિનિયરિંગ તથા ક્લોનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે હજુ પ્રાયોગિક કક્ષામાં છે. અલ્ઝાઇમર્સ રોગ માટે રસી પણ તૈયાર કરાઇ રહી છે.

વારસાગત રીતે આવતાં અલ્ઝાઇમર કે ડિમેન્શિયામાં તેમનાં નજીકનાં સગાઓ એટલે કે સ્વસ્થ વંશજોની આગોતરી તપાસ કરવી કેટલા અંશે વાજબી કે વ્યવહારુ છે તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. એમાં આનુવંશિક લક્ષણોના આધારે આ રોગ જે તે વ્યક્તિને ભવિષ્યમાં વારસાગત રીતે થશે કે નહિ તે સચોટ રીતે જાણી શકાય.

અમુક વખત ડિમેન્શિયા જેવાં લક્ષણો માનસિક તનાવની સ્થિતિમાં થાય છે જેમાં ખરેખર તો ડિપ્રેશન કે સ્ટ્રેસ જ કારણભૂત હોય છે. તેને ન્યૂરોલોજિકલ તપાસથી જાણી શકાય છે. જો ડિમેન્શિયા ડિપ્રેશન કે સ્ટ્રેસને લીધે હોય તો તેની અસર લાંબો સમય સુધી રહેતી નથી અને વધતી પણ નથી. કેટલાક અન્ય રોગોમાં પણ વત્તેઓછે અંશે યાદશક્તિ, વ્યવહાર, વ્યક્તિત્વ વગેરેમાં અસર આવી શકે છે. આવા સમયે કેટલીક વખત ભૂલથી અલ્ઝાઇમરનું નિદાન થતું જોવા મળે છે. જેમ કે, થાઇરોઇડની ક્ષમતા ઘટવી, વિટામીન બી૧૨ની ઉણપ વગેરે. આ ઊણપને જો દૂર કરવામાં આવે તો અલ્ઝાઇમરમાં આપોઆપ ફાયદો થતો જોવા મળે છે.

ડિમેન્શિયાનાં લક્ષણો

• ભાષા સમજવાની અને બોલવામાં તકલીફ • યાદશક્તિમાં ઘટાડો • સ્થળકાળનું ભાન ઓછું થવું • નિર્ણયશક્તિ ઘટવી • નીરસતા વધવી • ડિપ્રેશન આવવું • અતિશય ગુસ્સો આવવો • દર્દી રોજબરોજની ઘટના ભૂલવા લાગે • પરિચિત વ્યક્તિઓનાં નામ ભૂલી જવાં • માર્ગ ન મળવો • વાતચીત કરવામાં તકલીફ પડવી • હરવાફરવામાં મુશ્કેલી થવી • ઝાડા-પેશાબનું ભાન ન રહેવું • દર્દીને ખાવાપીવામાં તકલીફ થવી • જાત-જાતના ભ્રમ થવા

મગજની કાર્યશક્તિ વધારવા આટલું કરો

• બપોરના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર લો.

• ચરબી અને પ્રોટીનવાળો આહાર પ્રમાણસર લો.

• કેલ્શિયમથી ભરપૂર આહાર લો. સ્વાસ્થ્યને અનુકૂળ હોય તો દૂધ, કેળાં અને ડ્રાયફ્રૂટને પ્રાધાન્ય આપો.

• વિટામિન અને ખનીજતત્ત્વોથી સમૃદ્ધ, પણ સમતોલ આહાર લો.

• ધ્યાન અને યોગ કરો, તે મગજની કાર્યક્ષમતા વધારે છે.

• પૂરતી ઊંઘ લેવી જોઈએ.

• તમાકુ, દારૂ વગેરેનું સેવન ટાળો.

• સ્મોકિંગની કુટેવ હોય તો છોડો.

• સામાજિક સંબંધો કેળવો, વધુ મિત્રો બનાવો.

• નિયમિત હળવી કસરત કરો.

• મેમરી ગેઇમ રમવી જોઈએ.

• મિત્રો અને સંબંધીઓની જન્મતારીખ યાદ રાખવાની ટેવ પાડો.

• સર્જનાત્મક અભિગમ અપનાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter