ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી વખત વયોવૃદ્વ દર્દીઓની હાલત ગંભીર થઇ જતી હોય છે. આ સ્થિતિ નિવારવા માટે લંડનની ઇમ્પિરિયલ કોલેજના ઇન્વેટર લુઇ હોન્બીએ દર્દીઓને હાઇડ્રેટ કરતી ગોળીઓ વિકસાવી છે. રંગબેરંગી અને જોવામાં આકર્ષક લાગતી આ ગોળીઓ વારંવાર પાણી પીવાનું કે લિક્વિડ ફૂડ લેવાનું ભૂલી જતાં દર્દીઓના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં ઉપયોગી બનશે. જેલી ડ્રોપ નામની આ ગોળીઓ શુગર ફ્રી છે અને ૯૫ ટકા પાણી તથા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.