લંડનઃ ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું અને હાડકા તૂટવાનું જોખમ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. નિષ્ણાતોએ ડિમેન્શિયાના લક્ષણો દૂર થાય તે માટે ગોળીઓને બદલે અન્ય પ્રકારે સારવારના પ્રયાસ માટે અનુરોધ કર્યો હતો.
ડિમેન્શિયાના દર્દીઓ પૈકી અડધા જેટલા અનિંદ્રાથી પીડાય છે જ્યારે તેટલી જ સંખ્યાના દર્દીઓને લાંબાગાળાનો દુઃખાવો થઈ જાય છે. અંદાજ મુજબ અનિંદ્રાથી પીડાતા ૮૦,૦૦૦ જેટલા દર્દીઓ Z ડ્રગ્સ લેતા હોય છે જે બેન્ઝોડાયાઝેપાઈન ટ્રાન્ક્વિલાઈઝર કરતાં વધુ સલામત મનાય છે. તે જ રીતે કેર હોમમાં રહેતા ડિમેન્શિયાના દર્દીઓના ૪૦ ટકા જેટલા એટલે કે ૧૨૦,૦૦૦ લોકોને લાંબા ગાળાના દુઃખાવા માટે ઓપીઓઈડ પેઈનકિલર અપાય છે.
શિકાગોમાં અલ્ઝાઈમર્સ એસોસિએશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા બે અભ્યાસમાં બન્ને દવાઓની ગંભીર આડઅસર હોવાનું જણાયું હતું. બન્ને અભ્યાસમાં સંકળાયેલ યુનિવર્સિટી ઓફ એક્સેટરના ક્લાઈવ બેલાર્ડે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાના નિરાકરણ માટે દવા દ્વારા ઉપચારને સરળ મનાય છે. પરંતુ, વૃદ્ધોને બીમારી ઘટાડે તેવી દવા અપાય તો તે તેમના માટે સારું નથી.
પ્રથમ અભ્યાસમાં Z ડ્રગ્સ લેતા ૨,૯૫૨ બ્રિટિશ દર્દીઓની વિગતોની આ દવા ન લેતા ૧,૬૫૧ લોકો સાથે સરખાવવામાં આવી હતી. જે દર્દીઓ દવા લેતા હતા તેમને બે વર્ષમાં ફ્રેક્ચર થવાનું જોખમ ૪૦ ટકા વધુ હતું, થાપો તૂટવાનું ૫૯ ટકા અને મૃત્યુ થવાનું જોખમ ૩૪ ટકા વધુ હતુ.
બીજા ટ્રાયલમાં નોર્વેના ૧૬૨ દર્દીઓને ઓપીઓઈડ્સ અપાયું હતું તેમાં અડધાથી વધુને સૂગ, ઉદ્વેગ અને મૂંઝવણ થવા જેવી આડઅસર જોવા મળી હતી.