ડિમેન્શીઆ થવામાં ઊંચું કોલેસ્ટરોલ અને નબળી દૃષ્ટિની ભૂમિકા
ડિમેન્શીઆ અથવા સ્મૃતિભ્રંશ થવામાં કોલેસ્ટરોલનું ઊંચું પ્રમાણ અને દૃષ્ટિની નબળાઈની પણ ભૂમિકા હોવાનું સંશોધકો માની રહ્યા છે. ડિમેન્શીઆના અટકાવ, દખલ અને સંભાળ વિશેના ધ લાન્સેટ કમિશન અનુસાર વિશ્વભરમાં 40થી વધુ વયના લોકોમાં ડિમેન્શીઆ થવા માટે સામાન્યપણે ઊંચા કોલેસ્ટરોલ અને સાંભળવામાં ખામી સંકળાયેલાં હોય છે. પ્રારંભિક વર્ષોમાં ઓછું શિક્ષણ અને પાછલા જીવનમાં સામાજિક એકલતા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો જોખમના પરિબળો દૂર કરાય તો ડિમેન્શીઆનો ભોગ બનવાનું જોખમ 45 ટકા સુધી ઘટી જાય છે. ધૂમ્રપાન છોડી દેવું, નબળી દૃષ્ટિની સારવાર કરાવવાથી પણ આ જોખમ ઘટે છે.
•••
હૃદયની સમસ્યા વિના લો-ડોઝ એસ્પિરીન લેવી નહિ
નવા સંશોધન અનુસાર મોટા ભાગના અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો હૃદયની સમસ્યા ન હોય છતાં, લાખો લોકો કાર્ડિયોવાસ્કુલર રોગનું જોખમ ઘટાડવા ઓછાં ડોઝની એસ્પિરીન ગોળીઓ ગળતા રહે છે. આરોગ્ય સંગઠનોએ પણ કાર્ડિયોવાસ્કુલર રોગ ના હોય તો એસ્પિરીનનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપતા કહ્યું છે કે આ ગોળીઓ લેવાના લાભ આંતરિક રક્તસ્રાવના જોખમની સામે ઘણા ઓછાં છે. નિષ્ણાતો માને છે કે હાર્ટ એટેક્સ અને બ્રેઈન સ્ટ્રોક્સ અટકાવવા લાંબા સમયથી રોજ એસ્પિરીનની ગોળીઓ લેતા હોય તેઓ આદતનો ભોગ બની ગોળીઓ લીધે રાખે છે. વર્ષોથી હૃદયરોગ અટકાવવા પુખ્ત લોકોને અસરકારક સાધનરૂપે લો - ડોઝ એસ્પિરીન ગોળીઓ અપાતી રહી છે. આ દવા લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે અને બ્લડ ક્લોટ્સ થતાં અટકાવે છે. જોકે, સંશોધનો જણાવે છે કે હાર્ટની સમસ્યાના ઈતિહાસ વિના આ દવા લેવાતી રહે તો વધુપડતા બ્લીડિંગ અને એનીમીઆનું જોખમ વધી જાય છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિયેશને પણ કહ્યું છે કે આવશ્યક ના હોય તો વયોવૃદ્ધ કે પુખ્ત લોકોએ આ ગોળીઓ નિયમિત લેવી ન જોઈએ.
•••
સામાન્ય બેક્ટેરિયા કેન્સરના કોષોને ઓગાળી શકે
સામાન્યપણે આપણા મોંમાં મળી આવતા ફુસોબેક્ટેરિયમ (Fusobacterium) પ્રકારના બેક્ટેરિયા ચોક્કસ પ્રકારના કેન્સરના કોષોને ઓગાળી નાખવાની શક્તિ ધરાવતા હોવાનું વિજ્ઞાનીઓએ જાણ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેન્સ કોમ્યુનિકેશન્સમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર જે લોકોને જ્યાં આ બેક્ટેરિયાની હાજરી હોય છે તે માથા અને ગરદનના કેન્સર હતા તેમને ઘણા સારા પરિણામો મળ્યાં હતા. સંશોધકોએ લેબોરેટરીમાં કેન્સરના કોષો પર ફુસોબેક્ટેરિયમની અસરનો અભ્યાસ કર્યો હતો. અગાઉના પ્રયોગોમાં આંતરડાના કેન્સરને વધુ ખરાબ કરવામાં આ બેક્ટેરિયા કારણભૂત હોવાનું જણાયું હતું પરંતુ, આ નવા અભ્યાસમાં ફુસોબેક્ટેરિયમની અસરથી માથા અને ગરદનના કેન્સરના કોષો 70થી 99 ટકા જેટલા અદૃશ્ય થઈ ગયાનું જણાયું હતું. ગાયઝ એન્ડ સેન્ટ થોમસ અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધકો હવે આની પાછળનું બાયોલોજિકલ મિકેનિઝમ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
•••
લો કેલરી સ્વીટનર અને બ્લડ ક્લોટિંગ્સનું જોખમ
ડાયાબિટીસનો રોગ વધવા સાથે ખાણીપીણીમાં કૃત્રિમ ગળપણ કે સ્વીટનર્સનો ઉપયોગ પણ વધી રહ્યો છે. સ્વીટનર્સ આશરે 1879થી ઉપયોગમાં લેવાય છે. ખાંડના વિકલ્પે ઉપયોગમાં લેવાતા નવા પ્રકારના એરિથ્રીટોલ (erythritol) જેવા સ્વીટનર્સ આલ્કોહોલ બેઝ્ડ હોય છે જે કુદરતી ખાંડ કરતા ઓછી અથવા તેના જેટલી જ મીઠાશ ધરાવે છે. અગાઉના સંશોધનોમાં જણાયું હતું કે સુગર આલ્કોહોલ્સ હાર્ટ એટેક અને સ્ટ્રોક્સ જેવી કાર્ડિયોવાસ્કુલર સમસ્યાઓ ઉભી કરે છે. આર્ટરીઓસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ એન્ડ વાસ્કુલર બાયોલોજી જર્નલમાં પ્રસિદ્ધ નવું સંશોધન જણાવે છે કે લો કેલરી એરિથ્રીટોલના ઉપયોગથી લોહી ગંઠાવાનું જોખમ પણ વધારી શકે છે. લોહીમાં એરિથ્રીટોલનું પ્રમાણ વધવાથી માયોકાર્ડીઅલ ઈન્ફાર્ક્શન, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ વધે છે. એરિથ્રીટોલનો ઉપયોગ બ્લડમાં તેનું પ્રમાણ 1000 ગણું વધારી દે છે, બ્લડ પ્લેટલેટ્સની કામગીરી પણ અનેકગણી વધારે છે. સુગર આલ્કોહોલ કુદરતી રીતે ચોક્કસ ફળ અને શાકભાજીમાં મળી આવે છે. મકાઈમાં મળી આવતી ડેક્ટ્રોઝ નામની સાદી ખાંડને આથો લાવી એરિથ્રીટોલનું વેપારી ઉત્પાદન કરવામાં આવે છે.
•••
અતિશય વિચારથી વધે માનસિક તણાવ અને પીડા
લિયોનાર્દો દ વિન્ચી ભલે કહી ગયા કે ‘ઓછું વિચારે તે ઘણી ભૂલો કરે’ પરંતુ, વર્તમાનમાં આ વાક્ય ખોટું ઠરે છે. યુરોપ અને નોર્થ અમેરિકા સહિત પશ્ચિમી વિશ્વમાં પુખ્ત લોકોએ માનસિક તણાવ અને પીડા ઉભા કરે તેવા કાર્યો કરવા પડે છે જેમની સરખામણીએ એશિયન પુખ્તોને આવી મુશ્કેલી ઓછી નડે છે. સખત વિચારવાનું હોય અને ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય તેવી પરિસ્થિતિમાં સરેરાશ પાશ્ચાત્ય વયસ્કો વધુ તણાવપૂર્ણ, વધુ હતાશ અને વધુ ચીડીયા બની જાય છે. અભ્યાસ કરનારા સાઈકોલોજિસ્ટ્સ માને છે કે આનું મૂળ એજ્યુકેશન સિસ્ટમમાં મોટા તફાવતનું છે. બ્રિટન અથવા યુએસએના બાળકોની સરખામણીએ જાપાન, તાઈવાન અને ચીન જેવાં દેશોના બાળકોએ શરૂઆતથી જ ભારે મહેનત કરવી પડે છે. માનસિક પ્રયાસો અણગમતી લાગણીઓ ઉભી કરે છે કે કેમ તે તપાસવા 29 દેશના 4,670 વોલન્ટીઅર્સને અજાણ્યા વાતાવરણમાંથી પસાર થવાથી માંડી કોમ્પ્યુટર ગેમ્સ રમવા સુધીની પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા જણાવાયું હતું. નાસા દ્વારા અવકાશયાત્રીઓનું પરીક્ષણ કરાય છે તેના ઉપયોગથી તેમની હતાશા, ચીડીયાપણું, તણાવ સહિત નકારાત્મક રીએક્શન્સ પર દેખરેખ રખાઈ હતી.