લંડનઃ અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના વિદ્વાનો દ્વારા 21 વર્ષથી વધુ સમયગાળાના યુકે મેડિકલ રેકોર્ડ્સના અભ્યાસ પછી જણાવાયું છે કે શ્વેત લોકોની સરખામણીએ આ બંને જૂથો ડિમેન્શીઆના નિદાન પછી ઓછો સમય જીવે છે. અભ્યાસ મુજબ યુકેમાં 65થી વધુ વયના 11.8 ટકા લોકોને ડિમેન્શીઆ છે.
UCLના સાઈકીઆટ્રી ડિવિઝનના ડો. નાહીદ મુકાદમના વડપણ હેઠળની સંશોધન ટીમે 1997થી 2018ના સમયગાળામાં સમગ્ર યુકેના 65 વર્ષથી વધુ વયના 662,882 લોકોના હેલ્થ રેકોર્ડ્સ તપાસ્યા હતા. આ પછી જાહેર કરેલા તારણો અનુસાર શ્વેત સમકક્ષોની સરખામણીએ સાઉથ એશિયન મૂળના અને અશ્વેત લોકો અનુક્રમે 2.97 વર્ષ અને 2.66 વર્ષ વહેલા મોતને ભેટે છે. શ્વેત, અશ્વેત અને સાઉથ એશિયન વંશીય જૂથોમાં ડિમેન્શીઆના પ્રમાણ, વ્યાપ તેમજ નિદાનના ગાળા, અસ્તિત્વ અને મોતની વયને તપાસતો આ પ્રકારનો પ્રથમ અભ્યાસ છે.
અભ્યાસમાં જણાયું છે કે તમામ વંશીય જૂથોમાં ડિમેન્શીઆનો દર વધ્યો છે. વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત લોકોમાં ડિમેન્શીઆ થવાનું પ્રમાણ 22 ટકા વધારે છે. સાઉથ એશિયન મૂળના લોકોમાં ડિમેન્શીઆનું પ્રમાણ 17 ટકા ઓછું છે. જોકે, વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત અને સાઉથ એશિયન વંશીય જૂથોમાં નાની વયે ડિમેન્શીઆનું નિદાન થાય છે, તેઓ ઓછા સમય સુધી જીવે છે અને વહેલા-યુવા વયે મોતને ભેટે છે. મેડિકલ જર્નલ અલ્ઝાઈર્સ એન્ડ ડિમેન્શીઆમાં પ્રકાશિત અભ્યાસમાં અશ્વેત અને સાઉથ એશિયન જૂથોને ડિમેન્શીઆના વહેલા નિદાન માટે ઓછાં વર્ષોનું શિક્ષણ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્થૂળતા સહિતના જોખમી પરિબળોનો સમાવેશ થાય છે.