વોશિંગ્ટનઃ શું તમે જાણો છે કે લગ્નજીવનને બહેતર સ્મરણશક્તિ સાથે પણ સંબંધ છે? અમેરિકી સંશોધકોએ જણાવ્યા મુજબ લગ્નજીવન જીવી રહેલાં લોકોને મુકાબલે છૂટાછેડા લઈ ચૂકેલા લોકો સ્મરણશક્તિની સમસ્યાનો વધુ સામનો કરતા હોય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકો ૧૫ હજારથી વધુ લોકો પર સંશોધન કરીને આ તારણ સુધી પહોંચ્યા છે. તેમના ધ્યાન આવ્યું છે કે છૂટાછેડા લઈ ચૂકેલા પુરુષના કિસ્સામાં ડિમેન્શિયાના જોખમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
સંશોધકોએ કુલ ૧૫,૩૭૯ લોકોને અભ્યાસમાં સામેલ કર્યા હતા, જેમની ઉમર બાવન વર્ષ કે તેથી વધુ હતી. તેમાં સામાન્ય દામ્પત્યજીવન જીવી રહેલાં લોકો, વિધુર, છૂટાછેડા લઈ ચૂકેલા લોકો, કુંવારા એમ વિવિધ સમૂહોના લોકોને સામેલ કરાયા હતા. અભ્યાસ વખતે પ્રત્યેક બે વર્ષે વ્યક્તિના મસ્તિષ્કની તપાસ કરવામાં આવતી હતી. સંશોધકોનું કહેવું છે કે દામ્પત્યજીવનમાં રહેતો સામાજિક સહવાસ આરોગ્ય પર હકારાત્મક પ્રભાવ સર્જે છે. પરંતુ છૂટાછેડા લઈ ચૂકેલા લોકો ભાવનાત્મક તંગદિલી અને આર્થિક તંગીનો સામનો કરતા હોય છે.
અમેરિકામાં મોટી ઉંમરે અપરિણીત હોય તેવા લોકોની સંખ્યા ખૂબ વધુ હોવાથી આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકોનું કહેવું છે કે ડિમેન્શિયાને ઓછી ઉંમરે એકલવાયુ જીવન જીવવા સાથે વધુ સંબંધ છે. છૂટાછેડા લીધાના ૧૪ વર્ષમાં જ પુરુષ મેમરી રોબિંગ ડિસઓર્ડરનો સામનો કરવા લાગે છે. સામાન્ય દામ્પત્યજીવન જીવી રહેલા પુરુષોમાં તેનું જોખમ નથી જોવા મળ્યું નહોતું. જીવનસાથીથી વિખૂટા પડવાથી મસ્તિષ્ક પ્રભાવિત થાય છે.