લંડનઃ દરરોજ ડુંગળી અને લસણ ખાવાથી આંતરડાના કેન્સરથી બચી શકાતું હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. દર વર્ષે યુકેના ૪૧,૦૦૦થી વધુ લોકોને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે. આ રોગને લીધે દરરોજ ૪૪ લોકોનું મૃત્યુ થાય છે. કેન્સરથી થતાં તમામ મૃત્યુમાં આંતરડાના કેન્સરનો બીજો ક્રમ છે.
હવે વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે દર વર્ષે ૧૬ કિલોગ્રામ જેટલું અથવા દરરોજ ૪૪ ગ્રામ જેટલું ડુંગળી, લસણ કે લીક્સ ખાવાથી આ રોગનું જોખમ ઘટે છે. તેનાથી કેન્સર સામે રક્ષણ મળે છે. સમારેલું કે પીસેલું લસણ વધુ ગુણકારી રહે છે. પરંતુ, ડુંગળી બાફવામાં આવે તો તેનો ફાયદો ઓછો થાય છે. દરરોજ મધ્યમ કદની ડુંગળીથી અડધી એટલે કે ૭૪ ગ્રામ જેટલી ડુંગળી ખાતાં ૧,૬૬૬ પુરુષ અને મહિલાઓના અભ્યાસમાં ઓછી ડુંગળી ખાતાં લોકોની તુલનામાં તેમને આંતરડાનું કેન્સર થવાની શક્યતા ૭૯ ટકા ઓછી હોવાનું જણાયું હતું. ડુંગળી, લસણ, લીક્સ, ગાર્લિક સ્ટોક્સ અને સ્પ્રિંગ ઓનિયન્સ વગેરે ખાવાથી રોગનું જોખમ ઘટતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું.