એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે કાચી ડુંગળી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. સંશોધકોએ ૫,૦૦૦ હજાર લોકો પર સ્ટડી કર્યો હતો તેના આધારે આવું તારણ આપ્યું છે. સંશોધકોનું કહેવું છે કે કાચી ડુંગળી માથાનો દુખાવો, હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે. ડુંગળીમાં રહેલા ફ્લેવેનોઇડ્સ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે, જેથી કોઈ પણ ભોજનમાં ડુંગળીને સ્થાન આપવું જ જોઇએ. ખાસ તો, કચૂંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ.
ડુંગળીમાં રહેલ વિટામિન-સી, વિટામીન બી-૬ પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. કાચી ડુંગળી ચામડી અને વાળને પણ સ્વસ્થ રાખે અને બ્લડશુગરને કંટ્રોલ રાખવામાં પણ મદદરૂપ છે. ડુંગળીમાં ફાઇબર અને પ્રિબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે, જે આંતરડાંને સ્વસ્થ રાખે છે. ડુંગળી એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જેમાં ૨૫ વિવિધ પ્રકારના ફ્લેવેનોઇડ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જે કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે. એટલું જ નહીં, કાચી ડુંગળીમાં વિટામિન્સ, મિનરલ્સ જેવાં રોગપ્રતિકારકશક્તિવર્ધક પોષકતત્ત્વો રહેલાં હોય છે. ડુંગળીમાં રહેલ ઔષધીય તત્ત્વોને લીધે પ્રાચીનકાળથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.