વોશિંગ્ટન: જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ મનાતી આ સર્જરી કરનાર હોસ્પિટલે આ માહિતી આપી છે. આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયા પછી એવી આશા વ્યક્ત કરાઇ હતી કે ક્રોસ-પ્રજાતિનું અંગદાન ઉપલબ્ધ બનતાં માનવ અવયવોના અભાવની સમસ્યા હલ થઈ શકે છે. જોકે, ઓપરેશન ટીમનું કહેવું છે કે તેઓ હજુ પણ ભવિષ્યમાં સફળતા મેળવવા માટે આશાવાદી છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિસીનના તબીબોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષના પ્રારંભે સાતમી જાન્યુઆરીએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર 57 વર્ષીય ડેવિડ બેનેટનું આઠમી માર્ચે નિધન થયું છે. બેનેટના શરીરમાં ડુક્કરના જિનેટકલી મોડિફાઇડ હૃદયનું પ્રત્યારોપણ કર્યું હતું. હૃદય પ્રત્યારોપણ થયા પછીના કેટલાક સપ્તાહ સુધી બેનેટની તબિયત સારી રહી હતી. આ પૂર્વેના પ્રત્યારોપણમાં આવા પ્રયોગો સફળ નહોતા થયા, કારણ કે તે કિસ્સામાં પ્રત્યારોપણ થયા પછી શરીર નવા અંગનો સ્વીકાર કરતું નહોતું.
તબીબોએ બેનેટના મૃત્યુ માટે કોઈ ચોક્કસ કારણ નહોતું આપ્યું પણ જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી બેનેટની તબિયત લથડી રહી હતી. બેનેટના પુત્રે ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ કરવાના પ્રયોગ કરવા બદલ હોસ્પિટલનો આભાર માન્યો હતો. તેના કારણે અન્ય દર્દીઓમાં પણ આશાનો સંચાર થયો હતો. આ કિસ્સામાં ડુક્કરના હૃદયમાં જિનેટિકલ સુધારા કરીને તેને માનવશરીરમાં મૂકાયું હતું.
વિશ્વમાં પહેલી જ વાર કોઈક વ્યક્તિના શરીરમાં ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ થયું હતું. જોકે આ પહેલાં ડુક્કરના હાર્ટ વાલ્વનો ઉપયોગ કરીને માનવીના હાર્ટ વાલ્વ બદલાતા હતા. આ કિસ્સામાં પહેલી જ વાર ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ થયું હતું.