કોપનહેગન: દુનિયાભરમાં લાખો લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જીવલેણ મહામારી સામે લડવા માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ વિકસાવ્યો છે, જે જાતે જ ટેસ્ટ માટે સ્વેબ લઇને તેને સુરક્ષિત રાખવાનું કામ કરી લે છે. આ રોબોટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સેમ્પલ લેનારા સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણથી બચાવી શકાશે. યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કે આ રોબોટ વિકસાવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે વિકસાવાયેલો આ વિશ્વનો પ્રથમ ઓટોમેટિક રોબોટ છે.
રોબોટ બનાવનારા પ્રો. થિયુસિયુસ રજીત સવારીમુથુ જણાવે છે કે રોબોટે સૌપ્રથમ મારો ટેસ્ટ કર્યો હતો. રોબોટે ગળામાં સ્વેબ જ્યાં પહોંચાડવાનો હતો તે જગ્યાએ સહેલાઇથી પહોંચાડ્યો તે જોઇને હું દંગ રહી ગયો. આ એક મોટી સફળતા છે. સવારીમુથુ કહે છે કે તેઓ એક મહિનાથી ૧૦ લોકોની ટીમ સાથે રોબોટ ડેવલપ કરવામાં વ્યસ્ત હતા. હાલ સેમ્પલ લેતી વખતે સ્વાસ્થ્યકર્મીઓએ પીપીઇ કિટ પહેરવી પડે છે, અને તે ફરી ઉપયોગમાં પણ નથી લઇ શકાતી. આથી સ્વાસ્થ્યકર્મીઓ પાસેથી આશા રખાય છે કે તેઓ ઓછામાં ઓછા ૮-૯ કલાક સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરતા રહે. આ સંજોગોમાં રોબોટ ઘણા ઉપયોગી બનશે.
દર્દી આ રોબોટની સામે બેસીને મોઢું ખોલે છે અને રોબોટ તેના મોઢામાં સ્વેબ નાખે છે. પછી સેમ્પલ લઇને રોબોટ તે સ્વેબને ટેસ્ટ ટ્યૂબમાં મૂકીને પેક કરી દે છે. સ્વેબ ટેસ્ટ સૌથી સચોટ હોય છે, પણ તેમાં સેમ્પલ લેનારને પણ સંક્રમિત થવાનું જોખમ રહે છે. આ સમગ્ર કામગીરીમાં રોબોટના ઉપયોગથી તે જોખમ દૂર થઇ જશે. થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનેલા આ રોબોટનો ઉપયોગ ટૂંક સમયમાં જ શરૂ થઇ શકે છે.