નવી દિલ્હીઃ કેટલીક બીમારીઓ સામાન્ય હોવા છતાં સાજા થવામાં વિલંબ થાય છે, કેમ કે ડોક્ટરો જે રીતે દવા લેવાનું સૂચન કરે છે તેના કરતાં ઉલ્ટું ક્યારેક લોકો દવા લેતાં જ નથી. ડોક્ટરો ક્યારેક ભૂખ્યા પેટે તો ક્યારેક જમ્યા બાદ અને કલાક કે અડધો કલાક બાદ અથવા પહેલાં કેટલીક દવા લેવા સૂચન કરે છે. ક્યારેક લોકોને એવા સવાલો થાય કે, ડોક્ટરો આવી સલાહ કેમ આપે છે. વાસ્તવમાં નિષ્ણાતો દર્દીની સ્થિતિ, શારીરિક બંધારણ, રોગનો પ્રકાર અથવા દવાનાં નિર્માણમાં વપરાયેલાં સોલ્ટને આધારે દવા લેવાનું સૂચન કરે છે. આ સૂચનો ઘણાં મહત્ત્વનાં હોય છે. જેને પાળીને આપણે વહેલાં સ્વસ્થ થઈ શકીએ છીએ.
• જમ્યા બાદઃ રોગની સારવારમાં કેટલીક એવી દવા હોય છે જે પેટની અંદર જઈને એસિડિટી, પેટમાં ચાંદાં પડવાં જેવી સમસ્યાનું કારણ બને છે. તેથી આ દવાઓને જમ્યાના થોડી વાર બાદ લેવા કહેવામાં આવે છે.
• ભૂખ્યા પેટેઃ કેટલીક દવાઓ એવી હોય છે જે પાણીમાં વહેલી ઘોળાઈ જાય છે તેથી તેને ભૂખ્યા પેટે લેવા સૂચન કરવામાં આવે છે. જો આ દવાઓને જમ્યા બાદ લેવામાં આવે તો ભોજન સાથે ભળવામાં વધારે સમય લાગે છે, તેથી તેની અસર ઓછી થઈ જાય છે.
• જમ્યાના અડધા કલાકેઃ કેટલીક દવાઓની અસર અડધાથી એક કલાક બાદ જોવા મળે છે તેથી ભોજન કર્યા બાદ તેને લેતાં આંતરિક અંગો સક્રિય થઈ જતાં હોય છે. આથી તેની અસર ભોજન બાદ યોગ્ય રીતે થતી નથી.
• કોર્સ પૂરો કરવો જરૂરીઃ ઘણી ખરી બીમારીઓમાં દર્દીને દવાનો કોર્સ પૂરો કરવા તાકીદ કરાય છે. જોકે આરામ થઈ જતાં દર્દી દવા લેવાનું ટાળે છે, જે જોખમી છે. તેને કારણે ઇન્ફેક્શન ઓછું તો થઈ જાય છે, પણ સંપૂર્ણ રીતે દૂર થયું ન હોવાથી રોગ ઉથલો મારવાનો સંભવ રહે છે. આથી દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે.