વોશિંગ્ટનઃ હાર્ટ ફેઇલ્યોરનો સામનો કરી રહેલા દર્દી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે જ્યારે કિડની ફેઇલ્યોરના દર્દી માટે - જો નસીબ હોય તો - કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે, પરંતુ જે દર્દીના હાર્ટ અને કિડની બંને ફેઇલ હોય તેના માટે ટ્રાન્સપ્લાન્ટની આશા બહુ જ ધૂંધળી હોય છે કારણ કે, આ બંને અંગો યોગ્ય સમયે મળી રહેવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અસંભવ હોય છે. જોકે આવા દર્દીઓ માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. હાર્ટ અને કિડની એમ બન્ને મોરચે ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલામાં ડુક્કરની કિડની અને હાર્ટ ડિવાઈઝ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને તબીબોએ જાણે ચમત્કાર સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તબીબોએ અમેરિકાના એક પુરુષ દર્દીના શરીરમાં સફળતાપૂર્વક ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.
એક રિપોર્ટ મુજબ, ન્યૂ જર્સીની રહેવાસી 54 વર્ષીય લિઝા પિસાનોનું હાર્ટ અને કિડની લગભગ ફેઇલ થઇ ગયા હતા. એનવાયયુ લેન્ગોન હેલ્થના ડોક્ટર્સે તેની સમસ્યાનું સમાધાન બે સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લિઝાના હાર્ટમાં પમ્પિંગ ડિવાઈઝ લગાવાયું હતું. આ પ્રક્રિયામાં સફળતા મળતાં જ તેને જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. એનવાયયુની ટીમની જાહેરાત મુજબ, હાલ લિઝા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ સાથે જ ડુક્કરની કિડની મેળવનાર લિઝા પ્રથમ મહિલા અને બીજી દર્દી બની ગઈ છે.
એનવાયયુ લેન્ગોનના ડોક્ટર રોબર્ટ મોન્ટગોમરીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં આઠ લાખથી વધુ કિડનીના દર્દીઓ લાસ્ટ સ્ટેજ પર છે. પરંતુ, ગત વર્ષે માત્ર 27,000 લોકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ શકય બન્યું હતું. લિઝાને ડુક્કરની કિડનીથી મળેલા નવજીવન સાથે નવી વૈજ્ઞાાનિક પદ્ધતિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, લિઝાનું સ્વાસ્થ્ય એટલી હદે ખરાબ હતું કે, તેણે તો જીવવાની આશા છોડી દીધી હતી. અલબત્ત, આ સર્જરીમાં હાલ લાંબા ગાળાની સફળતાની આગાહી શક્ય નથી પરંતુ, લીઝાના શરીરે અત્યાર સુધી તો નવા અંગનો અસ્વીકાર કર્યો નથી. અને આ બાબત જ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં અનેક દર્દીઓ માટે આ કિસ્સો આશાનાં કિરણ સમાન છે.