• ડ્રાયફ્રૂટ્સ ખાઓ અને હતાશાને દૂર ભગાડો
દરરોજ થોડા નટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હતાશાના જોખમમાં 17 ટકા જેટલો ઘટાડો થતો હોવાનું વિજ્ઞાનીઓ કહે છે. આશરે 500,000 બ્રિટિશરોના મેડિકલ અને લાઈફસ્ટાઈલ રેકોર્ડ્સના ઓનલાઈન ડેટાબેઝ યુકે બાયોબેન્ક પાસેથી 2007થી 2020ના ગાળામાં મેળવેલા 13,000થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ જણાવે છે કે દરરોજ 30 ગ્રામ જેટલાં કાજુ, અખરોટ, બદામ, પિસ્તા, બ્રાઝિલ નટ્સ અને હેઝલનટ્સ સહિત વિવિધ નટ્સ લેનારા મધ્યમ અને વૃદ્ધ વયના (37થી 73વયજૂથના) લોકો એન્ટિડિપ્રેસન્ટ્સ લેવા પડતા હોવાની કે ડિપ્રેશનનું નિદાન થવાની ઘણી ઓછી ફરિયાદ કરે છે. આ લોકોએ અભ્યાસના આરંભે ડિપ્રેશન નહિ હોવાનું જણાવ્યું હતું. પાંચ વર્ષ કરતાં વધુ સમયગાળા પછી ફોલોઅપમાં 1,100થી વધુ (8.3 ટકા) લોકોમાં હતાશાના કેસીસ જોવા મળ્યા હતા. ‘ક્લિનિકલ ન્યૂટ્રિશન’ જર્નલમાં પ્રકાશિત તારણો અનુસાર નટ્સના સોજા-દાહવિરોધી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો માનસિક આરોગ્ય માટે રક્ષણાત્મક અસર ઉભી કરે છે.
•••
• કોઈના ચાવવા કે ખાવાના અવાજથી ચીડ ચડે છે?
ઘણા લોકોને જમતી વખતે કે પાણી-ચા જેવાં પ્રવાહી પીતી વખતે અવાજ કરવાની આદત હોય છે. તેઓ ઈરાદાપૂર્વક કરતા નથી પરંતુ, આ અવાજ સાંભળીને ચીડ કે ગુસ્સો પણ આવી જતો હોય છે. તમને પણ જો આવો ગુસ્સો આવતો હોય તો તમે એકલા નથી. પાંચમાંથી એક બ્રિટિશર મિસોફોનીઆ (Misophonia) અથવા લોકોના ખાતા-પીવાથી થતા અવાજથી ચીડાય છે. ઓક્સફર્ડ અને કિંગ્સ કોલેજ લંડનના બ્રિટિશ વિજ્ઞાનીઓ ‘પ્લોસ વન’ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં કહે છે કે મિસોફોનીઆ આરોગ્યલક્ષી સમસ્યા છે જે યુકેના 18 ટકા એથવા તો 10 મિલિયન વયસ્કોને સતાવે છે. કોઈ વ્યક્તિના પાર્ટનર કે મિત્ર હળવા અવાજ સાથે વેફર ખાતા હોય તો પણ આ સમસ્યાના લીધે તેને ચીડ ચડે છે કારણકે તે વ્યક્તિ આવો અવાજ સહન કરી શકતી નથી. તેમને ફસાઈ ગયાની કે અસહાયતાની લાગણી થતી રહે છે. મિસોફોનીઆ ઘણી વખત તો સંબંધો અને મિત્રતામાં તિરાડ પાડે છે. માત્ર ચાવવા કે ખાવાથી નહિ પરંતુ, સબડકાથી પીવાતી ચાહ કે કોફી, નસકોરાં બોલવા અને ભારે શ્વાસ પણ લોકોને ગુસ્સો લાવી શકે છે. આ કંડિશન જિનેટિક છે કે શ્રવણેન્દ્રિય અથવા મગજની ન્યુરોલોજિકલ સમસ્યાના કારણે છે તેના વિશે સંશોધનો ચાલી રહ્યા છે. ઘણા લોકો આ સમસ્યાથી બેખબર હોય છે અને આ સમસ્યાને મિસોફોનિયા નામ પણ છેક 2001માં આપવામાં આવ્યું છે.