સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો છો. જેમ કે, એલાર્મને પથારીથી થોડે દૂર રાખો, જેથી બંધ કરવા માટે પથારીમાંથી ઊભા થવું પડે. તેનાથી ઊંઘની આળસ દૂર થશે. આવી જ બીજી કેટલીક ટિપ્સ જોઇએ, જે તમારી લાઇફસ્ટાઇલને વધુ તંદુરસ્ત બનાવશે...
સવારનો સમય સૂર્યપ્રકાશમાં વીતાવો
સવારનો તાજો - કુમળો પ્રકાશ આપણા શરીરના ઊંઘવા-જાગવાના ચક્રને સંતુલિત કરે છે. ઊંઘના હોર્મોન મેલાટોનિનનો સ્રાવ અટકાવે છે. એલર્ટનેસ વધારે છે. સવારે જાગતાં જ બારી-દરવાજાના પડદા ખોલીને પ્રકાશને અંદર આવવા દો. બની શકે તો સૂર્યપ્રકાશમાં થોડી વાર ઊભા રહો, અને પછી જૂઓ... કેવી તાજગી વર્તાય છે.
ઉઠતાંવેંત પાણી પીઓ
કલાકોની ઊંઘ પછી શરીર સ્વાભાવિક રીતે જ ડિહાઈડ્રેટ થઈ ગયું હોય છે. સવારે જાગીને તરત પાણી પીવાથી તે રિહાઈડ્રેટ થાય છે. સાથે સાથે જ તેનાથી મેટાબોલિઝમ તેજ થાય છે, અને માનસિક સતર્કતા વધે છે. સવારે સૌથી પહેલા પાણી પીવા માટે રાત્રે જ પથારીની પાસે એક ગ્લાસ પાણી ભરીને રાખો.
પહેલી અડધો કલાક ફોનથી દૂર રહો
સવારે આંખો ખુલતાની સાથે જ ફોન કે સોશિયલ મીડિયા ચેક કરવાનું ટાળો. નકારાત્મક માહિતીઓને કારણે કારણ વગરનો માનસિક તણાવ થઈ શકે છે. દિવસની શરૂઆત નબળા મૂડ સાથે - નકારાત્મકતા થઈ શકે છે. આથી દૃઢ સંકલ્પ કરી લો કે જાગ્યા પછી તરત ફોન ઉઠાવીશ જ નહીં. તેના બદલે સ્ટ્રેચિંગ, માઈન્ડફૂલનેસ ગતિવિધિઓ અપનાવો કે મેડિટેશન પણ ધરી શકો છો.
હુંફાળા પાણીથી સ્નાન બનાવશે ઊર્જાવાન
હુંફાળા પાણીનું સ્નાન તમારામાં ચેતનાનો સંચાર કરશે. જો ગરમીના દિવસો હોય, અને તમારા આરોગ્યને માફક આવે એમ હોય તો ઠંડા પાણીથી પણ સ્નાન કરી શકાય. ઠંડુ પાણી શરીરમાં રક્તસંચાર વધારવાની સાથોસાથ શરીરની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે. માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે. એ તમને વધુ જાગૃત અને ઊર્જાવાન બનાવે છે.