ન્યૂ યોર્કઃ એક અભ્યાસના આધારે દાવો થયો છે કે તડકામાં સમય વધુ સમય સુધી રહેવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ સંશોધન ‘કેન્સર એપિડેમિયોલોજી, બાયોમાર્કર એન્ડ પ્રિવેન્શન જર્નલ’માં પ્રકાશિત થયું છે.
યુનિવર્સિટી ઓફ બફેલો અને યુનિવર્સિટી ફ પ્યૂર્ટો રિકોના વિજ્ઞાનીઓએ એક અભ્યાસના આધારે તારણ રજૂ કર્યું છે કે તડકામાં રહેતી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘણું ઓછું હોય છે. રિસર્ચરોએ ત્વચાના પિગમેન્ટ્સની તુલના કરવા માટે ક્રોમામીટરનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩૨૮ કેસમાં પિગમેન્ટ્સ નિયંત્રણમાં જણાતા હતા. જ્યારે ૩૦૭ કિસ્સામાં ત્વચાના પિગમેન્ટ્સ પર તડકાની અસર જોવા મળી. બફેલોમાં ભીષણ ઠંડી પડતી હોય છે, જ્યારે પ્યૂર્ટો રિકોમાં તડકો સારો હોય છે. આથી રિસર્ચરોએ બંને દેશની મહિલાઓને આ અભ્યાસમાં સામેલ કરી હતી. રિસર્ચરોએ જોયું કે, તડકામાં ન રહેતી મહિલાઓની તુલનામાં તડકામાં રહેતી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું હતું.
ભારતના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ (એમઆઈસીપીઆર)ના પૂર્વ ડિરેક્ટર અને સેન્ટર ફોર હેલ્થ ઈનોવેશન એન્ડ પોલિસીના ફાઉન્ડર ડો. રવિ મલ્હોત્રાના અનુસાર, તડકામાં રહેતી મહિલાઓમાં વિટામિન-ડીની ઉણપ હોય છે અને વિટામિન-ડી કેન્સરના જોખમને ઘટાડે છે. ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરના કુલ કેસોમાંથી ૨૭ ટકા બ્રેસ્ટ કેન્સરના હોય છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ અનુસાર, ભારતમાં ૨૦૨૦માં બ્રેસ્ટ કેન્સરના ૧૩.૯ લાખ કેસ જોવા મળ્યા હતા, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૧૫.૭ લાખ થઈ શકે છે.