સુધરેલા સુખી સમાજમાં છેલ્લા થોડાક વર્ષોથી હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ જેવા રોગોએ સ્થાન જમાવ્યું છે. એમાંથી બચવા માટે આધુનિકોએ કેટલીક ચેતવણીઓ આપી છે. જેમાંથી એક છે ચરબી ઓછી ખાવ એટલે કે, ચરબી-સ્નેહવાળા પદાર્થો ખોરાકમાં ઓછા લેવાં અને એટલે સૌની નજર પડી ઘી પર. આધુનિક આરોગ્ય શાસ્ત્રીઓને ઘીમાં વિટામીન્સ અને ઔષધીય ગુણો કરતાં ચરબી વિશેષ નજરે ચડ્યાં. આથી એના ભયસ્થાનો મોટા કરીને બતાવ્યા, જેથી સુધરેલા લોકો સાચવીને તેનો ઉપયોગ કરે છે. કોઇ વખત અમૃત જેવા ઘીથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. કે, સાવ જ તેને ખાવાનું છોડી દે છે.
વજન વધી જશે, કોલેસ્ટરોલ વધી જશે, ચરબી જમા થવાથી આર્ટીરીઓસ્લેરોસીસ થઇ જશે એવા માત્ર ભયથી દૂર રહે છે કે ખૂબ જ સંભાળીને ખાય છે. આ સમયે પ્રશ્ન માત્ર એટલો જ થાય છે કે, આધુનિક દૃષ્ટિએ થોડા વિટામિન્સ અને માત્ર સ્નેહ જેમાં દેખાય છે એ ઘીમાં આપણાં પૂર્વજોને તે વળી એવું શું જોવા મળ્યું કે જેથી આપણને મૂંઝવણમાં મૂકી દે એવું સૂત્ર આપ્યુંઃ ‘ઘૃતં પીબેત્ રૂણં કૃત્વા’ અર્થાત્ કરજ કરીને પણ ઘી પીઓ. ખૂબ જ ગંભીરતાથી અને વૈજ્ઞાનિકો દૃષ્ટિકોણ નજર સમક્ષ રાખીને વિચારીએ છીએ ત્યારે એટલું સ્પષ્ટ થાય છે કે હજારો વર્ષ પૂર્વે ઋષિમુનિઓએ પોતાની દિવ્ય દૃષ્ટિથી ઘીમાં ગુણોને શોધી કાઢ્યાં છે. આજના આરોગ્યશાસ્ત્રીઓએ ઘીમાં બતાવેલા અનેક ગુણોમાંથી થોડા વિટામિન્સ અને માત્ર સ્નેહ જોવા મળ્યા છે. જ્યારે મહર્ષિ આત્રેય વગેરેએ ઘી વિષે સુંદર વર્ણન કરી માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે. ઘી, તેજ શક્તિ અને આયુષ્ય વધારનાર છે. આંખ માટે જંતુઓથી રક્ષણ કરનાર છે. જીવન માટે ઘીની ખૂબ જ જરૂર હોવાથી મહર્ષિઓએ કહ્યું છે કે, ‘ધૃતં વૈ આયુ’ ઘી એ જ આયુષ્ય છે. જ્યારે આજે ઘીમાં રહેલા ચરબીનો એટલો મોટો હાઉ લોકોના પેસાડી દેવાયો છે કે જેથી સુધરેલો સમાજ ભવિષ્યમાં હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ, કોલેસ્ટરોલનું વધી જેવું જેવા મહાવ્યાધિથી બચવાથી ખાતા બીએ છે. અથવા ખૂબ જ સંભાળપૂર્વક ભોજનમાં તેનો ઉપયોગ કરે છે.
સામાન્ય સમજ પ્રમાણે કોઇ પણ વાહનમાં ચાલુ એન્જીનનો ઘસારો અટકાવવા માટે ઓઇલ વાપરવામાં આવે છે. જ્યારે પ્રાણી અને માનવશરીર એવું છે કે શ્રમ કરે કે ના કરે, પર અંદરનું હૃદય અને અન્ય ક્રિયાઓ નિરંતર ચોવીસ કલાક બિલકુલ આરામ વિના ચાલુ રહે છે. આથી એને વધારે કે ઓછા પ્રમાણમાં સ્નેહ પદાર્થની જરૂર રહેવાની. આ માટે જરૂરી ચરબી આપણે ખોરાકમાંથી મેળવી લઇએ છીએ. આપણા ઋષિમુનિઓને શરીરને જરૂર પૂરતી ચરબી પૂરા પાડવા માટે બીજા ચરબીવાળા પદાર્થો કરતાં ઘી ઉત્તમ લાગ્યું છે. નિત્ય સેવન કરવા માટે ગાયનું ઘી વાપરવું જોઇએ કારણ કે તે ગુણમાં શ્રેષ્ઠ છે.
શુદ્ધ ઘી શરીરને લાભકર્તા ગુણોને લીધે ભારતીય ખોરાકમાં અગ્રસ્થાને રહ્યું છે. ઉત્તમ જીવન માટે ઘી અત્યંત આવશ્યક હોવાથી, એનું મહાત્મય ખૂબ જ વધારવા માટે પૂર્વજોએ કહ્યું છે કે, કરજ કરીને પણ ઘી ખાવ.
મહર્ષિ ચરકે ઘીના ગુણો વિષે લખ્યું છે કે, સ્મૃતિ વધારનાર, શીતળ, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, બીજા ચરબીયુક્ત પદાર્થોમાં ઉત્તમ, વીર્યને વધારનાર, રસાયન એટલે યુવાની ટકાવી રાખનાર, પિત્ત અને વાયુને હરનાર છે. મહર્ષિ સુશ્રુત એથીએ આગળ કહે છે કે ક્રાંતિ અને સ્વરમાં મધુરતા આપરનાર, સુકોમળ રાખનાર આયુષ્ય વધારનાર, તેજ અને શક્તિ વધારનાર, આંખ અને પરમ હિતકારી વિષને હરનાર, જંતુઓથી રક્ષણ કરનાર છે. સુખી આરોગ્યમય જીવન માટે ઘી ખૂબ જ જરૂરી હોવાથી મહર્ષિએ એમ પણ કહ્યું છે કે ‘ઘૃતંહીને કુભોજન છે.’ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ તો ઘીમાં રહેલી ચરબી ઉપરાંત વિટામિન ‘એ’ ચામડીની સુકોમળતા અને તેજ જાળવી રાખે છે. આથી જ તેને વિટામિન ‘ડી’ની ખાસ જરૂર રહે છે. આ જરૂરી વિટામિન અને સ્નેહ ઘીમાં છે એટલે આધુનિક દૃષ્ટિએ પણ આદર્શ બેલેન્સ ખોરાકમાં ઘી ખૂબ જ જરૂરી બની રહે છે એટલે ઘી ડર રાખ્યા વિના પાચનશક્તિ મુજબ નિયમિત ઘી ખાવું જોઇએ. જેનું શરીર પાતળુ-કૃષ રહેતું હોય, ચામડી લૂખી રહેતા હોય, ચહેરો નિસ્તેજ રહેતો હોય, પિત્ત અને વાયુ સતાવ્યાં કરતા હોય, મળ સુકાઇ જતો હોય, ચિત્ત ઉશ્કેરાયેલ રહેતું હોય, સહનશક્તિ ઓછી થઇ ગઇ હોય, તેઓએ એમના ખોરાકમાં ઘીને અવશ્ય સ્થાન આપવું જોઇએ. પ્રથમ પસંદગી ગાયના ઘીની હોવી જોઇએ. એટલું જ નહીં પણ સવાર-સાંજ જઠરાગ્નિ અનુસાર બેથી ચાર ચમચી ઘી ધીમે ધીમે પીવું જોઇએ.
મહર્ષિ ચરકે કહ્યું છે કે, પેક કરીને સંરક્ષિત રાખેલ દસ વર્ષ જૂનું ઘી અપસ્માર, વાઇ, એપીલેપ્સી માટે ખૂબ જ ઉત્તમ ઔષધ છે. જૂનુ ઘી બુદ્વિ અને સ્મૃતિ વધારવામાં ઉત્તમ છે. રસ ધરાવનારે આ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. કોણે નહીં ખાવું? ઘીમાં આટલા બધા ઉત્તમ ગુણો હોવા છતાં કોણે નહીં ખાવું એ પણ આણા પૂર્વજોએ બતાવેલ છે. જેઓ મેદ જઠરાગ્નિ, હૃદયરોગ, શ્વાસ અને કફજન્ય વ્યાધિઓની પીડાતા હોય, અત્યંત મેદસ્વી હોય, કમળો થયો હોય, કે યકૃત નબળું પડ્યું હોય, હાઇ બ્લડપ્રેશર રહેતું હોય એવી વ્યક્તિઓએ ઘી ખાવું જોઇએ નહીં અથવા ચિકિત્સકની સલાહ મુજબ ખાવું જોઇએ. માખણ અને ઘીમાં ગુણો લગભગ સરખા હોવાથી જેઓને તાજું માખણ મળે તે લઇ શકે છે. માખણ પચવામાં હલકું પણ હોય છે, એ તેનો આગવો ગુણ છે. મોટા ભાગે લોકો ભેંસ અને ગાયનું ઘી વાપરીએ છીએ એટલે એના પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આયુર્વેદમાં દરેક પ્રાણીઓના ઘીના ગુણદોષનું વર્ણન કરે છે. ઉંટડી, હાથણી, ઘેટાં, બકરાં, ઘોડી, વગેરેના દૂધમાંથી બનાતા ઘી વિશે લખાયું છે. ઘેટીનું ઘી કનિષ્ટ પ્રકારનું છે. બકરીનું ઘી ટીબીના દર્દ માટે ઉતમ મનાય છે.
આ બધા પર ઊંડો રસ લઇને સંશોધન કરવામાં આવે તો કેટલાંય રહસ્યો બહાર આવે તેમ છે. તબેલામાં બાંધેલા પ્રાણીઓ કરતાં જંગલો અને ખેતરોમાં ચરતાં પ્રાણીઓના દૂધમાંથી બનાવેલ ઘી અનેક ગુણવાળું હોય છે. તબેલામાં બાંધી રાખી મેળવામાં આવતાં ઘીમાં ચરબી સિવાય બીજા બધા ગુણ બહુ ઓછા હોય છે એ યાદ રાખવું જરૂરી છે.